સારી ફિલ્મ જો આવી રહી હોય તો ઍડ્વાન્સ બુકિંગ કરાવી લેવું સારું

03 November, 2014 06:22 AM IST  | 

સારી ફિલ્મ જો આવી રહી હોય તો ઍડ્વાન્સ બુકિંગ કરાવી લેવું સારું


શેરબજારની સાદી વાત-જયેશ ચિતલિયા

કોઈ બહુ સારી ફિલ્મ આવી રહી હોય તો તમે શું કરો? જે દિવસે એ ફિલ્મ જોવી હોય એ દિવસે શોના ટાઇમે થિયેટર પર પહોંચી જાઓ? ના, તમે એ મૂવીની ટિકિટ પહેલેથી બુક કરી લો છો, કારણ કે તમને એમ કર્યા વિના તમારા પસંદગીના શો સમયે ટિકિટ મળે નહીં અને તમારે પછી એ ટિકિટ બ્લૅકમાં ઊંચા ભાવે (અર્થાત્ પ્રીમિયમ ચૂકવીને) લેવી પડે. જોકે હવે તો સારાં-મૉડર્ન થિયેટરોમાં બ્લૅક કરવાની પ્રવૃત્તિ પણ નામશેષ થઈ ગઈ છે. આમ તમારે સારી મૂવી તમારી અનુકૂળતાએ જોવાની તક ગુમાવવી પડે. પરંતુ તમે પહેલેથી ઍડ્વાન્સ બુકિંગ કરી રાખ્યું હોય તો? યસ, મજા પડી જાયને! કોઈ પણ સારી વસ્તુ કે બાબતમાં જેટલો વહેલાસર નિર્ણય લો એટલું વધુ સારું રહે છે. શૅરબજારમાં ક્યારનો આવો જ માહોલ ચાલી રહ્યો છે. તેજી સ્પીડ પકડી રહી છે. ઍડ્વાન્સ બુકિંગ કરવાવાળા ખાટી રહ્યા છે. ઍડ્વાન્સ બુકિંગનો એક લાભ એ પણ હોય છે કે તમને તમારી પસંદગીની સીટ પણ મળે છે. અર્થાત્ પસંદગીના શૅર તમારા જોઈતા ભાવે મળે છે.

હજી અનેક રોકાણકારો હવે પ્રવેશી રહ્યા છે અને કેટલાય લોકો તો હજી પણ વિચારી રહ્યા છે. આ બધા જેમ-જેમ મોડું કરશે તેમ કાં તો ટિકિટ (અર્થાત્ શૅરો) નહીં મળે અથવા મોંઘી મળશે. ક્યાંક વળી મોંઘા ભાવ જોઈ રોકાણકારો પોતે જ એ શૅરો ખરીદવાનું ટાળશે. એ પછી પણ ભાવો વધતા જશે તો એ સમયે ફરી રંજ કરશે કે કાશ, એ ભાવે પણ ખરીદી લીધા હોત તો! ઇન્વેસ્ટરોની આવી સાઇકોલૉજી વિશેનું આ સત્ય શૅરબજારની સાદી વાતમાં સમજાવવાનો સતત પ્રયાસ કરવામાં આવે છે જેનો વિવેકપૂર્ણ ઉપયોગ રોકાણકારોએ કરવાનો રહે છે. હજી પણ તક છે, સમય છે. બજારને દોડવા માટે કારણો મળી રહ્યાં છે. શું છે આ કારણો? શું સંકેત કરે છે સરકારનાં પગલાં? ચાલો સમજીએ.

