ફાઇનૅન્શિયલ માર્કેટમાં પણ સ્વચ્છતા અભિયાન ચલાવો

06 October, 2014 05:02 AM IST  | 

ફાઇનૅન્શિયલ માર્કેટમાં પણ સ્વચ્છતા અભિયાન ચલાવો

શૅરબજારની સાદી વાત-જયેશ ચિતલિયા

શુક્રવારે આપણે બધાએ અખબારોમાં વડા પ્રધાનથી લઈને વિવિધ ક્ષેત્રોના અનેક મહારથીઓ કમ સેલિબ્રિટીઝને હાથમાં ઝાડુ લઈને સ્વચ્છ ભારત મિશનમાં ભાગ લેતા જોયા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીજીને સ્વચ્છ ભારતની ભેટ આપવાનું મિશન બનાવ્યું છે તેથી ગાંધીજયંતી નિમિત્તે આ સ્વચ્છતા અભિયાનનો આરંભ કર્યો. ૨૦૧૯માં આવતી ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી વખતે ગાંધીજીને સ્વચ્છ ભારતની ભેટ આપવા દરેક ભારતીયને આ વિષયમાં સહયોગ આપવા અનુરોધ કર્યો છે. બહુ જ સારી અને સાચી વાત છે અને બહુ જ જરૂરી પણ છે. સ્વચ્છતા સુંદરતાની નિશાની છે. દેશભરમાં ગંદકી સામે જેમ આ અભિયાનની આવશ્યકતા છે એમ ફાઇનૅન્શિયલ સેpરમાં પણ હજી અનેક ગરબડ-ગંદકી સામે સ્વચ્છતા અભિયાનની જરૂર છે. દેશના આર્થિક વિકાસ માટે અને ખરા અર્થમાં લોકોના સવર્‍સમાવેશ (ફાઇનૅન્શિયલ ઇન્ક્લુઝન ) માટે ફાઇનૅન્શિયલ સેpરને ક્લીન કરવું જોઈશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ સેpરમાં પણ સ્વચ્છતા અભિયાન શરૂ કરી દેવાનો અનુરોધ કરીએ.

ગંદકી ફેલાવો, પૈસા કમાઓ!


આપણી ફાઇનૅન્શિયલ માર્કેટમાં દર થોડા મહિને કે વરસે લાખો લોકોને મૂર્ખ બનાવી, છેતરી, ફસાવી કે ગેરમાર્ગે દોરીને રોકાણયોજનાઓ આવતી રહે છે. આમ થવાનું કારણ એ છે કે આ ગંદકી ફેલાવનારા લોકો પર ભાગ્યે જ કોઈ આકરાં પગલાં લેવાય છે. તેમના કેસ વરસો સુધી ર્કોટમાં ચાલ્યે રાખે છે જ્યારે આ દરમ્યાન તેઓ કરોડપતિ થઈ ગયા હોય છે. વધુમાં આવા લોકોની જાળમાં ફસાઈ ગયેલા લોકોનાં નાણાં તો પાછાં આવતાં જ નથી. અલબત્ત, બહુ જ ઓછા અને અપવાદરૂપ કિસ્સામાં આવાં નાણાં ક્યાંક આંશિક પ્રમાણમાં પાછાં આવ્યાં હશે. સહારા અને શારદા ફન્ડ જેવી પૉન્ઝી સ્કીમ ચલાવતાં ફન્ડોમાંથી કેટલાને તેમનાં નાણાં પાછાં મળ્યાં એનો હિસાબ સરકારે આપવો જોઈએ તો સત્ય બહાર આવે. અત્યારે તો આ ફન્ડના માલિકોને જેલમાં પૂરીને એક દાખલો બેસાડવામાં આવ્યો છે, પરંતુ લોકોનાં નાણાં કેટલાં અને ક્યારે પાછાં મળશે એ સવાલ ઊભો છે અને આ લેભાગુઓ કે સ્થાપિત હિતો ક્યારે બહાર આવીને નવી પ્રવૃત્તિ શરૂ કરી દે એનું કંઈ કહેવાય નહીં. આશરે બે દાયકા પહેલાં ૬૦૦ જેટલી પ્લાન્ટેશન કંપનીઓ વૃક્ષો ઉગાડવાના નામે નાણાં લઈ ગઈ એ આજ સુધી પાછાં આવ્યાં નથી. આ જ રીતે પબ્લિક ઇશ્યુ મારફત કરોડો રૂપિયા ઊભા કરીને નૌ દો ગ્યારહ થઈ ગયેલી કંપનીઓ આજે પણ વેનિશિંગ કંપનીઓની યાદીમાં સરકારી ફાઇલોમાં ઊભી છે. આ પ્રમોટરોને ઊની આંચ આવી નથી અને યાદીની બહાર પણ આવી હજારો કંપનીઓના લેભાગુ પ્રમોટરો છે જેમણે દિનદહાડે રોકાણકારોને છેતર્યા છે, છેતરતા રહે છે અને હાલ પણ જલસા કરે છે.

