સોનામાં ભારત અને ચીનની નીચા લેવલે ડિમાન્ડ નીકળવાની ધારણાએ મંદી અટકી

08 November, 2014 07:10 AM IST  | 

સોનામાં ભારત અને ચીનની નીચા લેવલે ડિમાન્ડ નીકળવાની ધારણાએ મંદી અટકી


બુલિયન બુલેટિન- મયૂર મહેતા

સોનાનો ભાવ સાડાચાર વર્ષના તળિયે પહોંચતાં વર્લ્ડના સૌથી મોટા બે કન્ઝ્યુમર ભારત અને ચીનની ડિમાન્ડ નીચા મથાળે નીકળશે એ ધારણાએ સોનામાં મંદી અટકી હતી. જોકે યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક દ્વારા વધુ સ્ટિમ્યુલસ પૅકેજ આવવાના સંકેત અને અમેરિકી ઇકૉનૉમીના સ્ટ્રૉન્ગ ડેટાને પગલે ડૉલર સતત મજબૂત થતો જતો હોવાથી સોનામાં મોટી તેજીની શક્યતા ધૂંધળી છે. હાલ વર્લ્ડની નજર સ્વિટ્ઝરલૅન્ડમાં ૩૦ નવેમ્બરે યોજાયેલા રેફરન્ડમ પર અને અમેરિકી ઇકૉનૉમિક ડેટા પર છે.

પ્રાઇસ મૂવમેન્ટ

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાનો ભાવ ગુરુવારે ઘટયા મથાળેથી સુધર્યો હતો, પણ કોમેક્સ ડિસેમ્બર ગોલ્ડ ૩.૧૦ ડૉલર ઘટીને ૧૧૪૨.૬૦ ડૉલરના ભાવે સેટલ થયું હતું, જે ૨૦૧૦ની ૨૦ એપ્રિલ પછીનો સૌથી નીચો ભાવ હતો. ડૉલરની મજબૂતીને પગલે સ્પૉટ માર્કેટમાં ઓવરનાઇટ ભાવ ઘટયા હતા. એક તબક્કે ભાવ ઘટીને ૧૧૩૨.૧૬ ડૉલર થયો હતો. જોકે ગઈ કાલે સવારે સોનાના ભાવમાં આરંભથી સુધારો જોવા મળ્યા બાદ એક તબક્કે ભાવ વધીને ૧૧૪૫ ડૉલર થયો હતો. ચાંદીનો ભાવ ગઈ કાલે સવારે ૧૫.૦૬ ડૉલર ખૂલ્યા બાદ વધીને ૧૫.૪૨ ડૉલર, પ્લૅટિનમનો ભાવ વધીને ૧૧૯૪ ડૉલર અને પૅલેડિયમનો ભાવ વધીને ૭૫૨ ડૉલર થયો હતો.

ECBની રિમાર્ક

ECB (યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક)ની મન્થ્લી રિવ્યુ મીટિંગમાં યુરો ઝોન એરિયામાં વધુ સ્ટિમ્યુલસ પૅકેજ આવવાનો સંકેત મળ્યો હતો. ECBના પ્રેસિડન્ટ મારિયો દાર્ધીએ પ્રેસ-કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે ECBના તમામ ૨૪ મેમ્બરો ડિફ્લેશનની સામે લડવા તૈયાર છે અને ECB જરૂર પડે ત્યારે વધુ સ્ટિમ્યુલસ પૅકેજની જાહેરાત કરવા તૈયાર છે. ECBએ કમર્શિયલ બૅન્કોને રેગ્યુલર લોન રેકૉર્ડ લો રેટ ૦.૦૫ ટકાએ આપી રહી છે. ECBની ડિસેમ્બર રિવ્યુ મીટિંગમાં વધુ સ્ટિમ્યુલસ પૅકેજની જાહેરાત થવાની ધારણા છે. યુરો ઝોન વધુ સ્ટિમ્યુલસ પૅકેજથી યુરો ગગડશે અને ડૉલરને વધુ મજબૂતી મળતાં સોનામાં મંદીનું દબાણ વધશે.

