ફેડરલ રિઝર્વની મીટિંગ પૂર્વે સાવચેતીભર્યા વલણથી બજારમાં મર્યાદિત વૃદ્ધિ

14 September, 2012 07:25 AM IST  | 

ફેડરલ રિઝર્વની મીટિંગ પૂર્વે સાવચેતીભર્યા વલણથી બજારમાં મર્યાદિત વૃદ્ધિ



(શૅરબજારનું ચલકચલાણું)

બજારની અપેક્ષા મુજબ ગઈ કાલે બજારમાં મર્યાદિત સુધારો જોવા મળ્યો હતો, કારણ કે ભારત સહિત વિશ્વનાં બધાં જ બજારો અમેરિકાના ફેડરલ રિઝર્વની મીટિંગના નિર્ણયની રાહ જોઈ રહ્યાં છે એને કારણે ગ્લોબલ માર્કેટ્સ પણ કન્સોલિડેશનમાં છે. ફેડરલ રિઝર્વ ઇકૉનૉમીના રિવાઇવલ માટે સ્ટિમ્યુલસ પૅકેજ અથવા તો બૉન્ડ બાઇંગ પ્રોગ્રામની જાહેરાત કરશે એવી આશા છે.

ફેડરલ રિઝર્વની મીટિંગ પૂર્વે સાવચેતીભર્યા વલણને પગલે ગઈ કાલે ભારતીય બજારોમાં મોટો સુધારો જોવા નહોતો મળ્યો. જોકે એક બાબત સારી છે કે સેન્સેક્સ ૧૮,૦૦૦ પૉઇન્ટ્સની ઉપર જ બંધ આવ્યો છે. મુંબઈ શૅરબજારનો સેન્સેક્સ ગઈ કાલે ૧૮૦૨૩.૯૫ના લેવલે ખૂલ્યો હતો. દિવસ દરમ્યાન વધીને ઊંચામાં ૧૮૦૬૨.૬૮ અને ઘટીને નીચામાં ૧૭,૯૭૬.૨૮ના લેવલે પહોંચ્યો હતો. છેલ્લે ૨૧.૧૩ વધીને ૧૮,૦૨૧.૧૬ બંધ રહ્યો હતો. નિફ્ટી માત્ર ૪.૩૫ વધીને ૫૪૩૫.૩૫ બંધ રહ્યો હતો. મિડ કૅપ ઇન્ડેક્સ ૧૧.૩૯ ઘટીને ૬૧૯૦.૨૦ અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૧૬.૫૪ ઘટીને ૬૫૯૩.૫૪ બંધ રહ્યો હતો. જો અમેરિકન ફેડરલ રિઝર્વ કોઈ પૉઝિટિવ નિર્ણય લેશે તો આજે વૈશ્વિક બજારોની સાથે-સાથે ભારતીય બજારોમાં પણ સુધારો જોવા મળવાની અપેક્ષા છે. બજારે હવે વૃદ્ધિ માટે વૈશ્વિક પરિબળો પર જ આધાર રાખવો પડે એમ છે, કારણ કે અત્યારે તો સ્થાનિક હકારાત્મક પરિબળની શક્યતા ઘણી જ ઓછી છે.

૨૪ કંપનીના શૅર સર્વોચ્ચ લેવલે

ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૨૪ કંપનીના શૅરના ભાવ વધીને છેલ્લા એક વર્ષના ઊંચા સ્તરે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં ગ્લેક્સો સ્મિથક્લાઇન કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, કોલગેટ પામોલિવ, ગૃહ ફાઇનૅન્સ, સિમ્ફની લિમિટેડ, ટીસીએસ વગેરેનો સમાવેશ છે. ૧૬ કંપનીના શૅર્સના ભાવ ઘટીને છેલ્લા એક વર્ષના નીચા લેવલે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં સૂર્યા ફાર્મા, બારટ્રોનિક્સ, બિરલા પૅસિફિક મેડસ્પા, વિનાયક પોલિકૉન વગેરેનો સમાવેશ છે. ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૧૨૫૮ કંપનીના શૅરના ભાવ વધ્યા હતા. ૧૫૯૧ના ઘટ્યા હતા. માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહી હતી.