શરૂમાં ચૂક્યા તો કરેક્શનમાં પ્રવેશો

શરૂમાં ઍડ્વાન્સ બુકિંગ નહીં કરાવતાં મૂવી જોવાનું રહી જાય તો માત્ર અફસોસ કરીને બેસી રહેવાય નહીં, એ ફિલ્મ ખરેખર સારી જ છે તો પછીથી પણ એને જોવી જોઈએ. અર્થાત્ સારા શૅરો પછીથી પણ ખરીદવા જોઈએ. અલબત્ત, જેમ સારી ફિલ્મની ટિકિટ પણ અમુક દિવસો બાદ કરન્ટમાં મળી જતી હોય છે એમ સારા શૅરો કરેક્શનમાં ઘટેલા ભાવે ફરી ખરીદવાની તક પણ મળતી હોય છે. જોકે દર વખતે કરેક્શન માટે રાહ જોવાય નહીં. અન્યથા જેમ મોડું કરો એમ ભાવ વધતા રહે છે. આપણી બજાર જે-જે વિભિન્ન પરિબળો પર ચાલે છે એમાં કરેક્શન આવે જ છે જેનો તાજો દાખલો આપણે એક સપ્તાહ પહેલાં જોયો અને ગયા સપ્તાહમાં એની જબ્બર રિકવરીનો દાખલો પણ જોયો. એક સપ્તાહમાં જ બાજી એવી પલટાઈ કે સેન્સેક્સ અને નિફ્ટીએ સર્વોચ્ચ સપાટી બનાવી દીધી. ઇન શૉર્ટ, અગાઉ ખરીદવામાં રહી ગયાનું લાગે તો કરેક્શનની તક છોડાય નહીં.

રિફૉમ્ર્સ હજી સારું રિઝલ્ટ આપશે


હવે આગળ બજાર ક્યાં અને શા માટે જઈ શકે એ સમજવું હોય તો ઇન્ટરનૅશનલ રેટિંગ એજન્સી મૂડીઝનાં નિરીક્ષણો પણ જોઈ લેવાં જોઈએ. સરકારે અગાઉ બજેટમાં ભલે બિગ બૅન્ગ સુધારાઓ ન કર્યા, પરંતુ હવે આવા સુધારાઓ માટે નવા બજેટની રાહ નહીં જુએ. આગામી બજેટમાં તો એ સુધારાઓ લાવશે, પણ એ પહેલાં સુધ્ધાં અનેક સુધારાઓ (રિફૉમ્સર્‍) આવતા રહેશે એવું માનવા માટે કારણો છે. સરકારનાં તાજેતરનાં પગલાં જ એની સાક્ષી પૂરે છે. મૂડીઝે કહ્યું છે કે ભારત સરકાર યોગ્ય રિફૉમ્સર્‍નાં પગલાં ભરી રહી છે જેનાં પરિણામો મળતાં હજી વરસ-દોઢ વરસ લાગી શકે, પરંતુ આ સાચી દિશાનાં પગલાં છે એમ ચોક્કસ કહી શકાય. અલબત્ત, મૂડીઝે આ રિફૉમ્સર્‍ના અસરકારક અમલ પર ભાર મૂક્યો છે. સરકારે જમીન-સંપાદન ધારામાં સુધારા સહિત કન્સ્ટ્રક્શન ઉદ્યોગમાં સીધા વિદેશી રોકાણ (FDI = ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ) માટેનાં ધોરણો હળવાં કરીને મોટી છલાંગનો તખ્તો ઊભો કર્યો છે. આ એક જ ઉદ્યોગમાં કરન્ટ આવવાથી અન્ય અનેક ઉદ્યોગોમાં ચેતન આવશે અને સમગ્ર અર્થતંત્રને પણ નવું બળ મળશે. સરકારે કામદાર ધારામાં પણ સુધારા કર્યા છે. અલબત્ત, હવે મહારાષ્ટ્રમાં ગ્થ્ભ્ની સત્તા આવી જતાં એની પણ વ્યાપક અસર ઓવરઑલ ઇકોનૉમી પર જોવા મળશે, કારણ કે મુંબઈ આર્થિક રાજધાની છે અને મહારાષ્ટ્ર મહત્વનું ઔદ્યોગિક રાજ્ય છે. અહીંના સુધારાથી દેશના અર્થતંત્રમાં નક્કર સુધારો થશે. આ હકીકત પણ એકાદ વરસમાં જોવા મળશે.

