સહારા ઇન્ડિયાએ ન્યુ યૉર્કની પ્લાઝા હોટેલમાં ૭૫ ટકા જેટલો હિસ્સો ખરીદ્યો

04 December, 2012 06:08 AM IST  | 

સહારા ઇન્ડિયાએ ન્યુ યૉર્કની પ્લાઝા હોટેલમાં ૭૫ ટકા જેટલો હિસ્સો ખરીદ્યો


આ હોટેલનું સંચાલન કરતી કંપની ફેરમોન્ટ હોટેલ્સ ઍન્ડ રિસૉર્ટ્સે જણાવ્યું હતું કે હોટેલની માલિકીમાં ફેરફાર થયા છે પરંતુ કંપનીએ આ સોદાની વધુ વિગતો આપવાનું ટાળ્યું હતું.

ફેરમોન્ટ હોટેલ્સ ઍન્ડ રિસૉર્ટ્સના પબ્લિક રિલેશન્સ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર લોરી હૉલૅન્ડે ઈ-મેઇલ દ્વારા પીટીઆઇને આપેલા જવાબમાં જણાવ્યું હતું કે ‘ફેરમોન્ટ દ્વારા સંચાલિત હોટેલ પ્લાઝાના માલિકીપણામાં તાજેતરમાં ફેરફાર થયા હતા. અત્યારે આ હોટેલની માલિકી સહારા ઇન્ડિયા પરિવાર અને કિંગ્ડમ હોલ્ડિંગ કંપની તથા પેરન્ટ કંપની ફેરમોન્ટ રેફલ્સ હોટેલ્સ ઇન્કના શૅરહોલ્ડર પાસે છે.’

આ વિશે સંપર્ક સાધવામાં આવતાં સહારા ઇન્ડિયા પરિવારના પ્રવક્તાએ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. પ્લાઝા હોટેલનું સંચાલન ફેરમોન્ટ હોટેલ્સ ઍન્ડ રિસૉર્ટ્સ પાસે જળવાઈ રહેશે. હૉલૅન્ડે કહ્યું હતું કે આ હોટેલની સફળતાને આગળ વધારવા માટે અમે નવા માલિકો સાથે કામ કરી રહ્યા છીએ. આ સોદાની વધુ વિગતો વિશે પૂછવામાં આવતાં હૉલૅન્ડે કહ્યું હતું કે ‘ફેરમોન્ટ હોટેલ્સ ઍન્ડ રિસૉર્ટ્સ આ હોટેલની ઑપરેટર છે અને આથી અમારા માલિકોની બિઝનેસ વિગતો વિશે અમે ટિપ્પણી ન કરી શકીએ.’