હાઈ રિટર્નમાં ફસાતા ઇન્વેસ્ટરો

સહારા, શારદાની પૉન્ઝી સ્કીમ ઉપરાંત તાજતેરમાં NSEL (નૅશનલ સ્પૉટ એક્સચેન્જ લિમિટેડ)ના મંચ પર માત્ર બાવીસ બૉરોઅર્સ કંપનીઓ ૧૩ હજાર રોકાણકારોનાં નાણાં લઈને બેસી ગઈ છે અને ૫૪૦૦ કરોડ રૂપિયા દાવ પર લાગી ગયા છે ત્યારે પણ સરકાર કે એના સંબંધિત વિભાગો મંદ ગતિએ એનો ઉપાય કરી રહ્યા છે, જ્યારે આ કેસ તો સીધો અને સ્પp છે. એનો લાભ માત્ર આ સ્કૅમના બૉરોઅર્સ ડિફૉલ્ટર્સ લઈ રહ્યા છે. નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓ વાર-તહેવારે રોકાણકારોને ગેરમાર્ગે દોરીને છેતરતી રહે છે અને એમને કંઈ થતું નથી. આ બધા વરસોથી કામ કરતા રહ્યા હતા એમ છતાં સરકાર જાગી ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. હજી આવી હાઈ રિટર્નવાળી અનેક યોજનાઓ બિનસત્તાવાર ધોરણે ચાલતી હશે. શું એ સ્કૅમ બનીને બહાર આવશે ત્યારે જ એમની સામે પગલાં લેવાશે?

ઇન્વેસ્ટરો કેમ વધતા નથી?

 શૅરબજારમાં માર્કેટ મૅનિપ્યુલેશન, પ્રાઇસ રિગિંગ, સક્યુર્‍લર ટ્રેડિંગ, ઇન્સાઇડર ટ્રેડિંગ જેવી પ્રવૃત્તિઓ વરસોથી ચાલે છે; પરંતુ આજ સુધી એના કોઈ નક્કર ઉપાય થયા નથી. હા, અધકચરા ઉપાય થતા રહે છે જેમાં છટકબારી હોય અને લેભાગુઓ એમાંથી બહાર નીકળી જાય છે. અહીં પણ ઑપરેટરો અને ચોક્કસ પ્રમોટરો જે રમતો રમે છે એમાં દર થોડા વખતે રોકાણકારો ફસાતા રહે છે. આજે દેશની ૧૨૫ કરોડની વસ્તીમાંથી માત્ર સવા કરોડ ડીમૅટ અકાઉન્ટ છે અને આટલી ઓછી સંખ્યામાં જ લોકો શૅરબજારમાં ભાગ લે છે એનું કારણ માત્ર બજારનું જોખમ નથી, બલકે બજારમાં માણસોની રમતનું જોખમ પણ છે જે આ બજારમાં વિશ્વાસને ટકવા કે સ્થિર થવા દેતું નથી. મોદી સરકારને મેક ઇન ઇન્ડિયા, ફસ્ર્ટ ડેવલપ ઇન્ડિયા, સ્વનર્ભિર ઇન્ડિયા, ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી ભરપૂર વિકસિત ભારત, ડિજિટલ ઇન્ડિયાને સફળ કરવું હશે તો મૂડીબજાર-ફાઇનૅન્શિયલ માર્કેટને વધુ શિસ્તબદ્ધ, પારદર્શક, સરળ અને વિશ્વસનીય બનાવવું પડશે. આ માટે કાયદા અને નીતિ-નિયમોમાં જે કંઈ ફેરફાર લાવી ગરબડ અને ગોટાળાઓની ગંદકીને ડામવી પડશે. આવું કરનારાઓને સાફ કરવા મોટું ઝાડુ ફેરવવું પડશે નરેન્દ્રભાઈ.

