વેસ્ટલાઇફ ડેવલપમેન્ટના શૅરના ભાવમાં ૮૨ ટકાનો જમ્પ જોવાયો

16 December, 2012 05:47 AM IST  | 

વેસ્ટલાઇફ ડેવલપમેન્ટના શૅરના ભાવમાં ૮૨ ટકાનો જમ્પ જોવાયો

૭ ડિસેમ્બરે ભાવ ૮૬.૨૦ રૂપિયા બંધ રહ્યો હતો એ વધીને ગઈ કાલે ૧૫૬.૯૫ રૂપિયા બંધ રહ્યો હતો. શૅરના ભાવમાં જે નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે એનું મુખ્ય કારણ એ છે કે ૭ ડિસેમ્બરે કંપનીએ અમેરિકન બર્ગર ચેઇન મૅક્ડોનલ્ડ્સની ફ્રૅન્ચાઇઝી હાર્ડકેસલ રેસ્ટોરન્ટ્સ સાથે રિવર્સ મર્જરની જાહેરાત કરી હતી. આ નિર્ણયને કારણે હાર્ડકૅસલ રેસ્ટોરન્ટ્સ વેસ્ટલાઇફ ડેવલપમેન્ટની ડાયરેક્ટ સબસિડિયરી કંપની બની ગઈ છે. હાર્ડકૅસલ રેસ્ટોરન્ટ્સ મૅક્ડોનલ્ડ્સની વેસ્ટ અને સાઉથ ઇન્ડિયાની ફ્રૅન્ચાઇઝી છે.

હવે મૅક્ડોનલ્ડ્સની જે પણ આવક અને નફો થશે એનો વેસ્ટલાઇફ ડેવલપમેન્ટ્સની નાણાકીય કામગીરીમાં સમાવેશ કરવામાં આવશે. આને પગલે મૅક્ડોનલ્ડ્સની કામગીરીના આધારે કંપનીના શૅરના ભાવમાં વધઘટ જોવા મળશે.

રોકાણકારોને વેસ્ટલાઇફ ડેવલપમેન્ટમાં કેમ રસ જાગ્યો છે એનું કારણ એ છે કે ડૉમિનોઝ પીત્ઝાની ફ્રૅન્ચાઇઝી જ્યુબિલન્ટ ફૂડવર્ક્સમાં ઇન્વેસ્ટરોને સારું વળતર મળ્યું છે. આ કંપનીના શૅરનો ભાવ છેલ્લાં ત્રણ વર્ષમાં પાંચગણો જેટલો વધ્યો છે.

વેસ્ટલાઇફ ડેવલપમેન્ટની ઇક્વિટીમાં પ્રમોટર્સ જાટિયા ફૅમિલીનો હિસ્સો ૮૫.૭૦ ટકા છે. જૂન ૨૦૧૩ સુધીમાં એ ઘટાડીને ૭૫ ટકા જેટલો કરવા માટે કંપની બોનસ શૅરની જાહેરાત કરવાની છે. કંપની ૧.૨૦ શૅર સામે એક બોનસ શૅર ઇશ્યુ કરશે એવી અપેક્ષા છે. હાર્ડકૅસલ રેસ્ટોરન્ટ્સ ૧૪૮ મૅક્ડોનલ્ડ્સ રેસ્ટોરન્ટ્સ ઑપરેટ કરે છે.

નજીકના ભવિષ્યમાં પૈસા એકત્ર કરવાની કંપનીની કોઈ જ યોજના નથી. કંપનીનું એક્સ્ટર્નલ ડેટ ઝીરો છે અને કૅશ રિઝર્વ ૪૦ કરોડ રૂપિયા જેટલું છે. વેસ્ટસાઇડ ડેવલપમેન્ટનું વર્તમાન માર્કેટ કૅપિટલાઇઝેશન ૨૭૫ કરોડ રૂપિયા જેટલું છે, જ્યારે જ્યુબિલન્ટ ફૂડવર્ક્સનું બજારમૂલ્ય ૮૫૦૦ કરોડ રૂપિયા કરતાં વધારે છે.