યુરો ઝોનના નબળા ઇકૉનૉમિક ડેટાથી ડૉલર સુધરતાં સોનામાં પીછેહઠ

15 October, 2014 03:49 AM IST  | 

યુરો ઝોનના નબળા ઇકૉનૉમિક ડેટાથી ડૉલર સુધરતાં સોનામાં પીછેહઠ


બુલિયન બુલેટિન- મયૂર મહેતા


યુરો ઝોન ઇકૉનૉમીના સેન્ટર ગણાતા જર્મનીનું ઇન્વેસ્ટર મૉરલ ઘટીને ઝીરો નજીક પહોંચતાં યુરો ગગડતાં અમેરિકી ડૉલર મજબૂત બન્યો હતો, જેને પગલે સોનામાં તેજીની પીછેહઠ જોવા મળી હતી. વળી ચીનની સોનાની ફિઝિકલ ડિમાન્ડ પણ ઊંચા મથાળે અટકી હતી. ચીનમાં સોનાના ભાવનું પ્રીમિયમ ગયા સપ્તાહે ચારથી પાંચ ડૉલર હતું એ ઘટીને બેથી ત્રણ ડૉલર થતાં એની પણ આંતરરાષ્ટ્રીય માર્કેટ પર અસર થઈ હતી. સિંગાપોરમાં ગ્લોબલ ગોલ્ડ કૉન્ટ્રૅP ચાલુ થતાં એશિયાને ગોલ્ડ ટ્રેડિંગ હબ બનાવવાની ગતિવિધિ તેજ  બની હતી.

પ્રાઇસ મૂવમેન્ટ

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં  સોમવારે ઓવરનાઇટ ડૉલરની નબળાઈ અને ચીનના મજબૂત એક્સર્પોટ ડેટાને કારણે ભાવ સુધર્યા હતા. કોમેક્સ ગોલ્ડ બેન્ચમાર્ક ડિસેમ્બર કૉન્ટ્રૅP સોમવારે ઓવરનાઇટ ૮.૩ ડૉલર સુધરીને ૧૨૩૦ ડૉલર બંધ રહ્યો હતો. મંગળવારે સવારે સોનાનો ભાવ ૧૨૩૪ ડૉલર ખૂલ્યો હતો. જે છેલ્લે ૧૨૩૨ ડૉલર રહ્યો હતો.  અન્ય પ્રિસિયસ મેટલમાં ચાંદીના ભાવ ૧૭.૪૫ ડૉલર ખૂલીને છેલ્લે ૧૭.૪૪ ડૉલર, પ્લૅટિનમના ભાવ ૧૨૭૦ ડૉલર ખૂલીને છેલ્લે ૧૨૬૧ ડૉલર અને પેલેડિયમના ભાવ ૭૮૯ ડૉલર ખૂલીને ૭૮૮ ડૉલર રહ્યા હતા.

 વધુ તેજી મુશ્કેલ

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાના ભાવ ચાર વર્ષની નીચી સપાટીએ ૧૧૮૩.૪૬ ડૉલર થયા બાદ ટૂંકા ગાળામાં ભાવ વધીને ૧૨૩૭ ડૉલર સુધી વધી જતાં ઍનલિસ્ટો સોનાના ભાવમાં વધુ તેજી થવી મુશ્કેલ માની રહ્યા છે. બ્રિટિશ મલ્ટિ-નૅશનલ ફાઇનૅન્શિયલ કંપની બારકલે કૅપિટલના પ્રિસિયસ મેટલ ઍનલિસ્ટે જણાવ્યું હતું કે સોનામાં આવેલી તેજી ટૂંકા ગાળાની છે અને વલ્ર્ડના મેક્રો ઇકૉનૉમિક ડેવલપમેન્ટ જોતાં સોનામાં વધુ તેજી થવી મુશ્કેલ હોવાથી ઇન્વેસ્ટરોએ આ લેવલ પર વધુ તેજી કરવી જોખમી બની શકે છે.