સેક્ટરલ ઇન્ડાઇસિસ

મુંબઈ શૅરબજારનાં ૧૩ સેક્ટરલ ઇન્ડાઇસિસમાંથી ગઈ કાલે ૮ ઇન્ડાઇસિસ વધ્યાં હતાં અને પાંચમાં ઘટાડો થયો હતો. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ સૌથી વધુ ૪૧.૮૩ વધીને ૯૭૦૫.૧૯ બંધ રહ્યો હતો. પીએસયુ ઇન્ડેક્સ ૩૮.૫૮, ઑઇલ ઍન્ડ ગૅસ ૩૬.૯૨ અને એફએમસીજી ઇન્ડેક્સ ૩૧.૧૬ વધ્યા હતા. હેલ્થકૅર ઇન્ડેક્સ સૌથી વધુ ૮૮.૯૩ ઘટીને ૭૬૧૬.૪૧ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૭માંથી ૧૨ કંપનીના ભાવ ઘટ્યા હતા. લુપિન લિમિટેડનો ભાવ સૌથી વધુ ૩.૧૯ ટકા ઘટીને ૫૯૯.૨૦ રૂપિયા બંધ રહ્યો હતો. બાયોકૉનનો ભાવ ૨.૯૬ ટકા, ગ્લેક્સો સ્મિથક્લાઇન ફાર્માનો ૨.૫૬ ટકા અને સિપ્લાનો ૨.૪૪ ટકા ઘટ્યો હતો. અપોલો હૉસ્પિટલનો ભાવ સૌથી વધુ ૨.૭૧ ટકા વધીને ૬૭૪.૬૦ રૂપિયા બંધ રહ્યો હતો.

એમસીએક્સ

એમસીએક્સનો ભાવ ૫.૦૪ ટકા વધીને ૧૨૫૫.૧૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૧૨૭૧.૮૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૧૧૯૯.૪૦ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. છેલ્લાં બે સપ્તાહમાં સરેરાશ દૈનિક ૦.૨૫ લાખ શૅર્સના ટ્રેડિંગ સામે ગઈ કાલે ૧.૪૬ લાખ શૅર્સનું ટ્રેડિંગ થયું હતું. કુલ ટર્નઓવર ૧૮.૧૧ કરોડ રૂપિયા રહ્યું હતું. એમસીએક્સ દ્વારા પ્રમોટ કરવામાં આવેલા સ્ટૉક એક્સચેન્જ એમસીએક્સ-એસએક્સને ઇક્વિટી અને ડેરિવેટિવ્ઝના કામકાજ માટે મંજૂરી મળી છે. સ્ટૉક એક્સચેન્જે મેમ્બરશિપ માટેની કામગીરી શરૂ કરી દીધી છે.

આઇનૉક્સ લીઝર

આઇનૉક્સ લીઝરનો ભાવ ૫.૨૭ ટકા વધીને ૬૧.૯૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૬૪.૫૫ રૂપિયા અને ઘટીને નીચામાં ૫૮.૮૫ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ૬.૫૯ શૅરનું ટ્રેડિંગ થયું હતું. ટર્નઓવર ૪.૧૧ કરોડ રૂપિયા રહ્યું હતું. ફેમ ઇન્ડિયાનો ભાવ ૪.૯૫ ટકા વધીને ૪૭.૭૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૪૭.૭૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૪૫.૫૦ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ૧૯૮૭ શૅર્સનું ટ્રેડિંગ થયું હતું. ટર્નઓવર ૦.૯૨ લાખ રૂપિયા રહ્યું હતું. આઇનૉક્સ લીઝરમાં ફેમ ઇન્ડિયા અને એની સબસિડિયરીના અમૅલ્ગમેશનને બન્ને કંપનીના ર્બોડે મંજૂરી આપી દીધી છે. ફેમ ઇન્ડિયાના શૅરહોલ્ડરોને ૮ ઇક્વિટી શૅર્સ સામે આઇનૉક્સ લીઝરના પાંચ ઇક્વિટી શૅર્સ મળશે.

