Budget 2019: આજે બજેટમાં બહુ મોટી આશા રાખવી નહીં

05 July, 2019 07:43 AM IST  |  મુંબઈ

Budget 2019: આજે બજેટમાં બહુ મોટી આશા રાખવી નહીં

Budget 2019

ભારત સરકારનું નાણાકીય વર્ષ ૨૦૧૯-’૨૦નું અંતિમ બજેટ શુક્રવારે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ રજૂ કરવાનાં છે. એવી આશાઓ છે કે પ્રચંડ બહુમતી સાથે આવેલી નરેન્દ્ર મોદીની નવી સરકાર લોકોને ફાયદો કરાવશે. જોકે આવી આશા બધા માટે ફળદાયી નીવડે એવી ધારણા રાખવી જરા અતિશયોક્તિ હશે.

આગલી સરકારમાં નાણાપ્રધાન અરુણ જેટલી બીમાર હતા એટલે વચગાળાના નાણાપ્રધાન પીયૂષ ગોયલે ચૂંટણી પહેલાં વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં દરેક ખાતાં અને સ્કીમ માટે ફાળવણી કરવામાં આવી હતી. આ ફાળવણીમાં બહુ મોટો ફેરફાર થાય એવી શક્યતા ઓછી છે. કારણ કે નાણાવિભાગના આર્થિક બાબતોના ખાતાએ એક સર્ક્યુલરમાં દરેક વિભાગને ૨૯ મેએ વધારાની રકમની ફાળવણી માટે દરેક મંત્રાલય અને ખાતાને જાણ કરી હતી. આ સૂચના સ્વયંસ્પષ્ટ છે.

‘વચગાળાના બજેટ ૨૦૧૯-’૨૦માં દરેક ખાતાને કરવામાં આવેલી ફાળવણીમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં, પરંતુ કોઈ નિવારી શકાય નહીં એવી ફાળવણી કે ખર્ચ હોય તો બજેટમાં સમાવી લેવા માટે એનાં જરૂરી કારણો સાથે એ મોકલી આપવા વિનંતી છે,’ એમ આ સર્ક્યુલરમાં જણાવાયું છે. સીધો મતલબ કે વિવિધ ખાતાંઓ કે વિભાગની ફાળવણીમાં મોટો ફેરફાર થાય એમ લાગતું નથી.

દરેક વર્ગને ખુશ રાખવા માટે સરકાર પાસે અઢળક નાણાં જોઈએ જે અત્યારે નથી. નાણાકીય વર્ષ ૨૦૧૮-’૧૯માં ધારણા કરતાં કરવેરાની આવક ઓછી થઈ હોવાથી ખર્ચ ઘટાડીને સરકારે નાણાકીય ખાધ જીડીપીના ૩.૪ ટકા કરી છે. વચગાળાના બજેટમાં ૨૦૧૯-’૨૦ માટે ખાધ જીડીપીના ૩.૪ ટકા અંદાજવામાં આવી છે. એવી એક માગણી ચાલી રહી છે કે દેશનું અર્થતંત્ર જાન્યુઆરીથી માર્ચ ક્વૉર્ટરમાં છેલ્લાં ૨૦ કવૉર્ટરમાં સૌથી ધીમું હતું. આ સ્થિતિમાં ગ્રામીણ, લઘુ અને મધ્યમ કદના એકમો અને કૉર્પોરેટ ક્ષેત્રની માગણી છે કે સરકાર ટૅક્સ ઘટાડે અને ખર્ચ વધારે તો અર્થતંત્રની ગાડી પાટા પર ચડે.

એવી દલીલ પણ થઈ રહી છે કે નાણાખાધમાં જો બહુ મોટો વધારો ન થાય, ૩.૪ ટકાની ધારણા કરતાં ૩.૬ ટકા જેટલી રહે તો બહુ મોટી ચિંતા નથી. જોકે ગુરુવારે આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યા બાદ દેશના મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ અલગ મત ધરાવે છે.

સુબ્રમણ્યમે કહ્યું કે ‘આર્થિક સર્વેક્ષણમાં પણ ૩.૪ ટકાની ખાધનો અંદાજ છે. સરકાર આ ખાધને વળગી રહે એ જરૂરી છે. જો ખાધ વધે તો સરકારે બજારમાંથી વધુ નાણાં ભેગાં કરવાં પડે અને એનાથી મૂડીરોકાણની ગતિ ધીમી પડે શકે છે.’

