પાણી વગરની સરકારથી બજારની નારાજગી વધશે

09 December, 2011 08:14 AM IST  | 

પાણી વગરની સરકારથી બજારની નારાજગી વધશે


(શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ)

રીટેલ ક્ષેત્રે એફડીઆઇને સીધા વિદેશી રોકાણના મામલે મોટા ઉપાડે જાહેરાત કરનારી યુપીએ સરકાર ફરી આરંભે શૂરી પુરવાર થઈ અને સરકારે અર્થકારણના મુકાબલે રાજકારણને અગ્રિમતા આપી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાનું વધુ પસંદ કર્યું છે, એથી દોઢ-બે વર્ષથી આર્થિક સુધારાના મામલે ઉદાસીનતા હવે દૂર થશે અને સરકાર ફરી હરકતમાં આવશે એવી જાગેલી આશા પર પાણી

ફરી વળ્યું છે. આ સ્થિતિ વિદેશી રોકાણકારો કે પછી વેપારજગતને માફક ન જ આવે. શૅરબજારે તેનો ત્વરિત પ્રતિભાવ આપવાનું ગઈ કાલથી શરૂ કરી દીધું હતું. બજારમાં મોટા ને ટકાઉ સુધારાની હમણાં કોઈ શક્યતા દેખાતી નથી.

બધું જ લાલ

સેન્સેક્સ શરૂથી જ નીચે ગૅપમાં ખૂલ્યો હતો અને આખો દિવસ માઇનસ ઝોનમાં હતો. ઇન્ટ્રા-ડેમાં એ ૪૫૬ પૉઇન્ટ ગગડી નીચામાં ૧૬,૪૨૧ થયો હતો. બજારનું માર્કેટ કૅપ ગઈ કાલે ૧.૧૬ લાખ કરોડની ખુવારીમાં ૫૭.૫૪ લાખ કરોડ રૂપિયાએ આવી ગયું હતું. સેન્સેક્સના ૩૦માંથી ૨૫ શૅર તથા બજારના તમામ ૨૧ ઇન્ડેક્સ માઇનસમાં હતા. ખાસ્સી નેગેટિવ માર્કેટ બ્રેડ્થમાં ૮૪૨ શૅર વધેલા હતા. એના બમણાંથીયે વધુ ૧૯૧૦ શૅર ડાઉન હતા. એ ગ્રુપની ૮૫ ટકા જાતો ઘટેલી હતી. ૧૫૩ સ્ક્રિપ્સમાં ઉપલી સર્કિટ લાગી હતી તો ૧૯૯ શૅર મંદીની સર્કિટે બંધ હતા. ખરાબ બજારમાં પણ યુનાઇટેડ બ્રુઅરીઝ ૯.૩ ટકા ઊછળીને ૪૭૫ રૂપિયા બંધ સાથે એ ગ્રુપમાં ટૉપ ગેઇનર હતો. રામકો સિસ્ટમ્સ ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૭૨ રૂપિયા પ્લસ બંધ હતો. સહારા વન, જીએસ ઑટો, કાર્નેક્સ માઇક્રો, બાયોફિલ કૅપિટલ્સ, કાલિન્દી રેલ નર્મિાણ, ઝેનિથ કમ્પ્યુટર જેવાં કાઉન્ટર ૧૦થી ૧૩ ટકા જમ્પમાં હતાં.

