સેબીનો સપાટો

15 October, 2014 03:53 AM IST  | 

સેબીનો સપાટો


સેબીએ ચાર કંપનીઓના શૅરમાં ગેરકાનૂની સોદાઓ કરવા બદલ તાતા ફાઇનૅન્સના ભૂતપૂર્વ મૅનેજિંગ ડિરેPર દિલીપ પેંડસેને દોષી ગણાવીને તેમને બે વર્ષના સમયગાળા માટે કૅપિટલ માર્કેટમાં કામકાજ કરવાની મનાઈ ફરમાવી છે. ૧૨ વર્ષ પહેલાંના કેસ સંબંધના આદેશમાં સેબીએ કહ્યું હતું કે ‘૨૦૧૨ની ૨૪ ડિસેમ્બરના આદેશ અનુસાર કરાયેલી મનાઈ અનુસાર વીતેલા સમયને આ વખતના બે વર્ષના ગાળામાં ગણી લેવામાં આવશે. સેબીનો નવો આદેશ તાત્કાલિક અમલમાં આવ્યો છે.

પેંડસેએ ઇન્ફોસિસ, હિમાચલ ફ્યુચરિસ્ટિક કમ્યુનિકેશન્સ લિમિટેડ, સૉફ્ટવેર સૉલ્યુશન્સ ઇન્ડિયા લિમિટેડ અને તત્કાલીન ટેલ્કો કંપનીના શૅરમાં ગેરકાનૂની સોદાઓ કર્યા હતા. તેમને ૨૦૦૧માં તાતા ફાઇનૅન્સ કંપનીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. તાતા ફાઇનૅન્સની પેટાકંપનીને પેંડસેના વ્યવહારોને લીધે માર્ક ટુ માર્કેટને પગલે નુકસાન થયું હતું. પેંડસેએ તમામ આરોપોનો અસ્વીકાર કર્યો હતો, પરંતુ તેમને આ કેસમાં કેદ પણ થઈ હતી.

સિક્યૉરિટીઝ અપેલેટ ટ્રિબ્યુનલે (SAT-સૅટ) ૨૦૧૪ની ૧૬ એપ્રિલના રોજ પોતાના આદેશ દ્વારા ૨૦૧૨ની ૨૪ ડિસેમ્બરના સેબીના આદેશને રદ કરીને કહ્યું હતું કે સેબીએ કાયદા અનુસાર છ મહિનાની અંદર નવો આદેશ પસાર કરવો. સેબીએ આ કેસ વિશે જણાવ્યા મુજબ પેંડસેએ ઝુનઝુનવાલા સ્ટૉક બ્રોકર્સ પ્રાઇવેટ લિમિટેડ અને પ્રતીક સ્ટૉક વિઝન મારફત અને ઇન્સાલ્લાહ ઇન્વેસ્ટમેન્ટ્સ વતી સોદા કર્યા હતા. જેના વતી સોદા કરાયા હતા એ કંપનીમાં તાતા ફાઇનૅન્સની પેટાકંપની નિષ્કલ્પ ઇન્વેસ્ટમેન્ટ ઍન્ડ ટ્રેડિંગનાં આર્થિક હિતો હતાં.

આ કેસમાં તપાસ કર્યા બાદ સેબીએ એપ્રિલ ૨૦૦૯માં પેંડસેને કારણદર્શક નોટિસ મોકલી હતી અને એને પગલે ૨૦૧૨ની ૨૪ ડિસેમ્બરે આદેશ પસાર કર્યો હતો. પેંડસેએ એને સૅટમાં પડકાર્યો હતો. એપ્રિલમાં સૅટનો આદેશ મળ્યા બાદ સેબીએ પેંડસેને ખુલાસો કરવાની તક આપી હતી અને તેમની રજૂઆત સાંભળ્યા પછી નવો આદેશ બહાર પાડ્યો છે.

