ફુગાવામાં ઘટાડો થવાને પગલે શૅરબજારમાં વૃદ્ધિ જોવા મળી

15 December, 2012 10:40 AM IST  | 

ફુગાવામાં ઘટાડો થવાને પગલે શૅરબજારમાં વૃદ્ધિ જોવા મળી




છેલ્લા સતત પાંચ દિવસની ઘટી રહેલા બજારમાં ગઈ કાલે પણ પ્રારંભમાં કોઈ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો નહોતો, પરંતુ બાદના ફુગાવાના આંકડાની જાહેરાતને પગલે માર્કેટમાં વૃદ્ધિ જોવા મળી હતી. ફુગાવામાં ઘટાડો પણ થયો છે અને બજારની અપેક્ષા કરતાં ઇન્ફ્લેશનનો આંકડો ઓછો આવ્યો છે એને કારણે સેન્ટિમેન્ટમાં સુધારો થવાથી વૃદ્ધિ જોવા મળી હતી.

મુંબઈ શૅરબજારનો સેન્સેક્સ ગુરુવારે ૧૯,૨૨૯.૨૬ના બંધ સામે ગઈ કાલે ૧૯,૨૧૭.૯૬ ખૂલ્યો હતો. દિવસ દરમ્યાન વધીને ઊંચામાં ૧૯,૩૪૮.૮૫ અને ઘટીને નીચામાં ૧૯,૧૯૩.૧૧ના સ્તરે પહોંચ્યો હતો. છેલ્લે ૮૭.૯૯ વધીને ૧૯,૩૧૭.૨૫ બંધ રહ્યો હતો. મિડ-કૅપ ઇન્ડેક્સ ૪૧.૫૨ વધીને ૬૯૯૯.૦૬ અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સ માત્ર ૫.૫૫ વધીને ૭૩૫૩.૭૨ બંધ રહ્યો હતો. નિફ્ટી ૨૮.૧૦ વધીને ૫૮૭૯.૬૦ બંધ રહ્યો હતો.

ગઈ કાલે નાણાપ્રધાન પી. ચિદમ્બરમે દિલ્હીમાં કહ્યું હતું કે અર્થતંત્રમાં સુધારો તેમ જ ઇન્વેસ્ટમેન્ટમાં વધારો કરવા માટે સરકાર આગામી સમયમાં હજી વધુ પગલાં લેશે.

સેક્ટરલ ઇન્ડાઇસિસ

મુંબઈ શૅરબજારના ૧૩ સેક્ટરલ ઇન્ડાઇસિસમાંથી ગઈ કાલે ૧૦ વધ્યા હતા, જ્યારે ત્રણમાં ઘટાડો થયો હતો.

મેટલ ઇન્ડેક્સ સૌથી વધુ ૨૩૮.૬૫ વધીને ૧૦,૫૬૯.૯૦ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૧માંથી ૧૦ કંપનીના ભાવ વધ્યા હતા. હિન્દુસ્તાન ઝિન્કનો ભાવ સૌથી વધુ ૪.૧૩ ટકા વધીને ૧૪૨.૩૦ રૂપિયા બંધ રહ્યો હતો. સેસાગોવાનો ભાવ ૩.૬૪ ટકા, સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝનો ૩.૫૭ ટકા, હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝનો ૩.૫૪ ટકા, સેઇલનો ૨.૭૧ ટકા, જિન્દાલ સ્ટીલનો ૨.૪૮ ટકા અને તાતા સ્ટીલનો ભાવ ૨.૩૩ ટકા વધ્યો હતો.

બૅન્કેક્સ ૧૭૮.૫૭ વધીને ૧૪,૨૬૪.૮૨઼૦ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૪ બૅન્કોમાંથી ૧૧ના ભાવમાં વૃદ્ધિ થઈ હતી. યુનિયન બૅન્ક ઑફ ઇન્ડિયાનો ભાવ સૌથી વધુ ૪.૦૫ ટકા વધીને ૨૬૬.૧૦ રૂપિયા બંધ રહ્યો હતો. બૅન્ક ઑફ બરોડાનો ભાવ ૩.૪૦ ટકા, ઇન્ડસઇન્ડ બૅન્કનો ૩.૩૨ ટકા, યસ બૅન્કનો ૨.૯૫ ટકા અને એસબીઆઇનો ભાવ ૨.૫૮ ટકા વધ્યો હતો.

કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ

ક્ન્ઝ્યુમર ડ્યુરેબલ ઇન્ડેક્સ સૌથી વધુ ૯૬.૪૧ ઘટીને ૭૭૬૫.૭૨ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦ કંપનીમાંથી ૬ના ભાવ ઘટ્યા હતા. ટીટીકે પ્રેસ્ટિજનો ભાવ સૌથી વધુ ૨.૮૮ ટકા ઘટીને ૩૬૩૬.૫૦ રૂપિયા બંધ રહ્યો હતો. વીઆઇપી ઇન્ડસ્ટ્રીઝનો ભાવ ૨.૧૬ ટકા, ટાઇટન ઇન્ડસ્ટ્રીઝનો ૧.૮૮ ટકા અને ગીતાંજલિ જેમ્સનો ૧.૨૨ ટકા ઘટ્યો હતો. વ્હર્લપૂલ ઑફ ઇન્ડિયાનો ભાવ સૌથી વધુ ૩.૦૨ ટકા વધીને ૨૭૯.૫૫ રૂપિયા બંધ રહ્યો હતો.