પાંચ શૅરોનો ફાળો ૨૧૫ પૉઇન્ટ

સેન્સેક્સના ૩૮૯ પૉઇન્ટના ધબડકામાં પાંચ શૅરનો ફાળો ૨૧૫ પૉઇન્ટનો હતો, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (૬૬ પૉઇન્ટ), લાર્સન (૪૬ પૉઇન્ટ), આઇટીસી (૪૨ પૉઇન્ટ), આઇસીઆઇસી બૅન્ક (૩૩ પૉઇન્ટ) તથા એચડીએફસી બૅન્ક (૨૮ પૉઇન્ટ) સામેલ હતા. બુધવારે ચારેક ટકાની તેજી દર્શાવનાર વિપ્રો ગઈ કાલે ૨.૪ ટકા વધીને ૪૧૩ રૂપિયા બંધ હતો. સેન્સેક્સના અન્ય વધેલા શૅરમાં સન ફાર્મા, સિપ્લા, તાતા પાવર તથા બજાજ ઑટોનો સમાવેશ થતો હતો. જોકે આ સુધારો સામાન્ય હતો. સન ફાર્મા અલબત, દોઢ ટકા વધ્યો હતો. ટીસીએસ પોણાબે રૂપિયા ઘટીને ૧૧૭૮ રૂપિયા બંધ હતો. સામે ઇન્ફોસિસ ૨૯ રૂપિયા કે એક ટકાથી વધુની નબળાઈમાં ૨૭૨૩ રૂપિયા રહ્યો હતો. પાવર તથા મેટલ ઇન્ડેક્સ ત્રણ ટકા ડાઉન હતા. બૅન્કેક્સ ૨.૭ ટકા, પીએસયુ ઇન્ડેક્સ ૨.૪ ટકા અને એફએમસીજી બેન્ચમાર્ક ૧.૮ ટકા નરમ હતા. બુધવારની સર્વાધિક નબળાઈ પછી હેલ્થકૅર ઇન્ડેક્સ ગઈ કાલે સૌથી ઓછા એવા ૦.૪ ટકાના ઘટાડામાં બંધ હતો.

અંબાણી બ્રધર્સના શૅર લથડ્યા

ગઈ કાલે અંબાણીઓના શૅરો મોટા પ્રમાણમાં વધુ ભારે નીવડ્યા હતા. સેન્સેક્સના ૨.૩ ટકાની સામે તેમના શૅર બમણાથીયે વધુ ધોવાય છે. અનિલ ગ્રુપની આર. કૉમ પોણાછ ટકાથી વધુની ખરાબીમાં ૭૫.૬૦ રૂપિયા તથા રિલાયન્સ કૅપિટલ ૫.૭ ટકા તૂટીને ૨૯૧ રૂપિયા બંધ હતો. રિલાયન્સ ઇન્ફ્રા ૪.૯ ટકાના ગાબડામાં ૩૯૮ રૂપિયાની નીચે રહ્યો હતો. રિલાયન્સ મિડિયા સવાત્રણ ટકાની નબળાઈમાં ૮૩ રૂપિયા તો રિલાયન્સ પાવર ૩.૬ ટકા ખરડાઈને ૮૪ રૂપિયાની અંદર બંધ હતો. મુકેશ અંબાણી ગ્રુપનો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ટ્રા-ડેમાં ૭૭૩ રૂપિયાની બૉટમ બનાવી છેલ્લે પોણાચાર ટકાના લૉસમાં ૭૭૯નો બંધ આવ્યો હતો. અન્ય ગ્રુપકંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ૩.૮ ટકાના ઘટાડે ૩૬૫ રૂપિયા જેવો બંધ હતો. મુકેશ અંબાણીના ગોઠિયા આનંદ જૈનની જય કૉર્પ સાડાછ ટકા તૂટીને ૬૯ રૂપિયા રહી હતી.

ફુગાવો ડાઉન, વ્યાજદર ઘટશે?

જથ્થાબંધ ભાવાંકની રીતે ૨૬ નવેમ્બરના અંતે પૂરા થયેલા સપ્તાહમાં ફૂડ ઇન્ફલેશન ૬.૬ ટકા રહ્યો છે, જે એના અગાઉના સપ્તાહે આઠ ટકા હતો. પ્રાઇમરી આર્ટિકલ્સના કિસ્સામાં ફુગાવાનો દર ઉક્ત ગાળામાં પોણાઆઠ ટકાથી ઘટીને ૬.૯ ટકા નોંધાયો હતો. ફૂડ ઇન્ફ્લેશનમાં કામે લાગેલો ઘટાડો સરકાર સહિત સૌ કોઈ માટે હાલમાં મોટી રાહત ગણાવી શકાય. હવે રિઝર્વ બૅન્ક શું પ્રતિભાવ આપે છે એના પર બધાની નજર છે. ૨૦ મહિનામાં વ્યાજદરમાં ૧૩ વખત વધારો કર્યા બાદ રિઝર્વ બૅન્ક આ વખતે પોરો ખાશે એવી સાર્વત્રિક ધારણા ફુગાવાના તાજેતરના આંકડા પછી વધુ વજૂદવાળી બને છે.