ફુગાવામાં થયો વધારો જ્યારે ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો

13 February, 2020 10:47 AM IST  |  Mumbai Desk

ફુગાવામાં થયો વધારો જ્યારે ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો

બજેટની ચર્ચાનો જવાબ આપતાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે મંગળવારે સાત જેટલાં પરિબળોની યાદી રજૂ કરી એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારતીય અર્થતંત્ર ફરીથી ધમધમતું થઈ ગયું છે. એના બીજા જ દિવસે ફરી વાસ્તવિક રેડ સિગ્નલ આવ્યાં છે જે દર્શાવે છે કે દેશની આર્થિક સ્થિતિ હજી પણ નબળી જ છે.
ફુગાવો મે ૨૦૧૪ પછી સૌથી વધુ
દેશમાં ગ્રાહક ભાવાંક (કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત ફુગાવો) નરેન્દ્ર મોદી પ્રથમ વખત વડા પ્રધાન બન્યા એટલે કે મે ૨૦૧૪ પછીની સૌથી ઊંચી સપાટીએ પહોંચી ગયો છે. ગયા સપ્તાહે જ ફુગાવો વધી શકે છે એવી ચિંતા વ્યક્ત કરી રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ વ્યાજદર સ્થિર રાખવાની જાહેરાત કરી હતી. સતત બીજા મહિને ફુગાવો રિઝર્વ બૅન્કની મર્યાદા કરતાં વધારે આવ્યો છે.
જાન્યુઆરી ૨૦૨૦માં ગ્રાહક ભાવાંક ૭.૫૯ ટકા નોંધાયો છે જે ડિસેમ્બરમાં ૭.૩૫ ટકા હતો. દેશના અર્થશાસ્ત્રીઓ ફુગાવો ૭.૪૦ ટકા રહેશે એવી ધારણા રાખી રહ્યા હતા. દેશમાં ખાદ્ય ચીજો અને પીણાનો ફુગાવો ૧૧.૮ ટકા હતો.
દેશમાં જ્યારે અર્થતંત્રનો વિકાસદર પાંચ વર્ષમાં સૌથી નબળો છે ત્યારે ધિરાણની માગણી થકી ગ્રાહકોની ખરીદી વધારવા માટે વ્યાજદરમાં ઘટાડો જરૂરી છે. આ સ્થિતિમાં ઊંચો ફુગાવો વ્યાજદર ઘટાડવા ઉપર બ્રેક લગાવે છે. બીજી તરફ, આર્થિક વિકાસદર નબળો હોય ત્યારે રોજગારીની તક ઓછી હોય એટલે ફુગાવો વધારે આર્થિક બોજ બને છે.
ઔદ્યોગિક ઉત્પાદન ઘટ્યું
દેશનું અર્થતંત્ર ફરીથી પાટા પર ચડી રહ્યું છે એવી દલીલ સામે ડિસેમ્બર મહિનામાં દેશનું ઔદ્યોગિક ઉપ્તાદન ૦.૩ ટકા ઘટ્યું હતું. નવેમ્બર મહિનામાં ઉત્પાદન ૧.૮૨ ટકા વધ્યું હતું. અર્થશાસ્ત્રીઓની એવી ધારણા હતી કે ડિસેમ્બરમાં ઉત્પાદન ૧.૭ ટકા વધીને આવશે. આ સાથે એપ્રિલથી ડિસેમ્બર મહિનામાં દેશનું ઔદ્યોગિક ઉત્પાદન માત્ર ૦.૫ ટકા વધ્યું છે જે વર્ષ ૨૦૧૮-’૧૯માં ૪.૭ ટકા વધ્યું હતું.
દેશનું માઇનિંગ ઉત્પાદન ૫.૪ ટકા વધ્યું હતું તો મૅન્યુફૅક્ચરિંગ ૧.૨ ટકા, વીજળી ૦.૧ ટકા ઘટ્યું હતું. સમગ્ર વર્ષમાં એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન માઇનિંગ ૦.૬ ટકા, મૅન્યુફૅક્ચરિંગ ૦.૬ ટકા અને વીજળી ૦.૮ ટકા વધ્યા છે. દેશનાં ઉત્પાદનની હાલત એટલી નબળી છે કે ૨૩માંથી ૧૬ જેટલાં ક્ષેત્રોમાં ઉત્પાદન વધવાના બદલે ઘટ્યું છે. કમ્પ્યુટર જેવી ચીજોમાં ઉત્પાદન ૨૪.૯ ટકા, મશીનરી ઇક્વિપમેન્ટમાં ૨૦.૩ ટકા, પ્રિન્ટિંગ અને રેકૉર્ડેડ મીડિયામાં ૧૫.૫ ટકા ઘટ્યું છે. જોકે બેઝ મેટલ્સનું ઉત્પાદન ૧૪.૨ ટકા અને લેધર પ્રોડક્ટ્સનું ઉત્પાદન ૫.૯ ટકા જેટલું વધીને બંધ આવ્યું છે.
વપરાશમી દૃષ્ટિએ પ્રાથમિક ચીજોનું ઉત્પાદન ડિસેમ્બર મહિનામાં ૧૮.૨ ટકા ઘટ્યું છે, કૅપિટલ ગુડ્સનું ઉત્પાદન ૧૨.૫ ટકા વધ્યું છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સનું ઉત્પાદન ૬.૭ ટકા અને અન્ય કન્ઝ્યુમર ચીજોનું ઉત્પાદન ૩.૭ ટકા ઘટ્યું છે.
નાણાપ્રધાનના દાવા
બજેટ ભાષણનો જવાબ આપતાં વૈશ્વિક રીતે વધી રહેલો વિશ્વાસ, દેશની શૅરબજારમાં આવી રહેલો વિદેશી નાણાપ્રવાહ, ઔદ્યોગિક ઉત્પાદનની વૃદ્ધિ, વધેલું વિદેશી હૂંડિયામણ અને જીએસટીની કરમાં વધી રહેલી આવકને ટાંકી નાણાપ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે દેશની આર્થિક હાલત સુધરી રહી છે અને ગ્રીન શૂટ્સ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. નવેમ્બરના ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા નજર સામે રાખી નાણાપ્રધાન સીતારમણે જણાવ્યું હતું કે આગલા બે મહિનાના ઘટાડા પછી ઉત્પાદન વધ્યું છે. પર્ચેસિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ નવેમ્બરમાં ૫૧.૨ ટકા હતો એ ડિસેમ્બરમાં વધી ૫૨.૭ ટકા અને જાન્યુઆરીમાં ૫૫.૩ ટકા થયો છે. જોકે આજે આવેલા ઔદ્યોગિક ઉત્પાદનના આંકડાએ આર્થિક રિકવરીની આશા પર હાલપૂરતું પાણી ફેરવી દીધું છે.

nirmala sitharaman business news