ગ્લૅક્સોને ૨૫ લાખ રૂપિયાનો દંડ કર્યો સેબીએ

સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ ર્બોડ ઑફ ઇન્ડિયા (સેબી)એ ગ્લૅક્સો ગ્રુપ લિમિટેડને ૨૫ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ગ્લૅક્સો સ્મિથક્લાઇન ફાર્માસ્યુટિકલ્સની પ્રમોટર કંપનીએ કુલ શૅરહોલ્ડિંગ વિશે સ્ટૉક એક્સચેન્જોને સમયસર જાણ ન કરી એ બદલ આ દંડ કરવામાં આવ્યો છે. સેબીએ પોતાના આદેશમાં કહ્યું છે કે ગ્લૅક્સો ગ્રુપે સ્ટૉક એક્સચેન્જોને સમયસર માહિતી પહોંચાડવાની ફરજ બજાવવા તરફ અનેક વખત દુર્લક્ષ કર્યું હતું.

યુનાઇટેડ કિંગડમસ્થિત ગ્લૅક્સો સ્મિથક્લાઇન અને ગ્લૅક્સો ગ્રુપે ભારતની ગ્રુપ કંપનીમાં ૨૪.૩૩ ટકા હિસ્સો હસ્તગત કરવા માટે નોંધાવેલા ડ્રાફ્ટ લેટરની ચકાસણી કરતી વખતે સેબીને ઉક્ત નિયમભંગની જાણ થઈ હતી.

JHP સિક્યૉરિટીઝ વિરુદ્ધના સેબીના આદેશને સૅટની બહાલી

સિક્યૉરિટીઝ અપેલેટ ટ્રિબ્યુનલ (SAT- સૅટ) દ્વારા જેમસ્ટોન ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડના શૅરમાં ગેરરીતિભર્યા સોદાઓ કરવાને લગતા કેસમાં JHP સિક્યૉરિટીઝ સામેના સેબીના આદેશને ગઈ કાલે બહાલ રાખવામાં આવ્યો હતો. આ બ્રોકરેજ હાઉસે જેમસ્ટોનના શૅરમાં ૬ ગ્રાહકો વતી ગરબડવાળા સોદા કર્યા હોવાનું સેબીની તપાસમાં જણાઈ આવ્યું હતું. આ રીતે એણે બ્રોકરેજને લગતાં ધોરણો તથા ગેરરીતિભર્યા સોદાઓના નિવારણ માટેના નિયમોનો ભંગ કર્યો હતો. આ ગુનાસર સેબીએ JHP સિક્યૉરિટીઝને ૮ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. JHPએ એના વિરોધમાં સૅટ સમક્ષ અપીલ કરી હતી. 

સૅટે ગઈ કાલે પોતાના આદેશમાં કહ્યું હતું કે ‘JHPના ટર્મિનલ પરથી ગેરરીતિભર્યા સોદા થયા હોવાથી અને ૬ ગ્રાહકો તથા અરજદારના કર્મચારીએ દગાબાજી કરી હોવાથી અરજદાર પોતાની જવાબદારીમાંથી છટકી ન શકે. આવા સંજોગોમાં સેબીએ કરેલા દંડમાં કાંઈ ખોટું નથી.’

બ્રોકરેજ હાઉસે પોતાના કર્મચારી દ્વારા પોતાની જાણ બહાર સોદાઓ થયા હોવાનો દાવો કર્યો હતો, જેને સૅટે ફગાવી દીધો છે. સેબીની તપાસમાં બહાર આવ્યું હતું કે JHP સિક્યૉરિટીઝે ૨૦૦૬ની  ૨૮ ઑગસ્ટ અને ૨૦૦૮ની ૨૧ ઑગસ્ટ વચ્ચેના ગાળામાં પોતાના ગ્રાહકો  પ્રેમ પારેખ, માલા હેમંત શેઠ, કિશોર ચૌહાણ, ભાવેશ પી. પાબરી અને અંકિત સાંચણિયા વતી સોદાઓ કરીને જેમસ્ટોન ઇન્વેસ્ટમેન્ટના ૭૧.૬૨ લાખ શૅર ખરીદ્યા હતા અને ૬૮.૪૦ લાખ શૅર વેચ્યા હતા.