વૈશ્વિક શૅર અને કૉમોડિટીઝ બજારો નવા તળિયાની શોધમાં

04 October, 2011 08:47 PM IST  | 

વૈશ્વિક શૅર અને કૉમોડિટીઝ બજારો નવા તળિયાની શોધમાં

 

શૅરબજારનું ચલકચલાણું

અનિલ પટેલ

યુરોપ પણ પોણાબે ટકાથી લઈ અઢી ટકા નીચે ચાલતું હતું. સ્ટૅન્ડર્ડ-પુઅર્સનો કૉમોડિટીઝ માટેનો જીએસસીઆઇ-ઇન્ડેક્સ દોઢ ટકાના ગાબડામાં ૧૦ મહિનાના તળિયે ગયો હતો. ડૉલરની સામે યુરોએ આઠ મહિનાની બૉટમ બતાવી હતી. ક્રૂડ વાયદામાં વર્ષની નીચી સપાટી દેખાઈ હતી. તાંબું સાડાત્રણ ટકાથી વધુ ખરાબ થયું હતું. સર્વત્ર ડાઉન-ડાઉનના આ માહોલથી ભારતીય શૅરબજાર સાવ અલિપ્ત રહી શકે ખરું? સેન્સેક્સ સોમવારે ૧.૮ ટકા કે ૩૦૨ પૉઇન્ટની પીછેહઠમાં ૧૬,૧૫૧ થયો હતો. નિફ્ટીએ ૯૪ પૉઇન્ટના ઘટાડામાં ૪૮૪૯નું બંધ આપ્યું હતું. આ સાથે નિફ્ટી સિમ્પલ મૂવિંગ ઍવરેજની રીતે ૩૦ દિવસની ૪૯૭૯ની સપાટીથી વધુ નીચે જતાં આગામી સમય ઑર ખરાબ હોવાનાં એંધાણ મળે છે.

પાંચ ઇન્ડેક્સ વર્ષના તળિયે

ગઈ કાલે સ્મૉલ કૅપ, મિડ કૅપ, કૅપિટલ ગુડ્ઝ, મેટલ તથા પાવર ઇન્ડેક્સ બાવન સપ્તાહની નીચી સપાટીએ ગયા હતા. સેન્સેક્સના ૩૦માંથી બાવીસ શૅર અને બજારના તમામ ૨૧ બેન્ચમાર્ક માઇનસમાં હતા. નેગેટિવ માર્કેટ બ્રેડ્થમાં ૮૭૬ શૅર વધેલા હતા, સામે ૧૯૧૦ જાતો નરમ હતી. ૧૦૦ સ્ક્રિપ્સમાં તેજીની સર્કિટ હતી તો ૨૩૧ શૅર મંદીની સર્કિટે બંધ હતા. સેન્સેક્સની ૧.૮ ટકાની નબળાઈ સામે રિયલ્ટી ઇન્ડેક્સ ૪.૬ ટકા, મેટલ ઇન્ડેક્સ ચાર ટકા, બૅન્કેક્સ ૨.૮ ટકા, કૅપિટલ ગુડ્ઝ ઇન્ડેક્સ ૨.૫ ટકા, મિડ કૅપ ઇન્ડેક્સ ૧.૯ ટકા ધોવાયા હતા. બજારનું માર્કેટ કૅપ ૮૭,૦૦૦ કરોડ રૂપિયા ઘટીને ૫૮.૬૭ લાખ કરોડ રૂપિયા થયું હતું. ઑટો ઇન્ડેક્સ ૦.૪ ટકા, હેલ્થકૅર બેન્ચમાર્ક ૦.૬ ટકા, ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ ૦.૮ ટકા, પીએસયુ ઇન્ડેક્સ ૦.૯ ટકા તથા ટેક્નૉલૉજી ઇન્ડેક્સ ૧.૧ ટકાની નબળાઈ છતાં માર્કેટ આઉટ-પર્ફોર્મર બન્યા હતા.

અનિલ ગ્રુપમાં સુધારો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શૅર અઢી ટકા ઘટીને ૭૮૮ રૂપિયા બંધ રહેતાં સેન્સેક્સને ૪૪ પૉઇન્ટની હાનિ થઈ હતી. આઇસીઆઇસીઆઇ બૅન્ક જોકે ૪.૧ ટકા ડાઉન હોઈ ૫૧ પૉઇન્ટના પ્રદાન સાથે બજારની ખરાબીમાં મોખરે હતો. બજારની સાથે પ્રારંભિક નબળાઈ પછી અનિલ ગ્રુપના શૅર પાછળથી સામા પ્રવાહે રહ્યા હતા. રિલાયન્સ પાવર, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિલાયન્સ કૅપિટલ અને આર. કૉમ પોણા ટકાથી લઈ દોઢેક ટકાની નજીક વધીને બંધ હતા. સીબીઆઇની ક્લીન-ચિટ કદાચ કારણ હોઈ શકે! ક્રૂડની કમજોરી પીએસયુ-ઑઇલ શૅરોને ફળી હતી. ભારત પેટ્રોલિયમ ૫.૩ ટકા, હિન્દુસ્તાન પેટ્રોલિયમ ૩.૬ ટકા, આઇઓસી અઢી ટકા, ગેઇલ ૧.૮ ટકા અને ઓએનજીસી ૧.૧ ટકા અપ હતા. સીબીઆઇની જડતીના અહેવાલમાં જેએસડબ્લ્યુ સ્ટીલ સાચ ટકા અને જિન્દાલ સ્ટીલ છ ટકા તૂટ્યા હતા. સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ સવાબાર ટકાના ગાબડામાં એ ગ્રુપમાં ઘટાડામાં મોખરે હતો. શિપિંગ કૉર્પોરેશન ૯.૬ ટકા અને ડીએલએફ પોણાઆઠ ટકા ડૂબ્યા હતા.

