મગફળીનો ક્રૉપ ૪૩.૨૯ લાખ ટન અને તલનો ક્રૉપ ૪.૭૭ લાખ ટન જેટલો થવાનો અંદાજ

03 November, 2014 06:24 AM IST  | 

મગફળીનો ક્રૉપ ૪૩.૨૯ લાખ ટન અને તલનો ક્રૉપ ૪.૭૭ લાખ ટન જેટલો થવાનો અંદાજ


કૉમોડિટી અર્થકારણ-મયૂર મહેતા

દેશમાં ખરીફ સીઝન પૂરી થયા બાદ વિવિધ ઍગ્રિકલ્ચર પ્રોડક્શનના એસ્ટિમેટની મોસમ હાલ પુરબહારમાં ખીલી ઊઠી છે. વિવિધ ટ્રેડ-બૉડી દ્વારા વિવિધ પ્રકારે પ્રોડક્શનના જાતે અથવા તો વિવિધ એજન્સીઓ દ્વારા સર્વે કરાવીને ટ્રેડ સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યા છે. મુંબઈસ્થિત IOPEPC (ઇન્ડિયન ઑઇલસીડ્ઝ પ્રોડ્યુસર્સ એક્સર્પોટ પ્રમોશન કાઉન્સિલ) દ્વારા જયપુરમાં ૧-૨ નવેમ્બર દરમ્યાન યોજાયેલા બે દિવસના ઍન્યુઅલ કન્વેન્શનમાં મગફળી અને તલનો સોઇંગ એરિયા અને પ્રોડક્શનનો એસ્ટિમેટ સૅટેલાઇટ સર્વે દ્વારા તૈયાર કરીને રજૂ કરવામાં આવ્યો હતો. આ વર્ષે IOPEPCએ નોઇડાની સ્કાઇમેટ વેધર સર્વિસ નામની એજન્સી દ્વારા સૅટેલાઇટ સર્વે કરાવ્યો હતો.

મગફળીનો ક્રૉપ

દેશમાં મગફળીનો ક્રૉપ આ વર્ષે ૪૩.૨૯ લાખ ટન થવાનો એસ્ટિમેટ મુકાયો હતો. ગયા વર્ષે કોઇટ (સેન્ટ્રલ ઑર્ગેનાઇઝેશન ફૉર ઑઇલ ઇન્ડસ્ટ્રીઝ) દ્વારા ૪૭.૧૫ લાખ ટન મગફળીના પાકનો એસ્ટિમેટ મુકાયો હતો. IOPEPCના એસ્ટિમેટ અનુસાર ગુજરાતમાં ૧૮.૫૪ લાખ ટન, રાજસ્થાનમાં ૭.૮૨ લાખ ટન, કર્ણાટકમાં ૩.૯૧ લાખ ટન, આંધ્ર પ્રદેશમાં ૩.૪૬ લાખ ટન, તામિલનાડુમાં ૩.૪૩ લાખ ટન, મધ્ય પ્રદેશમાં ૨.૪૮ લાખ ટન, મહારાષ્ટ્રમાં ૧.૯૦ લાખ ટન, ઓડિશામાં ૯૭,૦૦૦ ટન અને ઉત્તર પ્રદેશમાં ૭૮,૦૦૦ ટન મગફળીનું ઉત્પાદન થવાનો અંદાજ મુકાયો હતો. સ્કાઇમેટ વેધર સર્વિસ દ્વારા પ્રોડક્શન એસ્ટિમેટ અગાઉ ટ્રેડરો દ્વારા મુકાયેલા અંદાજ અનુસાર ગુજરાતમાં ૧૨ લાખ ટન આસપાસ, રાજસ્થાનમાં ૭થી ૮ લાખ ટન અને આંધ્ર, કર્ણાટક અને તામિલનાડુમાં ત્રણ લાખ ટન મગફળીનું ઉત્પાદન થવાનો અંદાજ મુકાયો હતો. સરકાર દ્વારા દેશમાં મગફળીનો સોઇંગ એરિયા ૩૪.૭૨ લાખ હેક્ટર બતાવવામાં આવ્યો હતો, પણ સૅટેલાઇટ સર્વેના અંતે ઍક્ચ્યુઅલ સોઇંગ એરિયા ૩.૯૭ લાખ ટન ઓછો રહ્યો હતો. આંધ્ર પ્રદેશમાં સ્ટેટ ગવર્નમેન્ટે ૭.૬૦ લાખ ટન હેક્ટર સોઇંગ એરિયા બતાવ્યો હતો, પણ સૅટેલાઇટ સર્વેમાં ૫.૫૨ લાખ હેક્ટર જ સોઇંગ એરિયા આવ્યો હતો. ગુજરાતમાં પણ આવી જ સ્થિતિ હતી. ગુજરાત સ્ટેટ ગવર્નમેન્ટ દ્વારા ૧૨.૨૫ લાખ હેક્ટર સોઇંગ એરિયા બતાવાયો હતો, પણ સૅટેલાઇટ સર્વેમાં ૧૦.૯૫ લાખ હેક્ટર સોઇંગ એરિયા જણાયો હતો. મગફળીના સૌથી મોટા પ્રોડ્યુસર ગુજરાતમાં ગયા વર્ષે ૨૫.૫૦થી ૨૬ લાખ ટન મગફળીનું ઉત્પાદન થવાનો અંદાજ મુકાયો હતો, જે આ વર્ષે ૧૮.૫૪ લાખ ટન થવાનો અંદાજ આવતાં ગુજરાતમાં મગફળીના ક્રૉપમાં મોટો ઘટાડો થવાની સ્થિતિ ઊભી થઈ છે. તમામ ટ્રેડ-બૉડી દ્વારા ગુજરાતમાં વધતે-ઓછે અંશે મગફળીનું પ્રોડક્શન ઘટવાનો અંદાજ મુકાયો હતો.

