શૅરબજારમાં કરવી પડે તલાશ!

03 December, 2012 07:04 AM IST  | 

શૅરબજારમાં કરવી પડે તલાશ!




(શૅરબજારની સાદી વાત - જયેશ ચિતલિયા)

તાજેતરમાં રિલીઝ થયેલી આમિર ખાનની ફિલ્મ ‘તલાશ’માં અભિનેતાએ સત્ય સુધી પહોંચવા કેવી તલાશ કરવી પડે છે, કેટલા ઊંડા ઊતરવું પડે છે, કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એ ફિલ્મરસિકો કે આમિર ખાનના ચાહકોએ જોયું હશે અથવા હવે જોશે. શૅરબજારમાં પણ સારા-મજબૂત શૅરો સુધી તેમ જ એના સત્ય સુધી પહોંચવા તલાશ કરવી પડતી હોય છે. એ માટે ઊંડા ઊતરવું પડે, અભ્યાસ કરવો પડે અને મુશ્કેલીમાંથી પણ પસાર થવું પડે છે. સારી સફળતા કે સંપન્નતા આસાનીથી મળી જતી નથી. અહીં આપણે શૅરબજારમાં કઈ રીતે સારા શૅરોની અને એના સત્યની તલાશ કરવી પડે એ સમજવાનો પ્રયાસ કરીએ.

સારા શૅરો એટલે?

સારા શૅરો એટલે સારી કંપની. સારી કંપની એટલે સારી અને મજબૂત કામગીરી ધરાવતી વિકાસલક્ષી કંપની પ્લસ સારી મૅનેજમેન્ટ અને સારા પ્રમોટરો. પોતાના રોકાણ નિર્ણયને સફળ બનાવવા માટે આટલાં સારાં તત્વો જરૂરી છે. આ સારી કંપનીઓને શોધવા માટે એનો અભ્યાસ આવશ્યક છે. આ અભ્યાસ કરવા માટેના ડેટા-આંકડા-માહિતી શૅરબજારની વેબસાઇટ પરથી, રિસર્ચ હાઉસિસ પાસેથી, બ્રોકરોનાં સાધનો પાસેથી, નિષ્ણાતો અને ઍનલિસ્ટો પાસેથી મળે છે. સ્ટૉક એક્સચેન્જની સાઇટ પરથી આ દરેક માહિતી વિનામૂલ્ય મળે છે. જોકે એ શોધવા માટેનો સમય તમારે કાઢવો પડે, બાકી આંકડાઓ જોયા પછી ઘણો અંદાજ આવી શકે છે. જ્યાં ન સમજાય ત્યાં નિષ્ણાતો મદદે આવી શકે છે. અખબારો-સામયિકોમાં ભરપૂર માહિતી ઠલવાતી રહેતી હોય છે. પરિણામે સારા શૅરો સુધી પહોંચવા આટલી તસ્દી તો લેવી જ પડે.

હીરાની શોધ કઈ રીતે?

શૅરબજારના ઇન્વેસ્ટમેન્ટ ગુરુ ગણાતા રાકેશ ઝુનઝુનવાલાના મત મુજબ હીરો જ્યારે કોલસાની અવસ્થામાં હોય ત્યારે એને ઓળખી લેવો જોઈએ. એમ શૅર જ્યારે હીરો બનવાની સંભાવનાના તબક્કે હોય ત્યારે એને ઓળખી લેવાય તો ખરું સંપત્તિસર્જન થઈ શકે. વાત અહીં પણ તલાશની જ છે. આવા હીરાની સંભાવના ધરાવતા શૅરોને શોધવા સતત રિસર્ચ ચાલતું રહેતું હોય છે. જો તમે સામાન્ય રોકાણકાર તરીકે આ કામ ન કરી શકતા હો તો તમે ચોક્કસ ફી ભરીને આવી સેવા આપતા નિષ્ણાતોની સલાહ લઈ શકો, એવા બ્રોકર પાસે અકાઉન્ટ ખોલાવી શકો. પરંતુ આ કાર્ય થોડીઘણી વિવેકબુદ્ધિથી તમે પણ કરી શકો છો. હા, ફરી એ જ કહેવાનું કે સમય આપવો પડે.

ક્યાંથી મળે માહિતી-નર્દિેશ?