વિશ્વબજારોમાં ધોવાણ જારી

સ્ટૉક્સ યુરોપ-૬૦૦ તથા એમએસસીઆઇ એશિયન-પૅસિફિક ઇન્ડેક્સ સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૨૦ ટકાથી વધુ ધોવાયા છે. આ બન્ને ઇન્ડેક્સ અનુક્રમે યુરોપ તથા એશિયન શૅરબજારો માટેનો એક સર્વસાધારણ માપદંડ ગણાય છે. છેલ્લાં ત્રણ વર્ષમાં આટલો મોટો ઘટાડો પ્રથમ વાર જોવા મળ્યો છે અને ચિંતા એ વાતની છે કે બજારો હજી નવા તળિયાની શોધમાં વધુ નીચે જઈ રહ્યાં છે. ગઈ કાલે એશિયા ખાતે જૅપનીઝ નિક્કી ઇન્ડેક્સ ૧.૮ ટકા, સિંગાપોર શૅરબજાર બે ટકા, હૉન્ગકૉન્ગનો હૅન્ગસેંગ ઇન્ડેક્સ ૭૭૦ પૉઇન્ટ કે ૪.૬ ટકા, તાઇવાનીઝ ત્વેસી ઇન્ડેક્સ ત્રણ ટકા, થાઇલૅન્ડનો સેટ ઇન્ડેક્સ ૫.૪ ટકા, ઇન્ડોનેશિયન શૅરબજાર છ ટકા ડાઉન હતાં. યુરો ડૉલર સામે ગગડીને આઠ મહિનાના તળિયે ગયો હતો. વળી મૅન્યુફૅક્ચરિંગના આંકડા સતત બીજા મહિને પણ ખરાબ આવ્યા હતા. એની અસરમાં યુરોપિયન શૅરબજારો દોઢથી અઢી ટકા નીચે ચાલતાં હતાં. ડાઉ ફ્યુચર્સ તથા નાસ્ડેક ફ્યુચર્સમાંય નબળાઈ જણાતી હતી.

કૉમોડિટીઝમાં કડાકા

વૈશ્વિક અર્થતંત્રની અસ્થિરતા તથા વિકાસ-સંજોગો પર મોટા પ્રશ્નાર્થને લઈ શૅરબજારોની સાથોસાથ કૉમોડિટીઝમાં પણ ઘસારો ચાલુ છે. ૨૧ મુખ્ય કૉમોડિટીઝના વૈશ્વિક ભાવોને આવરી લેતો સ્ટૅન્ડર્ડ-પુઅર્સ જીએસસીઆઇ ઇન્ડેક્સ ગઈ કાલે વધુ દોઢ ટકાની ખરાબીમાં ૫૮૨ પૉઇન્ટ થયો છે, જે ૧ ડિસેમ્બર પછીના ૧૦ મહિનાની બૉટમ છે. સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં આ ઇન્ડેક્સમાં થયેલું ૧૨ ટકાનું ધોવાણ એ ત્રણેક વર્ષની મોટી ઘટના છે. ચાલુ વર્ષના એપ્રિલથી અત્યાર સુધીમાં આ આંક ૨૪ ટકા તૂટ્યો છે. અર્થાત્ બેશક મંદી કહી શકાય. તાંબું સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૨૬ ટકા ઘટ્યા પછી ગઈ કાલે વધુ ૩.૬ ટકા ઘટી લંડનબજારમાં ટનટીઠ ૬૭૬૪ ડૉલર બોલાયું હતું. ક્વૉર્ટરમાં ૧૭ ટકા ગગડેલું ક્રૂડ ગઈ કાલે વધુ ૧.૬ ટકા ડાઉન થયું હતું. જોકે હાજર સોનું સવાબે ટકાના સુધારામાં ટ્રોય ઔંસદીઠ (૩૧.૧૦ ગ્રામ) ૧૬૬૧ ડૉલર તથા ચાંદી સાડાત્રણ ટકાના જમ્પમાં ૩૧ ડૉલર બોલાતી હતી. ન્યુ યૉર્ક બજાર ખાતે વાયદામાં ક્રૂડ બૅરલદીઠ ૭૯ ડૉલરની નીચે ગયું હતું, જે વર્ષનું તળિયું છે.

એફઆઇઆઇની ચોખ્ખી વેચવાલી

મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે એફઆઇઆઇ (ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરો)ની કુલ ખરીદી ૧૬૩૩.૮૨ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૨૪૫૯.૭૧ કરોડ રૂપિયા અને ચોખ્ખી વેચવાલી ૮૨૫.૮૯ કરોડ રૂપિયા જોવા મળી હતી. સ્થાનિક ફન્ડોની કુલ ખરીદી ૧૧૧૨.૮૯ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૮૧૭.૫૧ કરોડ રૂપિયા અને ચોખ્ખી ખરીદી ૨૯૫.૩૪ કરોડ રૂપિયા રહી હતી.