સરકારની કુલ આવક કરતાં ખર્ચ વધારે છે એટલે એ તફાવતને ફિસ્કલ ડેફિસિટ કે નાણાખાધ કહેવામાં આવે છે. આ ખાધ પૂરી કરવા માટે સરકાર બજારમાંથી જામીનગીરી, બૉન્ડ અને અન્ય રીતે નાણાં ભેગાં કરવાં પડે છે એટલે કે સરકાર માત્ર કરરાહત નહીં, પણ અન્ય રીતે વધારે નાણાં એકત્ર કરવા માટેનાં સાધનો પણ ઊભાં કરશે. સરકાર છેલ્લાં બે વર્ષથી ડિસઇન્વેસ્ટમેન્ટ અને અન્ય સ્રોત પર આધાર રાખી રહી છે. ૮૦,૦૦૦ કરોડ રૂપિયાની રકમ સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટ થકી ઊભી કરવા માટેની નેમ રાખી બેઠી છે. એવી જ રીતે ફાઇવજી સ્પેક્ટ્રમની નિલામી પણ એક મોટી આવકનું સાધન છે, પરંતુ અત્યારે ટેલિકૉમ કંપનીની જે હાલત છે એમાં આટલી મોટી રકમ સરકાર એકત્ર કરી શકે કે નહીં એ ચોક્કસપણે નાણાપ્રધાન સીતારમણના ધ્યાન પર હશે.

બજેટમાં શું હશે?

બીજી તરફ અન્ય દલીલ મુજબ જો માની લઈએ કે નાણાપ્રધાન ખાધનો લક્ષ્યાંક ૩.૪ ટકાથી વધારીને ૩.૬ ટકા કરે તો ૪૨,૦૦૦ કરોડ રૂપિયાની રકમ વધારાની સરકારને મળી શકે છે.

હવે સરકારે બજેટ પહેલાં જ કેટલીક જાહેરાતો કરી છે એને કારણે આ રકમથી કોઈ મોટી રાહત મળે એવી સંભાવના બહુ ઓછી છે. દેશના નાના અને સીમાંત ખેડૂતોને વર્ષે ૬૦૦૦ રૂપિયા ચૂકવવાની યોજના હવે બધા ખેડૂતો માટે નવી સરકારે પહેલી જ કૅબિનેટમાં જાહેર કરી છે. આ માટે જાહેરનામું પણ બહાર પડી ગયું છે. અગાઉ વચગાળાના બજેટમાં જાહેર થયેલી આ યોજના માટે ૭૫,૦૦૦ કરોડ રૂપિયાની ફાળવણી થઈ હતી. હવે ખર્ચ વધતાં આ ફાળવણી ૮૭,૨૧૭ કરોડ રૂપિયા થશે એટલે કે સરકાર વધારાના ૧૨,૨૧૭ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.

આ ઉપરાંત સરકારે રીટેલ વેપારીઓ માટે, ખેડૂતો માટે પણ પેન્શન સ્કીમની જાહેરાત કરી છે. આ સ્કીમ માટે સરકારે ચૂકવવાના હિસ્સાની રકમની ફાળવણી પણ બાકી છે એટલે થોડો ખર્ચ એમાં જશે. આ સ્થિતિમાં સરકાર બહુ મોટો ફાયદો કોઈ ચોક્કસ ટૅક્સરાહત થકી, નાણાખાધ વધારીને પણ કરાવી શકે એમ નથી.

સરકારી મૂડીરોકાણ

સરકારનું બજેટ આગામી પાંચ વર્ષના ભારતની પરિકલ્પના હશે અને એ માટે વર્તમાન સ્કીમ, યોજનાઓ, કાર્યક્રમને ફાળવણી કરશે. સરકાર માળખાકીય સગવડ માટે પાંચ વર્ષમાં ૧૦૦ લાખ કરોડ રૂપિયા ખર્ચશે એવી વાત ચૂંટણીઢંઢેરામાં ભારતીય જનતા પાર્ટી (બીજેપી)એ કરી હતી. આ જાહેરાતની રૂપરેખા આપવામાં આવશે. માળખાકીય સગવડમાં રેલવે, પોર્ટ, ઍરપોર્ટ, નૅશનલ હાઇવે, શિક્ષણ, આરોગ્ય, ઉચ્ચ શિક્ષણ અને અન્ય સેવાઓનો સમાવેશ પણ કરી લેવામાં આવશે. એટલે સરકાર જે રકમ આ ક્ષેત્રો પાછળ ખર્ચે છે એને નવું નામ આપવામાં આવશે, વધારે કેન્દ્રિત કરવામાં આવશે.

