બ્રેક્ઝિટમુદ્દે બ્રિટનમાં પૉલિટિકલ ક્રાઇસિસ સર્જા‍તાં સોનામાં મજબૂતી

17 January, 2019 08:42 AM IST  |  | મયૂર મહેતા

બ્રેક્ઝિટમુદ્દે બ્રિટનમાં પૉલિટિકલ ક્રાઇસિસ સર્જા‍તાં સોનામાં મજબૂતી

ગોલ્ડમાં મજબૂતી

બુલિયન બુલેટિન

બ્રેક્ઝિટના મુદ્દે બ્રિટનમાં પૉલિટિકલ ક્રાઇસિસ સર્જા‍તાં અને અમેરિકામાં ફાઇનૅન્શિયલ શટડાઉનને ૨૬ દિવસ પૂરા થતાં ઇકૉનૉમિક ક્રાઇસિસ વધી રહી હોવાથી સોનામાં મજબૂતી જળવાયેલી હતી. બ્રિટનની પાર્લામેન્ટમાં ડિવૉર્સ-ડીલ નામંજૂર થતાં હવે માર્ચના અંતે કોઈ પણ કરાર વગર બ્રિટન યુરોપિયન યુનિયનથી છૂટું પડી જશે અથવા તો બ્રિટન યુરોપિયન યુનિયન સાથે જ રહેશે એવી પણ સ્થિતિ ઉદ્ભવી શકે છે. હાલ પૂરતું થેરેસા મે સરકારના અસ્તિત્વ પર ખતરો ઊભો થતાં બ્રિટનમાં પૉલિટિકલ ક્રાઇસિસ ઊભી થઈ હતી.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

ચીનમાં રિયલ એસ્ટેટની તેજી સતત વધી રહી છે જે ઇકૉનૉમીના ગ્રોથ માટે અવરોધરૂપ બની રહી છે. ચીનનાં ટૉપ લેવલનાં 70 શહેરોમાં નવાં મકાનોના ભાવ ડિસેમ્બરમાં 9.7 ટકા વધીને 17 મહિનાની ઊંચાઈએ પહોંચ્યા હતા, જે નવેમ્બરમાં 9.3 ટકા વધ્યા હતા. ચીનમાં નવાં મકાનોના ભાવ છેલ્લા 44 મહિનાથી એકધારા વધી રહ્યા છે. ચીનની સરકારી ઑથોરિટીએ રિયલ એસ્ટેટની તેજીને ખાળવા માર્ચ 2017થી પગલાં લેવાનું શરૂ કર્યું છે, પણ એક પણ પગલું કારગત નીવડતું નથી. જપાનનું પ્રોડ્યુસર્સ ઇન્ફ્લેશન ડિસેમ્બરમાં 1.5 ટકા વધ્યું હતું, પણ 21 મહિનાની નીચી સપાટીએ હતું જે નવેમ્બરમાં 2.3 ટકા વધ્યું હતું. જપાનની સેન્ટ્રલ બૅન્ક ઇન્ફ્લેશન વધારવા સતત પ્રયત્નશીલ છે. એમ છતાં ઇન્ફ્લેશન ઘટી રહ્યું છે. અમેરિકાનો ઇકૉનૉમિક ઑપ્ટિમિઝમ ઇન્ડેક્સ જાન્યુઆરીમાં 0.6 ટકા ઘટીને 13 મહિનાના તળિયે 52.3 પૉઇન્ટે પહોંચ્યો હતો જે ડિસેમ્બરમાં 52.6 પૉઇન્ટ હતો. અમેરિકાનો પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સ ડિસેમ્બરમાં 0.2 ટકા ઘટ્યો હતો જે નવેમ્બરમાં 0.1 ટકા હતો અને માર્કેટની ધારણા પણ 0.1 ટકો ઘટવાની હતી. ભારતની ટ્રેડ-ડેફિસિટ ડિસેમ્બરમાં ઘટીને 13.08 અબજ ડૉલરે પહોંચી હતી, જે ગયા વર્ષે આ સમયે 14.2 અબજ ડૉલર હતી. ભારતની એક્સપોર્ટ ડિસેમ્બરમાં 0.3 ટકા વધી હતી. એની સામે ઇમ્પોર્ટ 2.44 ટકા ઘટી હતી. બ્રેક્ઝિટ-ડીલની વિરુદ્ધ મતદાન થયા બાદ પાઉન્ડ ઘટ્યો હતો, પણ પાછળથી રિકવર થતાં ડૉલર ઘટ્યો હતો અને સોનું સુધર્યું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