તલનો ક્રૉપ

દેશમાં તલનું ઉત્પાદન ચાલુ વર્ષે ૪.૭૭ લાખ ટન થવાનો અંદાજ IOPEPC દ્વારા મુકાયો હતો, જે ગયા વર્ષે અઢીથી ત્રણ લાખ ટન થયું હતું. કોઇટ દ્વારા ગયા વર્ષે ખરીફ સીઝનમાં તલનું ઉત્પાદન સાડાત્રણ લાખ ટન થવાનો અંદાજ મૂક્યો હતો. IOPEPCના અંદાજ અનુસાર ગુજરાતમાં તલનું ઉત્પાદન ૪૮,૦૦૦ ટન, રાજસ્થાનમાં ૧.૮૧ લાખ ટન, મધ્ય પ્રદેશમાં ૧.૬૦ લાખ ટન, ઉત્તર પ્રદેશમાં ૭૬,૦૦૦ ટન અને છત્રીસગઢમાં ૧૨,૦૦૦ ટન થવાનો અંદાજ મુકાયો હતો. સૅટેલાઇટ સર્વે અગાઉ ટ્રેડરો દ્વારા મુકાયેલા અંદાજ અનુસાર ગુજરાતમાં ૫૦થી ૬૦ હજાર ટન, રાજસ્થાનમાં ૮૦થી ૮૫ હજાર ટન, મધ્ય પ્રદેશમાં ૯૦,૦૦૦ ટન અને ઉત્તર પ્રદેશમાં પણ ૯૦થી ૧ લાખ ટન તલનું ઉત્પાદન થવાનો અંદાજ મુકાયો હતો. રાજસ્થાનમાં તલનો પાક તૈયાર થયા બાદ પડેલા વરસાદને કારણે મોટું નુકસાન થયાનું ટ્રેડરોનું માનવું હતું, પણ સૅટેલાઇટ સર્વેમાં નુકસાનની બાબત સામેલ ન હોવાથી ૧.૮૧ લાખ ટનનો અંદાજ મુકાયો હતો. તલનો સોઇંગ એરિયા ગયા વર્ષ કરતાં સમગ્ર દેશમાં ૧.૮૦ લાખ હેક્ટર વધ્યો હતો. IOPEPCએ તલમાં ગવર્નમેન્ટના જ સોઇંગ એરિયાને કન્સિડર કર્યા હતા. તલના સોઇંગ એરિયા વિશે સૅટેલાઇટ સર્વે થયો નહોતો. ગવર્નમેન્ટના સોઇંગ ફિગર અનુસાર ગયા વર્ષે સમગ્ર દેશમાં ૧૪.૪૪ લાખ હેક્ટરમાં સોઇંગ થયું હતું જે આ વર્ષે વધીને ૧૬.૨૪ લાખ ટન સોઇંગ થયું હતું.

એસ્ટિમેટ ગૅપ

જુદી-જુદી ટ્રેડ-બૉડી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રોડક્શન એસ્ટિમેટમાં મોટો ફરક જોવા મળ્યો હતો. ખાસ કરીને ગુજરાત સમગ્ર દેશમાં મગફળીના પ્રોડક્શનનું સૌથી મોટું સ્ટેટ હોવાથી ગુજરાતના મગફળીના ક્રૉપ વિશે તમામ ટ્રેડ-બૉડી સર્વે કરે છે. સૉલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ અસોસિએશન દ્વારા દિવાળી અગાઉ ત્રણ દિવસ ક્રૉપ ટૂર કર્યા બાદ ગુજરાતમાં મગફળીનો પ્રોડક્શનનો એસ્ટિમેટ ૧૪.૩૫ લાખ ટનનો મૂક્યો હતો, જ્યારે લોકલ બૉડી સૌરાષ્ટ્ર ઑઇલ મિલ અસોસિએશન દ્વારા ૧૨ લાખ ટનનો પ્રોડક્શન એસ્ટિમેટ મુકાયો હતો. IOPEPCએ ૧૮.૫૪ લાખ ટન મગફળીના પ્રોડક્શનનો એસ્ટિમેટ મૂક્યો હતો. આમ ત્રણેય ટ્રેડ-બૉડીના અંદાજમાં જમીન-આસમાનનો ફરક જોવા મળ્યો હતો. એ જ રીતે તલના પ્રોડક્શન એસ્ટિમેટમાં પણ મોટો તફાવત જોવા મળ્યો હતો. દિવાળી અગાઉ સેફેક્સિલ (સેલેક ઍન્ડ ફૉરેસ્ટ પ્રોડક્ટ એક્સર્પોટ પ્રમોશન કાઉન્સિલ) દ્વારા તૈયાર કરાયેલા તલના પ્રોડક્શન એસ્ટિમેટમાં ગુજરાતમાં તલનું પ્રોડક્શન ૧.૨૨ લાખ ટન થવાનો એસ્ટિમેટ મુકાયો હતો એની સામે IOPEPCએ માત્ર ૪૮ હજાર ટન પ્રોડક્શન થવાનો એસ્ટિમેટ મૂક્યો હતો. મધ્ય પ્રદેશમાં સેફેક્સિલે ૭૯,૦૦૦ ટન પ્રોડક્શન થવાનો એસ્ટિમેટ મૂક્યો હતો એની સામે IOPEPCએ ૧.૬૦ લાખ ટન તલનું પ્રોડક્શન થવાનો અંદાજ મૂક્યો હતો. સેફેક્સિલે દેશભરમાં તલનું પ્રોડક્શન ૪.૩૬ લાખ ટન થવાનો અંદાજ મૂક્યો હતો.