ચીની સ્ટિમ્યુલસ

ચીનની સપ્ટેમ્બરની નિકાસ વધતાં ઇકૉનૉમી સુધરી રહી હોવાના સંકેત છે, પણ ઇકૉનૉમિસ્ટો ચીનના હાઉસિંગ સેPરની મંદીને પગલે વધુ સ્ટિમ્યુલસ પગલાંની હિમાયત કરી રહ્યા છે. ચીનના થર્ડ ક્વૉર્ટરના ગ્રોથ ડેટા ઇકૉનૉમિસ્ટોના અંદાજ અનુસાર છેલ્લાં પાંચ વર્ષ નબળાં આવવાની શક્યતાને પગલે આગામી દિવસોમાં સરકાર દ્વારા વધુ સ્ટિમ્યુલસ પૅકેજ જાહેર કરવામાં આવશે. આ ધારણાએ સોનાની તેજીને સર્પોટ કર્યો હતો. IMF (ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડ)ના નબળા ગ્લોબલ ગ્રોથ ડેટા બાદ ચીનના સ્ટિમ્યુલસ પૅકેજ આવવાની ધારણા મજબૂત બની છે.

સિંગાપોર ગોલ્ડ કૉન્ટ્રૅP


એશિયાને ગોલ્ડ ટ્રેડિંગ હબ બનાવવાની હોડમાં સિંગાપોરે સોમવારે ૨૫ કિલોનો એક્સચેન્જ ટ્રેડિંગ કૉન્ટ્રૅP લૉન્ચ કર્યો હતો. આ કૉન્ટ્રૅP રીજનલ બેન્ચમાર્ક પ્રાઇસ ક્વોટ કરશે. સપ્ટેમ્બરમાં ચીને શાંઘાઈ ગોલ્ડ એક્સચેન્જમાં યુઆન બેઝ્ડ ઇન્ટરનૅશનલ સ્પૉટ ગોલ્ડ કૉન્ટ્રૅP ચાલુ કર્યો હતો. CMF (શિકાગો મર્કન્ટાઇલ એક્સચેન્જ) દ્વારા ચાલુ વર્ષના અંતે હૉન્ગકૉન્ગમાં અમેરિકી ડૉલર આધારિત ગોલ્ડ કૉન્ટ્રૅP ચાલુ કરવાની જાહેરાત કરાઈ છે. લંડનની ઇન્ટરનૅશનલ ગોલ્ડ પ્રાઇસની ૩૦૦ વર્ષ જૂની મોનોપૉલી તોડવા એશિયન બેન્ચમાર્ક કૉન્ટ્રૅP ચાલુ કરવાની મોહિમ ચાલુ થઈ ચૂકી છે.

દિવાળીમાં ૧૫-૨૦ ટકા ડિમાન્ડ વધવાની ધારણા


ઝવેરીબજારમાં દિવાળીની ખરીદીનો ઉત્સાહ દેખાવા લાગ્યો છે. ઝવેરીબજારના અગ્રણીઓના મતે ચાલુ વર્ષે સોનાના ભાવ નીચા હોવાથી ૧૫થી ૨૦ ટકા ડિમાન્ડ વધવાની ધારણા છે. વળી ચાલુ વર્ષે ચોમાસું પ્રોત્સાહક રહ્યું હોવાથી દિવાળીના તહેવારો અને ત્યાર બાદની મૅરેજ સીઝન માટેની ખરીદી આગામી દિવસોમાં મોટા પ્રમાણમાં નીકળવાની ધારણા છે. સોના-ચાંદીની સુસ્ત ઘરાકીને કારણે છેલ્લા છ મહિના દરમ્યાન મોટા ભાગના ઝવેરીઓએ મોટું નુકસાન સહન કર્યું હોવાથી દિવાળીના તહેવારોની ખરીદીનો લાભ લેવા જ્વેલરી મેકિંગ ચાર્જમાં ભારે ડિસ્કાઉન્ટ અને અનેક ગિફ્ટ આપવાની અનેક સ્કીમો લૉન્ચ થઈ હોવાથી એની અસરે ડિમાન્ડ વધુ રહેશે.

ભાવ-તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૨૭,૩૦૦

સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૨૭,૧૫૦

ચાંદી (.૯૯૯ ટચ કિલોદીઠ) : ૩૯,૬૪૦

(સોર્સ : ધ બૉમ્બે બુલિયન અસોસિએશન લિમિટેડ)