ગોદરેજ પ્રૉપર્ટીઝ

ગોદરેજ પ્રૉપર્ટીઝનો ભાવ ૧.૨૭ ટકા વધીને ૫૪૭.૫૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૫૬૧ રૂપિયા અને ઘટીને નીચામાં ૫૩૭ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ૨૯,૨૧૫ શૅર્સનું ટ્રેડિંગ થયું હતું. ટર્નઓવર ૧.૬૧ કરોડ રૂપિયા રહ્યું હતું. કંપનીએ ગુડગાંવમાં ૨૧ એકર વિસ્તારમાં હાઉસિંગ પ્રોજેક્ટ લૉન્ચ કર્યો છે, જેમાં ૧૨૦૦ ફ્લૅટ્સ હશે. બુકિંગના પ્રથમ દિવસે જ ૧૦ લાખ ચોરસ ફૂટ કરતાં વધુ સ્પેસનું વેચાણ થયું હતું. આ પ્રોજેક્ટમાંથી આગામી પાંચ વર્ષમાં ૧૨૦૦ કરોડ રૂપિયાની રેવન્યુની અપેક્ષા છે.

પૅન્ટૅલૂન રીટેલ

પૅન્ટૅલૂન રીટેલ (ઇન્ડિયા)નો ભાવ ૨.૩૫ ટકા ઘટીને ૧૪૭.૪૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૧૫૧.૯૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૧૪૫.૮૦ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ૪.૬૧ લાખ શૅર્સનાં કામકાજ થયાં હતાં. ટર્નઓવર ૬.૮૨ કરોડ રૂપિયા રહ્યું હતું. આજે મળનારી કૅબિનેટની મીટિંગમાં મલ્ટિબ્રૅન્ડ રીટેલમાં સીધા વિદેશી રોકાણને મંજૂરી આપવાનો મુદ્દો એજન્ડા પર નથી એવી કૉમર્સ મિનિસ્ટરની જાહેરાતને કારણે શૅરનો ભાવ ઘટ્યો હતો.

એફઆઇઆઇની લેવાલી

મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે એફઆઇઆઇની કુલ ખરીદી ૨૦૦૧.૬૧ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૧૬૪૦.૧૩ કરોડ રૂપિયા અને ચોખ્ખી ખરીદી ૩૬૧.૪૮ કરોડ રૂપિયા જોવા મળી હતી. સ્થાનિક ફન્ડોની કુલ ખરીદી ૮૫૧.૯૫ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૧૦૦૮ કરોડ રૂપિયા અને ચોખ્ખી વેચવાલી ૧૫૬.૦૫ કરોડ રૂપિયા રહી હતી.

ઍરલાઇન્સ શૅરો

આજે મળનારી કૅબિનેટની મીટિંગમાં સરકાર ભારતીય ઍરલાઇન્સ કંપનીઓમાં વિદેશી ઍરલાઇન્સ કંપનીઓને ૪૯ ટકા જેટલો હિસ્સો ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપશે એવી અપેક્ષાએ ગઈ કાલે ઍરલાઇન્સ કંપનીઓના શૅરના ભાવ વધુ વધ્યા હતા. જેટ ઍરવેઝ ઇન્ડિયાનો ભાવ ૨.૨૨ ટકા વધીને ૩૬૧.૨૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ ઊંચામાં ૩૬૨.૫૦ રૂપિયા અને નીચામાં ૩૫૦ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. સ્પાઇસ જેટનો ભાવ ૪.૫૯ ટકા વધીને ૩૩.૦૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ ઊંચામાં ૩૩.૨૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૩૧.૬૦ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. કિંગફિશર ઍરલાઇન્સનો ભાવ ૫.૩૬ ટકા વધીને ૧૦.૦૨ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ ઊંચામાં ૧૦.૧૪ રૂપિયા અને નીચામાં ૯.૪૪ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. બુધવારે પણ સ્પાઇસ જેટનો ભાવ ૭.૧૨ ટકા, જેટ ઍરવેઝનો ૫.૦૪ ટકા અને કિંગફિશર ઍરલાઇન્સનો ભાવ ૭.૮૨ ટકા વધ્યો હતો.


પીએસયુ = પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ, એફએમસીજી = ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ, ટીસીએસ = તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ, એફઆઇઆઇ = ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર, એમસીએક્સ-એસએક્સ = મલ્ટિ કૉમોડિટી એક્સચેન્જ-સ્ટૉક એક્સચેન્જિ