વિદેશી રોકાણના મુદ્દે માયાવતીની ગૅરન્ટીને પગલે શૅરબજારમાં સુધારો

07 December, 2012 07:52 AM IST  | 

વિદેશી રોકાણના મુદ્દે માયાવતીની ગૅરન્ટીને પગલે શૅરબજારમાં સુધારો




(શૅરબજારનું ચલકચલાણું)

બાદમાં નફારૂપી વેચવાલીના દબાણે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. જોકે બપોર બાદ માયાવતીએ રાજ્યસભામાં રીટેલ સેક્ટરમાં વિદેશી રોકાણની તરફેણમાં વોટ આપવાની જાહેરાત કરી હોવાથી બજારમાં ફરી પાછો ઉછાળો જોવા મળ્યો હતો. દિવસ દરમ્યાન સેન્સેક્સમાં ૩૦૦ પૉઇન્ટ જેટલી વધઘટ જોવા મળી હતી. નિફ્ટી પણ દિવસ દરમ્યાન ઘટીને ૫૯૦૦ પૉઇન્ટની નીચે પહોંચી ગયો હતો, પરંતુ માયાવતીની જાહેરાતને પગલે વધીને ૫૯૩૭.૪૦ના છેલ્લા ૨૦ મહિનાના ઊંચા લેવલે પહોંચ્યો હતો. છેલ્લે ૩૦.૪૦ વધીને ૫૯૩૦.૯૦ બંધ રહ્યો હતો.

મુંબઈ શૅરબજારનો સેન્સેક્સ બુધવારના ૧૯,૩૯૧.૮૬ના બંધ સામે ગઈ કાલે ૧૯,૪૭૫.૦૯ના લેવલે ખૂલ્યો હતો. દિવસ દરમ્યાન વધીને ઊંચામાં ૧૯,૫૨૩.૨૫ અને ઘટીને નીચામાં ૧૯,૧૮૬.૨૪ના સ્તરે પહોંચ્યો હતો. છેલ્લે ૯૪.૯૪ વધીને ૧૯,૪૮૬.૮૦ બંધ રહ્યો હતો.

આજે રાજ્યસભામાં રીટેલ સેક્ટરમાં વિદેશી રોકાણની મંજૂરી બાબતે મતદાન છે, પરંતુ હવે સરકારને એમાં વાંધો નહીં આવે એવી અપેક્ષાને કારણે આજે પણ બજારમાં સુધારો જળવાઈ રહેવાની ગણતરી છે. મિડ કૅપ ઇન્ડેક્સ ૫૧.૨૧ વધીને ૭૦૭૫.૯૨ અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૩૩.૯૫ વધીને ૭૪૫૩.૭૭ બંધ રહ્યા હતા.

ચાલુ નાણાકીય વર્ષમાં આઇટી સેક્ટરની કામગીરી પર પ્રતિકૂળ અસર થશે. આવક અને નફાનો ગ્રોથરેટ અગાઉના અંદાજ કરતાં ઓછો થશે એવી અપેક્ષાના પગલે ગઈ કાલે સતત બીજા દિવસે પણ આઇટી ઇન્ડેક્સમાં ઘટાડો થયો હતો.

સેક્ટરલ ઇન્ડાઇસિસ

મુંબઈ શૅરબજારનાં ૧૩ સેક્ટર ઇન્ડાઇસિસમાંથી ગઈ કાલે ૧૦ વધ્યાં હતાં અને ત્રણમાં ઘટાડો થયો હતો.

બૅન્કેક્સ સૌથી વધુ ૧૬૪.૧૨ વધીને ૧૪,૨૫૭.૨૩ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૪ બૅન્કોમાંથી ૧૩ના ભાવ વધ્યા હતા. યસ બૅન્કનો ભાવ સૌથી વધુ ૩.૭૬ ટકા વધીને ૪૬૬.૯૫ રૂપિયા બંધ રહ્યો હતો. કૅનેરા બૅન્કનો ભાવ ૨.૯૯ ટકા, યુનિયન બૅન્ક ઑફ ઇન્ડિયાનો ૨.૩૩ ટકા અને ઍક્સિસ બૅન્કનો ૨.૨૮ ટકા વધ્યો હતો.

ઑટો ઇન્ડેક્સ ૮૫.૨૬ વધીને ૧૦,૮૮૦.૬૨ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦માંથી ૭ કંપનીના ભાવમાં વૃદ્ધિ થઈ હતી.