બ્રેક્ઝિટ ડિવૉર્સ ડીલના મતદાનમાં બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર થેરેસા મેને જબ્બર પછડાટ મળતાં હવે બ્રેક્ઝિટ પ્રોસેસ એની ડેડલાઇન સુધીમાં કોઈ પણ પ્રકારની ડીલ વગર થશે અથવા તો બ્રિટન દ્વારા યુરોપિયન યુનિયન છોડવાના નિર્ણયમાં પણ ફેરબદલ થઈ શકે છે. ઓવરઑલ બ્રિટનમાં હાલ પૉલિટિકલ ક્રાઇસિસ ઊભી થઇ ચૂકી છે. થેરેસા મેની સરકાર સામે અસ્તિત્વનો ખતરો ઊભો થયો છે. બ્રિટનમાં પૉલિટિકલ ક્રાઇસિસની સાથે-સાથે અમેરિકાનું ફાઇનૅન્શિયલ શટડાઉન ૨૬મા દિવસમાં પ્રવેશતાં ઇકૉનૉમિક ક્રાઇસિસ સતત વધી રહી છે. વાઇટ હાઉસે જણાવ્યું હતું કે શટડાઉનની અમેરિકન ઇકૉનૉમી પર ધારણા કરતાં વધુ મોટી અસર થશે. ગ્લોબલ સ્લોડાઉનની વધી રહેલી અસરની સાથે અમેરિકામાં મલ્ટિપલ રિસ્ક વધી રહ્યાં છે. વર્લ્ડના ટૉપ લેવલના પૉલિસીમેકરો હવે માની રહ્યા છે કે ચીનના સ્લો ગ્રોથ, અમેરિકાના શટડાઉન અને બ્રિટનની પૉલિટિકલ ક્રાઇસિસની અસર જોતાં ફેડને ઇન્ટરેસ્ટ-રેટનો વધારો મોકૂફ રાખવાની ફરજ પડશે. તમામ ઘટનાક્રમ સોનામાં સ્પક્ટ તેજીના સંકેત આપે છે.

ભારતમાં વ્યક્તિગત સોનાની વપરાશ અન્ય દેશો કરતાં ઘણી ઓછી

વર્લ્ડમાં ભારત સોનાનું બીજા ક્રમનું વપરાશકાર અને ઇમ્પોર્ટર હોવા છતાં ભારતમાં સોનાની વ્યક્તિગત વપરાશ અન્ય દેશો કરતાં ઘણી જ ઓછી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ અનુસાર ભારતમાં સોનાની વ્યક્તિગત વપરાશ 2017માં 0.6 ગ્રામ હતી. એની સામે ચીનમાં 0.7 ગ્રામ હતી. હૉન્ગકૉન્ગમાં સોનાની વ્યક્તિગત વપરાશ 6.2 ગ્રામ છે અને યુનાઇટેડ આરબ એમિરેટ્સમાં સોનાની વ્યક્તિગત વપરાશ 4.8 ગ્રામ છે. 2018ના ત્રીજા ક્વૉર્ટરમાં ભારતમાં ગોલ્ડ જ્વેલરીની વપરાશ 148.8 ટન હતી. ભારતની સોનાની ઇમ્પોર્ટ ત્રીજા ક્વૉર્ટરમાં 60 ટકા વધી હતી.

આ પણ વાંચો : સોનું 2019માં વધીને 4500 ડૉલર અને ચાંદી 17 ડૉલર થવાની આગાહી

સોનાની ટૅરિફ-વૅલ્યુ ૪ ડૉલર, ચાંદીની 11 ડૉલર વધી

દેશમાં સોના-ચાંદીની ટૅરિફ-વૅલ્યુમાં ફરી સરકારે વધારો કર્યો છે. વૈશ્વિક ભાવ ઊંચકાયા હોવાથી સોનાની ટૅરિફ-વૅલ્યુમાં પ્રતિ 10 ગ્રામ ચાર ડૉલરનો વધારો કરીને 416 ડૉલર કરી છે, જે અગાઉ 412 ડૉલર હતી. ચાંદીની ટૅરિફ-વૅલ્યુમાં 11 ડૉલરનો વધારો કરીને 504 ડૉલર પ્રતિ એક કિલો કરી છે, જે અગાઉ 493 ડૉલર હતી.