આ કાર્ય કઈ રીતે કરી શકાય એ વિશે કેટલાંક સત્યને સમજીએ. અગાઉ કહ્યું એમ વિવિધ સાધનો-સ્રોત મારફત હવે કોઈ પણ લિસ્ટેડ કંપનીની કામગીરી વિશે માહિતી મેળવી શકાય છે. સ્ટૉક એક્સચેન્જની વેબસાઇટ પર આ બધી માહિતી ઉપલબ્ધ હોય છે જેમાંથી તમે કંપનીની કામગીરી-વેચાણ-ટર્નઓવર, નફો, માર્જિન, અર્નિંગ પર શૅર (શૅરદીઠ આવક), શૅરહોલ્ડિંગ પૅટર્ન એટલે કે કંપનીમાં અન્ય કોનું-કોનું રોકાણ છે એની વિગત મેળવી શકો છો. આ બધા જ આંકડાઓની કન્સિસ્ટન્સી જુઓ. એમાં દર વરસે કેટલી વૃદ્ધિ થાય છે એ જાણો. કંપનીના સેક્ટરની સ્થિતિ જાણો જેના આધારે ભાવિનો અંદાજ મૂકી શકાય. કંપનીના પ્રમોટરોનો ટ્રૅકરેકૉર્ડ જાણો. આ ઉપરાંત કંપનીમાં પ્રમોટરો સહિત કોનું કેટલું રોકાણ છે એની માહિતી મેળવી લો. જો પ્રમોટરોનું રોકાણ ખૂબ જ ઓછું હોય તો એની સામે શંકા કરી શકાય. એમાં વિદેશી રોકાણકારો, મ્યુચ્યુઅલ ફન્ડ્સ, નાણાંસંસ્થાઓનું પણ રોકાણ હોઈ શકે. આ શૅરના ભાવની વરસ દરમ્યાન કેટલી વધ-ઘટ થાય છે એ જાણી શકાય છે. અર્થાત્ વરસમાં શૅરનો ભાવ ઊંચામાં કેટલો થયો કે નીચામાં ક્યાં સુધી ગયો એ સમજી શકાય છે. એના આધારે શૅરની ભાવિ ચાલ અંદાજી શકાય છે.

લોકલથી ગ્લોબલ પર નજર

બજારની કે શૅરના સત્યની તલાશ માટે રોકાણકારોએ ગ્લોબલ માર્કેટ તથા ટ્રેન્ડ પર સતત નજર રાખવી જરૂરી બને છે. એફઆઇઆઇ (ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ)ની ખરીદી-વેચાણ પર પર નિરીક્ષણ રાખવું આવશ્યક બને છે, કારણ કે આ બાબતો પર આપણી બજાર બહુ મોટો આધાર રાખે છે. આ વૈશ્વિક પરિબળો ઉપરાંત રોકાણકારોએ દેશની ઇકૉનૉમીની કામગીરી, ફન્ડામેન્ટલ્સ, રિઝર્વ બૅન્કની નાણાનીતિ, મોંઘવારી, રાજકીય સંજોગો, આર્થિક નર્ણિયોની દિશા અને દશા જેવી બાબતો પણ ધ્યાનમાં લેવાની હોય છે. ફરી એ યાદ રાખવું જોઈશે કે આ બાબતોનો તાલ ટીવી સમાચારો, અખબારો, એક્સચેન્જની વેબસાઇટ્સ વગેરે માધ્યમો મારફત સતત ઉપલબ્ધ થતો રહે છે. જોકે લાંબા ગાળાના વ્યૂહ સાથે રોકાણ કરનારે દૃષ્ટિ પણ લાંબી રાખવી પડે અને શૉર્ટ ટર્મ માટે રોકાણ કરનારે ટૂંકા ગાળાનો વ્યૂહ લેવો પડે.

ગેરવાજબી પ્રવૃત્તિઓ સામે સાવધ

રોકાણકારોએ શૅરબજારમાં સત્યની શોધ માટે બજારમાં ચાલતી ગેરવ્યાજબી કે કૌભાંડ-ગેરરીતિની પ્રવૃત્તિઓ સામે પણ સાવધ રહેવું પડે છે. બજારમાં કોઈ અફવા ચાલતી હોય, કોઈ પ્રાઇસ-રિગિંગ (કૃત્રિમ ભાવ ઉછાળાની) ઍક્ટિવિટી કરતું હોય, પ્રાઇસ મૅનિપ્યુલેશન કરતું હોય, ટિપ્સ ફેલાવીને કોઈ વળી રોકાણકારોને આકર્ષવાની ચાલ અજમાવતું હોય, કોઈ સક્યુર્લર ટ્રેડિંગ ચલાવીને રોકાણકારોને ફસાવવાની જાળ રચી રહ્યું હોય તો ઇન્વેસ્ટરોએ તેના પ્રત્યે પોતાની કાળજી કેળવવી પડે છે. પોતે એમાં ફસાય નહીં એટલા સાવચેત રહેવું પડે છે. સત્ય માટે સાવધાની વર્તવી પાયાની બાબત બની જાય છે. આ બાબતો નરી આંખે દેખાતી કે સીધી સમજાતી નથી કિન્તુ એને સમજવા, એનાથી સાવધ રહેવા રોકાણકારોએ બારીક નજર અને ગહન દૃષ્ટિ રાખવી જરૂરી બને છે.

તેજીના પ્રવાહમાં તણાઈ ન જતા

ગયા સપ્તાહમાં સેન્સેક્સે ૧૯ હજારની સપાટી વટાવીને તેજીનો નવો કરન્ટ બતાવ્યો છે. બજાર એક જ સપ્તાહમાં આશરે સાડાઆઠસો પૉઇન્ટ વધી ગયું. જોકે એફઆઇઆઇની સતત ખરીદી તેમ જ અન્ય પૉઝિટિવ પરિબળો કેટલાક નેગેટિવ સમાચાર વચ્ચે પણ વધુ કામ કરી ગયાં છે. જોકે આ વધારાના સંકેત અને આશાનો ફાળો મોટો છે, નક્કર ઓછું છે. એથી રોકાણકારોએ આ પ્રવાહમાં તણાઈ જવાને બદલે સાવચેત અને સિલેક્ટિવ બનીને જ આગળ વધવું બહેતર રહેશે. વધારામાં નફો બુક કરવાનો અને ઘટાડામાં ખરીદવાનો અભિગમ રાખવો જોઈશે.