અશોક લેલૅન્ડનો ભાવ સૌથી વધુ ૨.૩૬ ટકા વધીને ૨૮.૨૦ રૂપિયા બંધ રહ્યો હતો. તાતા મોટર્સનો ભાવ ૧.૯૩ ટકા અને બજાજ ઑટોનો ૧.૨૬ ટકા વધ્યો હતો.

મેટલ ઇન્ડેક્સ ૮૨.૯૮ વધીને ૧૦,૬૫૧.૭૧ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૧ કંપનીમાંથી ૯ના ભાવ વધ્યા હતા. સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝનો ભાવ સૌથી વધુ ૨.૩૫ ટકા વધીને ૧૧૫.૪૫ રૂપિયા બંધ રહ્યો હતો. હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝનો ભાવ ૧.૭૮ ટકા અને સેસા ગોવાનો ૧.૬૧ ટકા વધ્યો હતો. ભૂષણ સ્ટીલનો ભાવ સૌથી વધુ ૩.૫૪ ટકા ઘટીને ૪૫૭.૨૫ રૂપિયા બંધ રહ્યો હતો.

સેન્સેક્સ શૅરો

સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ કંપનીઓમાંથી ગઈ કાલે ૨૨ કંપનીના ભાવ વધ્યા હતા અને ૮ના ઘટ્યા હતા. સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝનો ભાવ સૌથી વધુ ૨.૩૫ ટકા વધ્યો હતો. ઇન્ફોસિસનો ભાવ સૌથી વધુ ૧.૮૪ ટકા ઘટ્યો હતો. ભારતી ઍરટેલના ભાવમાં ૧.૫૯ ટકાનો ઘટાડો થયો હતો.

જયપ્રકાશ અસોસિયેટ્સ

જયપ્રકાશ અસોસિયેટ્સનો ભાવ ૩.૭૭ ટકા વધીને ૧૦૪.૫૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૧૦૪.૯૫ રૂપિયા અને ઘટીને નીચામાં ૧૦૦.૬૦ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. ૩૪.૪૯ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૨૩.૪૦ લાખ શૅરના કામકાજ સામે ગઈ કાલે ૩૩.૪૦ લાખ શૅરનું કામકાજ થયું હતું.

કંપનીને અમલિય-કોલ બ્લૉક માટે ફાઇનલ ફૉરેસ્ટ ક્લિયરન્સ મળી ગયું છે. જાન્યુઆરી ૨૦૧૩થી કોલસાનું ઉત્પાદન શરૂ થવાની અપેક્ષા છે. છેલ્લા ચાર દિવસમાં શૅરનો ભાવ આઠ ટકા વધ્યો છે. ચાલુ કૅલેન્ડર વર્ષમાં અત્યાર સુધી ભાવ ૧૦૦ ટકા જેટલો વધ્યો છે.

આઇટી શૅરો

આઇટી ઇન્ડેક્સ સૌથી વધુ ૭૯.૧૮ ઘટીને ૫૭૦૦.૨૫ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦માંથી ૭ કંપનીના ભાવ ઘટ્યા હતા.

હેક્ઝાવેર ટેક્નૉલૉજીઝનો ભાવ સૌથી વધુ ૩.૦૧ ટકા ઘટીને ૧૦૬.૪૫ રૂપિયા બંધ રહ્યો હતો. એચસીએલ ટેક્નૉલૉજીઝનો ભાવ ૨.૦૩ ટકા અને ઇન્ફોસિસનો ૧.૮૪ ટકા ઘટ્યો હતો. એમ્ફેસિસનો ભાવ ૨.૨૪ ટકા વધીને ૩૯૭ રૂપિયા બંધ રહ્યો હતો.

ટ્યુલિપ ટેલિકૉમ

ટ્યુલિપ ટેલિકૉમનો ભાવ ૪.૯૫ ટકા વધીને ૪૨.૪૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૪૨.૪૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૪૧.૯૦ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. ૭૬.૪૫ લાખ રૂપિયાનું ટર્નઓવર થયું હતું. દૈનિક સરેરાશ ૧.૮૨ લાખ શૅરના ટ્રેડિંગ સામે ગઈ કાલે ૧.૮૦ લાખ શૅરનું ટ્રેડિંગ થયું હતું. છેલ્લા ચાર દિવસમાં શૅરનો ભાવ ૧૮ ટકા વધ્યો છે.કંપની મૅચ્યોરિટી વખતે ફૉરેન કરન્સી કન્વર્ટિબલ બૉન્ડના પૈસાની પરતચૂકવણી કરી શકી ન હતી એને પગલે ૭ સપ્ટેમ્બરથી ૧૨ ઑક્ટોબર દરમ્યાન શૅરનો ભાવ ૮૬ રૂપિયાથી ઘટીને ૩૫ રૂપિયાના લેવલે આવી ગયો હતો. કંપનીએ ૭૬૦ કરોડ રૂપિયા ચૂકવવાના છે. કંપનીના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર એચ. એસ બેદીએ જાહેરાત કરી હતી કે કંપની આ મહિનના અંત સુધી પૈસા ચૂકવી દેશે.