કરચોરીથી લઈને બૅન્ક-લૂંટ સુધી


કરચોરીના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી થયા કરે છે, બૅન્કોમાં કરપ્શન મારફત કરોડો રૂપિયાની લોન લઈ એમાં ડિફૉલ્ટ કરી જલસા કરતા અનેક પ્રમોટરો આજે પણ મજા કરે છે. કંપનીઓ માંદી પડે છે જેમાં લાખો લોકોનાં નાણાં ડૂબે છે, પણ પ્રમોટરો માંદા પડતા નથી. ઉપરથી તાજામાજા થઈને જલસા જ કરે છે. જાહેર ક્ષેત્રની સંખ્યાબંધ બૅન્કોના કિસ્સા પણ તાજા જ છે જેમાં અબજો રૂપિયા ઉદ્યોગપતિઓ લઈ ગયા છે. આ બધાં નાણાં આખરે તો પબ્લિકનાં-કરદાતાઓનાં છે. આ લોકોને પકડી-પકડીને કચરાટોપલીમાં નાખવા પડશે.ઇન શૉર્ટ, ફાઇનૅન્શિયલ સેpર સતત ગેરરીતિ-ગરબડોથી ખદબદે છે. નિર્દોષ રોકાણકારો સતત એનો ભોગ બન્યા કરે છે. સીધીસાદી ફિક્સ્ડ ડિપોઝિટમાં પણ લોકોનાં નાણાં ડૂબી જાય છે. અનેક વરિષ્ઠ નાગરિકો આ સાધનોમાં સલામતીના હેતુસર નાણાં મૂકે છે. એમ છતાં કંપનીઓનાં કે સહકારી સહિતની બૅન્કોનાં કૌભાંડો કે ગેરરીતિઓમાં તેઓ પણ ડૂબે છે.

મંત્રાલયથી સુધરાઈ સુધી

આ સાથે સરકારી સ્તરે કે બ્યુરોક્રસીના પ્રતાપે જે આર્થિક કૌભાંડો ચાલે છે એને પણ રોકવાં-ડામવાં જોઈએ. મંત્રાલયથી મ્યુનિસિપલ કૉર્પોરેશન સુધી દરેક ફાઇલ પર વજન મુકાય છે અને નાના-મોટા વેપારથી લઈ કૉર્પોરેટ્સ સુધીના લાભાર્થે કામ થાય છે. કોલસા-કૌભાંડ, ટેલિકૉમ-કૌભાંડ, ઘાસચારા-કૌભાંડથી લઈ રોડ, બ્રિજ, સ્કૂલો, હાઇવે બનાવવા સુધી, લોન-મેલા, સબસિડી કે ગરીબોને અપાતી રાહતોની રકમમાંથી પણ મોટી રકમ ખાઈ જતા વચેટિયાઓનાં કૌભાંડો સત્વર બંધ કરાવવાની જરૂર છે. દરેક મોટા કૉન્ટ્રૅpમાં અપાતી કે લેવાતી કટકી માત્ર કરપ્શન નથી બલકે એક કૌભાંડ જ છે.સુધારા થાય છે, પરંતુ નવા ગરબડ-ગોટાળા સર્જાતા રહે છે

આ બધું વાંચીને તમને થઈ શકે કે તો શું દેશમાં બધે કૌભાંડ જ ચાલે છે? ના, એવું નથી. સમયાંતરે બદલાતા રહેલા નીતિનિયમોને લીધે સુધારા થયા છે. પહેલાં જેવી સ્કૅમની ઘટના હવે ન બને કે ઓછી બને એમ થઈ શકે, પરંતુ લેભાગુઓ નવા પેંતરા અને કાર્યપદ્ધતિ મારફત નવાં સ્કૅમ કરવા આવતા રહે છે અને સફળ પણ થઈ જાય છે. હિન્દી ફિલ્મોમાં જેમ પોલીસ છેલ્લે આવે એમ સ્કૅમ પતી જાય, લોકો લૂંટાઈ જાય એ પછી સત્તાવાળાઓ જાગે છે અને સક્રિય બને છે અને એ પછી પણ કેટલાં અસરકારક પગલાં લઈ શકે છે એ સવાલ છે; કારણ કે કાયદામાં તેમની પાસે સત્તા મર્યાદિત હોય છે. આ બધી બાબતો કાનૂની આંટીઘૂંટીમાં અટવાતી જાય છે જેનો લાભ લેભાગુઓ લઈ લે છે અને રોકાણકારો છેતરાઈને પસ્તાતા રહી જાય છે. વળી પાછી તેજી કે નવા નામે રોકાણનાં આકર્ષણો આવે એ જ સિલસિલો શરૂ થઈ જાય છે. આમ ફાઇનૅન્શિયલ સેpરની ગંદકી સમાન ગરબડ-ગોટાળાની સફાઈ માટે સરકારે વધુ શું કરવાની જરૂર છે, એમાં પ્રજા તરીકે આપણે પણ સહયોગ આપવાની જરૂર છે એ વિશે આગામી સપ્તાહે વાત કરીશું.