પગારદાર

બીજી તરફ પગારદાર વર્ગે મોટી રાહતની અપેક્ષા બજેટમાં રાખવી ન જોઈએ. વચગાળાના બજેટમાં જ પીયૂષ ગોયલે વાર્ષિક રૂપિયા પાંચ લાખ રૂપિયા સુધીની આવકને વેરામુક્ત કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતને હવે કાયદેસરનું સ્વરૂપ આપવામાં આવશે. આ ઉપરાંત વ્યાજની આવક, ભાડાંની આવક પર ટૅક્સ ડિડક્શન ઍટ સોર્સ (ટીડીએસ)ની મર્યાદા વધારવામાં આવી હતી એટલે પગારદાર વર્ગે બહુ મોટી આશા બજેટમાં રાખવી નહીં.

કૉર્પોરેટ

કૉર્પોરેટ ક્ષેત્રની માગણી છે કે બજેટમાં એનો વેરો ૩૦ ટકાથી ઘટાડીને ૨૫ ટકા કરવામાં આવે. સરકાર આ બાબતે ગંભીર રીતે વિચારી રહી છે. અત્યારે ૨૫૦ કરોડ રૂપિયા સુધીનું ટર્નઓવર ધરાવતી કંપનીએ ૨૫ ટકા ટૅક્સ ભરવો પડે છે. આ મર્યાદામાં થોડો ફેરફાર થઈ શકે, પણ બધી જ કંપની માટે ટૅક્સ ઘટે એવી શક્યતા જણાતી નથી.

કૃષિ

ખેડૂતો માટે મોટી જાહેરાતો વચગાળાના બજેટમાં થઈ ગઈ છે. ધિરાણ સરળ કરવા, વધારે ધિરાણ આપવા માટે પણ જાહેરાત થઈ ગઈ છે એટલે આ બજેટમાં જે જાહેરાત હશે એમાં માત્ર કૃષિની માળખાકીય સગવડો, દેશની ખાધ સુરક્ષા વધારે સબળ બને, કૃષિ ઊપજનું માર્કેટિંગ અને સ્ટોરેજ સરળ બને એ માટેની જાહેરાત થઈ શકે છે.

રોજગારી

સરકાર રોજગારીનું સર્જન થાય એવા ટેક્સટાઇલ્સ, લેધર, જેમ્સ ઍન્ડ જ્વેલરી, ટૂરિઝમ જેવાં ક્ષેત્રો માટે મોટી જાહેરાત કરી શકે છે. સરકાર આ માટે બહુ મોટી રાહતો આપે કે નહીં, પણ આ ક્ષેત્રોમાં મૂડીરોકાણ વધે, વધારે સંશોધન થાય, વધારે મૂલ્યવર્ધિત ચીજોનું ઉત્પાદન થાય અને એનાથી નિકાસ પણ વધી શકે એ માટે ઉદ્યોગકારો અને સાહસિકોને પ્રોત્સાહન જાહેર કરી શકે છે.

આ પણ વાંચો : હવે મુકેશ અંબાણી અને માર્ક ઝકરબર્ગે મિલાવ્યા હાથ, ડિજિટલ સાક્ષરતા માટે કરશે કામ

શૅરબજાર

લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન્સ પુનઃ દાખલ થયા પછી બજારની એવી માગણી છે કે સિક્યૉરિટીઝ ટ્રાન્ઝૅક્શન ટૅક્સ હટાવી લેવામાં આવે. મૂડીબજાર માટે આ એક મોટી જાહેરાત હશે, આ બજેટમાં સરકારની એવી સંભાવના છે કે આ ટૅક્સ નાબૂદ કરે. આવી જ રીતે સોના પર આયાત-ડ્યુટી ઘટાડે અથવા એમાં કોઈ ફેરફાર કરે એવી શક્યતા ચોક્કસ નકારી શકાય નહીં.

Budget 2019 business news