સેન્સેક્સ શૅરો

સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ કંપનીમાંથી ગઈ કાલે ૧૪ના ભાવમાં વૃદ્ધિ થઈ હતી અને ૧૬ના ભાવ ઘટ્યા હતા. સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝનો ભાવ સૌથી વધુ ૩.૫૭ ટકા વધીને ૧૧૩.૨૦ રૂપિયા બંધ રહ્યો હતો. ભારતી ઍરટેલનો ભાવ સૌથી વધુ ૧.૫૨ ટકા ઘટીને ૩૧૧.૯૫ રૂપિયા બંધ રહ્યો હતો.

૩૧ શૅરના ભાવ ઊંચા લેવલે

ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૩૧ કંપનીના શૅરના ભાવ વધીને છેલ્લા એક વર્ષના સર્વોચ્ચ લેવલે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં વ્હીલ્સ ઇન્ડિયા, વી. કે. એસ. પ્રોજેક્ટ્સ, વેસ્ટલાઇફ ડેવલપમેન્ટ, ઓરેકલ ફાઇનૅન્શિયલ સર્વિસિસ સૉફ્ટવેર, બજાજ ઑટો, મહારાષ્ટ્ર સ્કૂટર્સ વગેરેનો સમાવેશ છે. ૧૨ કંપનીઓના શૅરના ભાવ ઘટીને છેલ્લા એક વર્ષના નીચા સ્તરે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં ડાયનાકોન્સ ટેકનૉલૉજીઝ, જીટીએલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ફોનિક્સ સિસ્ટમ્સ, નિક્કો કૉર્પોરેશન, પરબ ડ્રગ્સ વગેરેનો સમાવેશ છે.

ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૧૪૫૨ કંપનીના શૅરના ભાવ વધ્યા હતા અને ૧૪૭૫ના ભાવ ઘટ્યા હતા. માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહી હતી.

વ્હીલ્સ ઇન્ડિયા

વ્હીલ્સ ઇન્ડિયાનો ભાવ ૨૦ ટકા વધીને ૮૮૮.૧૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૮૮૮.૧૦ રૂપિયાના છેલ્લા એક વર્ષના ઊંચા મથાળે પહોંચ્યો હતો અને ઘટીને નીચામાં ૭૬૯.૯૦ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ૭.૦૮ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્ત્ાાહમાં દૈનિક સરેરાશ ૭૦૨ શૅરના કામકાજ સામે ગઈ કાલે ૮૩,૦૨૪ શૅરનાં કામકાજ થયાં હતાં.

ફૉરેન પ્રમોટર ટાઇટન યુરોપે કંપનીની ઇક્વિટીનો ૧૪.૩૮ ટકા હિસ્સો ઍક્વાયર કરવા માટે શૅરદીઠ ૭૨૫.૩૮ રૂપિયાના ભાવે ઓપન ઑફર કરી છે. ટાઇટન યુરોપ ૧૪.૨૦ લાખ શૅર ઍક્વાયર કરશે. ટાઇટન યુરોપનો હિસ્સો ૩૫.૯૧ ટકા છે.

ફર્ટિલાઇઝર શૅરો

સરકારે યુરિયા ઇન્વેસ્ટમેન્ટ પૉલિસીને ગુરુવારે મંજૂરી આપી એને પગલે ગઈ કાલે ફર્ટિલાઇઝર સેક્ટરની કંપનીઓના શૅરના ભાવ વધ્યા હતા. યુરિયા ઇન્વેસ્ટમેન્ટ પૉલિસીને કારણે આ કંપનીઓને નવા પ્લાન્ટ્સ સ્થાપવા તેમ જ વર્તમાન પ્લાન્ટ્સની ક્ષમતામાં વધારો કરવા માટે પ્રોત્સાહન મળશે.

ફર્ટિલાઇઝર્સ ઍન્ડ કેમિકલ્સ ત્રાવણકોરનો ભાવ ૧૬.૧૨ ટકા વધીને ૩૨.૦૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૩૨.૮૫ રૂપિયા અને ઘટીને નીચામાં ૨૯.૭૫ રૂપિયાના લેવલે પહોંચ્યો હતોે

નૅશનલ ફર્ટિલાઇઝર્સનો ભાવ ૧.૬૨ ટકા વધીને ૭૮.૨૫ રૂપિયા, ચંબલ ફર્ટિલાઇઝર્સ ઍન્ડ કેમિકલ્સનો ૦.૮૧ ટકા વધીને ૬૮.૭૫ રૂપિયા, રાષ્ટ્રીય કેમિકલ્સ ઍન્ડ ફર્ટિલાઇઝર્સનો ભાવ ૨.૩૯ ટકા વધીને ૫૫.૮૦ રૂપિયા અને તાતા કેમિકલ્સનો ભાવ ૧.૨૮ ટકા વધીને ૩૩૭.૦૫ રૂપિયા બંધ રહ્યો હતો.

એફઆઇઆઇની ચોખ્ખી ખરીદી

મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે એફઆઇઆઇની કુલ ખરીદી ૨૬૬૬.૬૦ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૨૦૯૦.૨૨ કરોડ રૂપિયા અને ચોખ્ખી લેવાલી ૫૭૪.૩૮ કરોડ રૂપિયા જોવા મળી હતી. સ્થાનિક ફન્ડોની કુલ ખરીદી ૮૮૮.૯૮ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૧૪૦૧.૪૧ કરોડ રૂપિયા અને ચોખ્ખી વેચવાલી ૫૧૨.૪૨ કરોડ રૂપિયા રહી હતી.

એફઆઇઆઇ = ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર, સેઇલ - SAIL = સ્ટીલ ઑથોરિટી ઑફ ઇન્ડિયા લિમિટેડ, એસબીઆઇ = સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા, જીટીએલ =  ગ્લોબલ ટેલિસિસ્ટમ્સ લિમિટેડ