એમ્ફેસિસ

સૉફ્ટવેર સેક્ટરની કંપની એમ્ફેસિસનો ભાવ ૨.૨૪ ટકા વધીને ૩૯૭ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૪૦૪ રૂપિયા અને ઘટીને નીચામાં ૩૯૧ રૂપિયાના લેવલે બંધ રહ્યો હતો. ૪.૦૬ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૦.૧૯ લાખ શૅરના ટ્રેડિંગ સામે ગઈ કાલે ૧.૦૨ લાખ શૅરનું ટ્રેડિંગ થયું હતું.

ઑક્ટોબરમાં પૂરા થયેલા ર્ફોથ ક્વૉર્ટરમાં કંપનીએ પ્રોત્સાહક કામગીરી રજૂ કરી છે. ચોખ્ખો નફો ૧૪ ટકા વધીને ૨૦૯ કરોડ રૂપિયા થયો છે. કંપનીએ ૧૦ રૂપિયાની મૂળ કિંમત ધરાવતા શૅર પર શૅરદીઠ ૧૭ રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. આગલા વર્ષે ૬.૫૦ રૂપિયા ડિવિડન્ડ ચૂકવ્યું હતું.

રીટેલ શૅરો

રીટેલ સેક્ટરની કંપનીઓના કેટલાક શૅરના ભાવમાં ગઈ કાલે વધારો થયો હતો. પ્રોવોગ ઇન્ડિયાનો ભાવ ૬.૬૭ ટકા વધીને ૧૮.૪૦ રૂપિયા અને કુટોન્સ રીટેલનો ભાવ ૪.૯૪ ટકા વધીને ૯.૯૮ રૂપિયા બંધ રહ્યો હતો. શૉપર્સ સ્ટૉપનો ભાવ માત્ર ૦.૯૫ ટકા અને પૅન્ટૅલૂન રીટેલનો ભાવ ફક્ત ૦.૫૫ ટકા વધ્યો હતો, જ્યારે તાતા ગ્રુપની ટ્રેન્ટ લિમિટેડનો ભાવ ૦.૦૮ ટકા ઘટ્યો હતો.

૪૫ શૅર્સ સર્વોચ્ચ સ્તરે

ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૪૫ કંપનીના શૅરના ભાવ વધીને ઊંચામાં છેલ્લા એક વર્ષના સર્વોચ્ચ લેવલે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં યસ બૅન્ક, વી ગાર્ડ ઇન્ડસ્ટ્રીઝ, સુંદરમ મલ્ટિપેપ, વી.કે.એસ. પ્રોજેક્ટ્સ, કરુર વૈશ્ય બૅન્ક, કાવેરી સીડ, આરે ડ્રગ્સ, ઇન્ડસઇન્ડ બૅન્ક વગેરેનો સમાવેશ છે. ૧૧ કંપનીઓના શૅર્સના ભાવ ઘટીને છેલ્લા એક વર્ષના નીચા સ્તરે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં ડાયનાકૉન્સ ટેક્નૉલૉજીઝ, માર્સ સૉફ્ટવેર, પ્રદીપ ઓવરસીઝ વગેરેનો સમાવેશ છે.

ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૧૬૦૧ કંપનીના શૅરના ભાવ વધ્યા હતા અને ૧૨૯૭ના ઘટ્યા હતા. માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ રહી હતી.

એફઆઇઆઇની ચોખ્ખી ખરીદી

મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે એફઆઇઆઇની કુલ ખરીદી ૨૮૫૫.૫૭ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૨૦૧૭.૪૩ કરોડ રૂપિયા અને ચોખ્ખી લેવાલી ૮૩૮.૧૪ કરોડ રૂપિયા જોવા મળી હતી. સ્થાનિક ફન્ડોની કુલ ખરીદી ૧૦૨૯.૨૮ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૧૬૯૨.૦૨ કરોડ રૂપિયા અને ચોખ્ખી વેચવાલી ૬૬૨.૭૪ કરોડ રૂપિયા રહી હતી.

આઇટી = ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી, એફઆઇઆઇ = ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર