સપ્તાહમાં છ ટકા વધી સેન્સેક્સે ચોમેર ઝગમગાટ પ્રસરાવ્યો

29 October, 2011 09:34 PM IST  | 

સપ્તાહમાં છ ટકા વધી સેન્સેક્સે ચોમેર ઝગમગાટ પ્રસરાવ્યો


શૅરબજારનું ચલકચલાણું - કનુ જે. દવે

 

યુરોપમાં ગ્રીસનું ગૂંચવાયેલું આર્થિક કોકડું ઉકેલાતાં અને એને ઉગારવા રિલીફ પૅકેજ મંજૂર થતાં વિશ્વભરનાં બજારોએ આપણી દિવાળી આનંદભેર ઊજવી હતી અને નવા વર્ષને જોરદાર ઉછાળાઓથી વધાવ્યું હતું. ગઈ કાલે આ વૈશ્વિક ઉન્માદને પગલે આપણાં બજાર પણ કૅચ-અપ ઇફેક્ટમાં મોટા ગૅપથી ઉપર ખૂલ્યાં હતાં અને મેઇન્ટેન કરીને જ બંધ રહ્યાં હતાં.


૫૨૦૧.૮૦ના સ્તરે મુરતમાં બંધ રહેલો બ્રૉડબેઝ્ડ નિફ્ટી આંક ગઈ કાલે ગૅપથી ૫૩૪૧.૯૦ની સપાટીએ ખૂલીને ૫૩૯૯.૭૦ અને ૫૩૨૨.૮૦ વચ્ચે રમી ૫૩૬૦.૭૦ બંધ રહેતાં ૩.૦૫ ટકા વધ્યો હતો. ૨૪ નવેમ્બરે પૂર્ણ થનાર નિફ્ટી ફ્યુચર પણ ૫૩૭૬.૫૫ ખૂલી ૫૪૦૨.૭૫ અને ૫૩૪૧.૨૫ની રેન્જમાં ટ્રેડ થઈ ૫૩૮૪.૫૦ બંધ આવતાં લગભગ ૨૪ પૉઇન્ટના પ્રીમિયમમાં આવતાં તેજીતરફી માનસનો નર્દિેશ કરતો હતો. ઓપન ઇન્ટરેસ્ટ ૧૩.૨૧ ટકા વધી ૩,૦૩,૩૫,૪૫૦ થયું હતું.


ટર્નઓવર


મુરતના સોદાના ૨૦,૭૩૭ કરોડના અને મંગળવારના એફ ઍન્ડ ઓના સેટલમેન્ટના દિવસના ૨,૪૮,૮૩૧ કરોડ રૂપિયાના ટર્નઓવર સામે ગઈ કાલે ૯૪,૯૩૮ કરોડ રૂપિયાનું ટર્નઓવર એનએસઈના એફ ઍન્ડ ઓ વિભાગમાં નોંધાયું હતું. આ ત્રણેય દિવસનું નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં કૅશ વિભાગનું ટર્નઓવર અનુક્રમે ૨૧૮૫, ૧૪,૭૯૨ અને ૧૪,૩૨૯ કરોડ રૂપિયા થયું હતું. જોકે બજાર સારા એવા ગૅપથી ખૂલીને ઉપર જ ટ્રેડ થવાને કારણે તેમ જ વેકેશન જેવા માહોલની અસરે ટર્નઓવર થોડું ઓછું થયું હતું. મુંબઈ શૅરબજારનો સેન્સેક્સ ૫૧૫.૯૭ પૉઇન્ટ એટલે કે ૨.૯૮ ટકા ઊછળી ૧૭,૮૦૪.૮૦ બંધ રહ્યો હતો.


તેરેતેર સેક્ટરલ આંક પ્લસ


મુંબઈ શૅરબજારના તેરેતેર સેક્ટરલ આંક પ્લસ હતા. એમાં આગેવાની સૌથી વધુ પિટાઈ ગયેલા આંકોએ લીધી હતી. આમ મેટલ અને રિયલ્ટી આંક ૬.૩૪ અને ૫.૩૪ ટકા સુધરી ૧૨,૧૪૨.૭૨ તથા ૧૯૨૨.૭૯ના સ્તરે બંધ રહ્યા હતા. કૅપિટલ ગુડ્સ અને બૅન્કેક્સ ૩.૫૬ ટકા અને ૩.૭૩ ટકા વધી ૧૧,૦૩૫.૫૪ તથા ૧૧,૩૭૨.૪૯ બંધ રહ્યા હતા. ઑઇલ ઍન્ડ ગૅસ, પીએસયુ, પાવર અને ઑટો આંક ૨થી ૩ ટકાના પ્રમાણમાં સુધર્યા હતા. કન્ઝ્યુમર ડ્યુરેબલ, ટેક, એફએમજીસી, આઇટી અને હેલ્થકૅર આંક ૦.૧૮થી ૨ ટકાની વચ્ચે સુધર્યા હતા.


દિવાળીમાં મિડ કૅપ, સ્મૉલ કૅપથી મુરત થયું એ લાર્જ કૅપને ગઈ કાલે ફળ્યું હતું. આમ ગઈ કાલે સ્મૉલ કૅપ આંક ૦.૮૮ ટકા સુધરી ૬૯૫૯.૭૩, મિડ કૅપ ૧.૫૧ ટકા વધી ૬૨૭૪.૯૩ અને સેન્સેક્સ ૨.૯૮ ટકા ઊછળી ૧૭,૮૦૪.૮૦ બંધ રહેતાં ફોકસ લાર્જ કૅપ ફ્રન્ટ લાઇન શૅરો પર આવી ગયો હતો.


હિન્દાલ્કોનો ૧૦ ટકાનો હાઈ જમ્પ


સેન્સેક્સની પ્રતિનિધિ જાતોમાં હિન્દાલ્કો ૧૦.૮૮ ટકા અર્થાત્ ૧૩.૯૫ રૂપિયા વધી ૧૪૨.૨૦ બંધ રહ્યો હતો. કંપનીનું સેકન્ડ ક્વૉર્ટરલી રિઝલ્ટ ૧૦ નવેમ્બરે જાહેર થશે. આજનો ઉછાળો તો લંડન મેટલ બજારમાં ગુરુવારે જોવા મળેલા બેઝ મેટલના ઉછાળાનું પ્રતિબિંબ હતું.


તાતા જૂથનો તાતા સ્ટીલ સાડાછ ટકા વધી ૪૮૦.૬૦ રૂપિયા બંધ રહ્યો હતો. યુરોપમાં આ કંપનીની હાજરી છે એથી ઉકેલના સમાચારની સાનુકૂળ અસર જોવા મળી હતી. એ જ કારણસર તાતા મોટર્સ પણ ૭.૩૪ ટકા વધી ૨૦૬.૨૦ થઈ ગયો હતો. આમ ૧૩ સપ્ટેમ્બરે જોવા મળેલા ૧૩૭.૬૫ના તળિયેથી તાતા ટર્સ ૬૦ રૂપિયા સુધરી મન્થ્લી ૨૦૭.૯૦ના હાઈ પર પહોંચ્યો હતો.


ડીએલએફ ૭.૯૫ ટકાના ઉછાળે ૨૪૭.૭૦, આઇસીઆઇસીઆઇ બૅન્ક ૭ ટકા સુધરી ૯૩૨.૯૫, જયપ્રકાશ એસોસિએટ્સ ૭૮.૫૫ થતાં ૭.૯૦ ટકાનો સુધારો, જિન્દાલ સ્ટીલ સાડાસાત ટકા ઊછળી ૫૭૯.૨૫ અને સ્ટરલાઇટ ૮.૮૦ ટકા વધી ૧૩૨.૯૦ થઈ ગયા હતા. આમ સેન્સેક્સની જાતોએ આજે ધૂમ મચાવી હતી.


એશિયામાં તમામ બજાર સુધર્યા


એશિયા-પૅસિફિક પ્રદેશના તમામ ૧૧ આંકો ગઈ કાલે સુધરીને બંધ રહ્યા હતા. જોકે ગુરુવારે આ બજારો ખુલ્લાં હતાં ત્યારે યુરોપના સુધારાની અસર થઈ ગઈ હતી એથી આજનો સુધારો ભારતને બાદ કરતાં ૦.૩૯ ટકાથી ૨.૦૪ ટકાની રેન્જમાં હતો. સિંગાપોરનો સ્ટ્રેઇટ ટાઇમ્સ ૨.૦૪ ટકા સુધરી ૨૯૦૫ રહ્યો હતો. જોકે યુરોપ સુધારો જાળવવાના મૂડમાં ન હતું અને સાંજે સાડાપાંચે રેડમાં હતું.


એફઆઇઆઇની ૨૧૬૬ કરોડની નેટ ખરીદી


ગઈ કાલે મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં વિદેશી નાણાં સંસ્થાઓ (એફઆઇઆઇ)એ ૫૪૯૬.૬૨ કરોડની ખરીદી અને ૩૩૩૦.૪૧ કરોડનું વેચાણ કરતાં નેટ પરચેઝ ૨૧૬૬.૨૧ કરોડ થયું હતું. જોકે સ્થાનિક સંસ્થાઓ નેટ સેલર રહી હતી. તેમણે ૧૨૦૦.૨૫ કરોડનું બાઇંગ અને ૨૨૭૮.૬૬ કરોડનું સેલિંગ કરતાં નેટ ધોરણે ૧૦૭૮.૪૧ કરોડની વેચવાલી રહી હતી.