ડૉલરની મજબૂતી


ECBના ચૅરમૅનની કમેન્ટને પગલે અમેરિકી ડૉલર કરન્સી બાસ્કેટમાં નવેસરથી ચાર વર્ષની ઊંચાઈએ પહોંચ્યો હતો. વળી અમેરિકી અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટમાં ગયા સપ્તાહ દરમ્યાન દસ હજારનો ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકી અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ ૨૦૧૪માં સેકન્ડ લોએસ્ટ સ્તરે પહોંચતાં ડૉલરને મજબૂતી મળી હતી. આ ઉપરાંત અમેરિકી વર્કર પ્રોડક્ટિવિટી થર્ડ ક્વૉર્ટરમાં વધી હતી. વર્કર આઉટપુટ પર અવરમાં બે ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ઍનલિસ્ટોએ દોઢ ટકા પ્રોડક્ટિવિટી વધવાનો અંદાજ મૂક્યો હતો. આ તમામ ઇકૉનૉમિક રીજન ઉપરાંત જૅપનીઝ સ્ટિમ્યુલસની અસરે જૅપનીઝ યેન સામે ડૉલરનું મૂલ્ય સાત વર્ષની ઊંચી સપાટીએ પહોંચતાં સોનાની તેજીમાં એક તબક્કે પીછેહઠ જોવા મળી હતી.

ભારત-ચીનનું બાઇંગ

સોનાના સતત ઘટતા ભાવે ભારત અને ચીનનું ફિઝિકલ બાઇંગ આવવાની તમામ રાહ જોઈ રહ્યા છે. છેલ્લાં ત્રણ વર્ષમાં ચીનની ગોલ્ડ ડિમાન્ડમાં ૨૦ ટકાનો વધારો નોંધાયો હોવાથી અને ૨૦૧૩માં ચીને ભારતને પાછળ ધકેલીને ગોલ્ડ ઈમ્પોર્ટમાં ટૉપ લેવલ હાંસલ કર્યું હોવાથી ચીનની ડિમાન્ડ વધવાની ધારણાએ સોનામાં નીચામાં સાવચેતી જોવા મળી રહી છે. વળી ઑલ ઇન્ડિયા જેમ્સ ઍન્ડ જ્વેલરી ટ્રેડ ફેડરેશને ૨૦૧૪ના ચોથા ક્વૉર્ટરમાં સોનાની ઈમ્પોર્ટમાં ૭૫ ટકા જમ્પ આવવાનો અંદાજ મૂક્યો હોવાથી ભારતીય ડિમાન્ડ પણ નીચા મથાળે વધવાની ધારણા મુકાઈ રહી છે. સ્પૉટ સોનાનો ભાવ ૨૦૧૩માં ૨૮ ટકા ઘટયા બાદ ૨૦૧૪ના આરંભથી અત્યાર સુધીમાં ૪.૮ ટકા ઘટયા હોવાથી લોઅર લેવલે સોનાની ફિઝિકલ બાઇંગ વધવાની બધાને રાહ છે.

સોનું ૨૦૧૫માં ઘટીને ૨૦ હજાર રૂપિયા થવાની આગાહી

ડચ બૅન્ક ABN આમરો દ્વારા ૨૦૧૫માં સોનાનો ભાવ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઘટીને ૮૦૦ ડૉલર થવાની આગાહીને પગલે ઍનલિસ્ટોએ ભારતમાં સોનાનો ભાવ ૨૦૧૫માં ઘટીને ૧૦ ગ્રામનો ૨૦ હજાર રૂપિયા થવાની આગાહી કરી હતી. ભારતમાં ૩૯ વર્ષના મોટા સમયગાળા બાદ પ્રથમ વાર સોનાનો ભાવ ૨૬ હજાર રૂપિયાની સપાટી તોડીને અંદર ગયો છે. હાલ ક્રૂડતેલના ભાવ જે રીતે ઘટી રહ્યા છે એ જોતાં આવનારા દિવસોમાં ભારતીય ઇકૉનૉમીને સારીએવી મજબૂતી પ્રાપ્ત થવાની ધારણા છે. ભારતીય ઇકૉનૉમી મજબૂત થતાં રૂપિયો ડૉલર સામે મજબૂત થશે જે સોનાની પડતરને વધુ ઘટાડશે. હાલ ભારતીય રૂપિયો સામે ડૉલર મજબૂત હોવાથી સોનાની ઈમ્પોર્ટ મોંઘી છે, પણ રૂપિયો મજબૂત થયા બાદ સોનાની પડતર ઘટતાં અહીં સોનાના ભાવ વધુ ઝડપથી ઘટશે.