કંપનીઓને ઑર્ડર્સની રેલમછેલ

કંપનીઓનાં ત્રિમાસિક પરિણામોની મોસમ ચાલી રહી છે. કૉર્પોરેટ રિઝલ્ટ્સ પણ એકંદરે સારાં આવી રહ્યાં છે. ઇકોનૉમિક રિવાઇવલના સંકેતો આમાંથી પણ મળી રહ્યા છે. આર્થિક સુધારાનાં પગલાંઓએ નવો વિશ્વાસ ઊભો કર્યો છે. ભારતમાં રોકાણ કરવાનો માહોલ તંદુરસ્ત બની રહ્યો છે. વિદેશી રોકાણ પણ ભારત તરફ ખેંચાઈ રહ્યું છે. ભારતીય કંપનીઓને સપ્ટેમ્બરના વીતેલા ક્વૉર્ટરમાં ૬૭,૦૦૦ કરોડ રૂપિયાના ફ્રેશ-નવા ઑર્ડર્સ મળ્યા છે જે ગયા ક્વૉર્ટર કરતાં ૪૫ ટકા વધુ છે અને ગયાં ચાર ક્વૉર્ટરમાં સૌથી વધુ છે. ડિસેમ્બર અંતના ક્વૉર્ટર માટે પણ ઑર્ડરોનું આ મોમેન્ટમ ચાલુ છે અને અત્યાર સુધીમાં ૨૦,૦૦૦ કરોડ રૂપિયાના ઑર્ડર આવી ગયા છે.

સૌથી વધુ ઑર્ડર્સ કૅપિટલ ગુડ્ઝ કંપનીઓને અને ત્યાર બાદના ક્રમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા કન્સ્ટ્રક્શન કંપનીઓને પ્રાપ્ત થયા છે. એ પછીના નંબરે ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી સર્વિસિસ કંપનીઓ આવે છે. આ બાબત દર્શાવે છે કે મેક ઇન ઇન્ડિયાનું મિશન કામ પર લાગી ગયું છે અને હજી તો શરૂઆત છે. જોકે આનો સૌથી વધુ લાભ ગુજરાતને મળવો પણ શરૂ થઈ ચૂક્યો છે. મહારાષ્ટ્રનો પણ આમાં અગ્રક્રમ આવી જશે.

ભારતની ગ્રોથ-સ્ટોરી લાંબી ચાલવાની

ગયા એક સપ્તાહમાં શૅરબજારે જાણે સાદા રસ્તા પરથી ટર્ન લઈને હાઇવે પકડ્યો હોય એમ તેજીની ગાડીએ સ્પીડ પકડી લીધી હતી. એક તરફ રિફૉમ્સર્‍નાં પગલાંની સતત જાહેરાત અને એના રિઝલ્ટરૂપે બજારમાં સતત વૃદ્ધિ ચાલુ રહી હતી. માત્ર પાંચ દિવસમાં સેન્સેક્સ ૧૧૦૦ પૉઇન્ટ વધીને બંધ રહ્યો હતો. ઑક્ટોબરના બીજા સપ્તાહનો નેગેટિવ ટ્રેન્ડ જોઈને ગભરાઈ ગયેલા રોકાણકારો પાછા છેતરાઈ ગયા હતા, કેમ કે તેમણે એ કરેક્શનમાં પણ ખરીદીની તક જતી કરી હતી. હવે મોટા ભાગનાં બ્રોકરેજ હાઉસિસ બુલિશ છે. આ વખતની તેજી લાંબી ચાલશે એ માટેનો આશાવાદ ઊંચો છે. રિફૉમ્સર્‍નું પિક્ચર સુપરહિટ સાબિત થવાનું છે. મે મહિનાથી ચાલી રહેલા પ્રોમોએ ખાસ્સી ઉત્તેજના જગાવ્યા બાદ ફિલ્મ પણ શરૂ થઈને ગ્રિપ પકડવા લાગી છે. અલબત્ત, ભારતની ગ્રોથ-સ્ટોરી લાંબી ચાલશે. આખું પિક્ચર છૂટી જાય અથવા સાવ અંતમાં એન્ટર થવા કરતાં હજી સમયસર નિર્ણય લેવામાં સાર રહેશે. દરેક મોટા કરેક્શનને પણ સારી ãસ્ક્રપ્સ માટે તક બનાવી શકાય. શરત એ જ છે કે અભિગમ લાંબા ગાળાનો રાખવો જોઈશે.