ભારતી ઍરટેલને સપ્ટેમ્બરના અંતે 23,045 કરોડ રૂપિયાની જંગી ખોટ

15 November, 2019 11:29 AM IST  |  New Delhi

ભારતી ઍરટેલને સપ્ટેમ્બરના અંતે 23,045 કરોડ રૂપિયાની જંગી ખોટ

ઍરટેલ

દેશની અગ્રણી મોબાઇલ સર્વિસ અને ડાયરેક્ટ ટુ હોમ કેબલ ટીવી સર્વિસ આપતી ભારતી ઍરટેલે આજે જુલાઈથી સપ્ટેમ્બર ક્વૉર્ટરના પરિણામની જાહેરાત કરી હતી. સુપ્રીમ કોર્ટે મહિનાના પ્રારંભે જાહેર કરેલા ૧૪ વર્ષ જુના એક કેસમાં ઍડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર) કઈ રીતે ગણવો એનો ચુકાદો આપ્યો હતો જે ટેલિકૉમ કંપનીઓની વિરુદ્ધમાં ગયો હતો. આ માટે કંપનીએ જોગવાઈ કરતાં કંપનીની ખોટ સપ્ટેમ્બરના અંતે ૨૩,૦૪૫ કરોડ રૂપિયાની આવી હતી.

પરિણામ જાહેર કરતાં ભારતી ઍરટેલે એક યાદીમાં જણાવ્યું હતું કે કંપનીએ કુલ ૨૮,૪૫૦ કરોડ રૂપિયાની જોગવાઈ સુપ્રીમ કોર્ટના આદેશને કારણે કરી છે જેમાં ૧૮,૮૧૫ કરોડ રૂપિયા લાઇસન્સ ફી પેટે અને ૧૧,૬૩૫ કરોડ રૂપિયાની રકમ સ્પેક્ટ્રમ યુસેજ ચાર્જ માટે કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર રકમ ભરવાનો ત્રણ મહિનાનો સમય છે, પણ કંપની આટલા ઓછા સમયમાં આટલી મોટી રકમ એકત્ર કરી શકે છે કે નહીં એ એક સવાલ છે. જવાબદારી પૂર્ણ કરવા માટે કંપનીને વધારાનાં નાણાંની જરૂર પડશે. આ સમયમાં કંપની જરૂરી માત્રામાં આટલાં નાણાં એકત્ર કરી શકે કે નહીં અને કંપનીની અનુકૂળ શરતોએ એકત્ર થઈ શકે કે નહીં એ એક સવાલ છે. આ અનિશ્ચિતતાને કારણે કંપની અન્ય જવાબદારી પૂર્ણ કરી શકે છે કે નહીં એ પણ એક સવાલ છે, એમ કંપનીએ શૅરહોલ્ડરને આપેલા અર્ધવાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું.

દેશની બીજા ક્રમની મોબાઇલ કંપની ઍરટેલ ભારત ઉપરાંત આફ્રિકામાં પણ કાર્યરત છે. કંપનીની કુલ આવક સપ્ટેમ્બરના અંતે ૨૧,૧૩૧ કરોડ રૂપિયા રહી છે જે ગયા વર્ષ કરતાં ૪.૯ ટકા વધી હતી. કંપની પાસે હાલમાં વિશ્વના ૧૬ દેશોમાં ૪૧ કરોડ ગ્રાહકો છે. કંપનીની ભારતની આવક ત્રણ ટકા વધી હતી. કંપનીનો ઑપરેટિંગ નફો ૮૯૩૬ કરોડ રૂપિયા હતો અને ઑપરે‌ટિંગ માર્જિન ૪૨.૩ ટકા રહ્યા હતા. કોર્ટના આદેશ અનુસારની જોગવાઈઓ બાદ કરતાં કંપનીએ સપ્ટેમ્બરના અંતે ૧૧૨૩ કરોડ રૂપિયાની ખોટ કરી હતી.

કંપની સતત દેવું ઘટાડવાનો પ્રયાસ કરી રહી હોવાથી સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં વ્યાજનો ખર્ચ ઘટ્યો હતો, પણ કુલ દેવું સપ્ટેમ્બરના અંતે ૧૪૬૦ કરોડ રૂપિયા વધી ૧,૧૮,૧૦૬ કરોડ રૂપિયા થયું છે જે ગયા ક્વૉર્ટરમાં ૧,૧૬,૬૪૫ કરોડ રૂપિયા હતું. 

airtel business news