ધનતેરસે સોનાના ભાવ ૨૦ ટકા વધવાની આશા

10 November, 2012 06:32 AM IST  | 

ધનતેરસે સોનાના ભાવ ૨૦ ટકા વધવાની આશા




ગઈ કાલે ૯૯.૯ સોનાનો ભાવ ૧૦ ગ્રામનો ૩૧,૭૫૫ રૂપિયા હતો અને ૯૯.૫ પ્યોરિટી સ્ટાન્ડર્ડ ગોલ્ડનો ભાવ ૩૧,૬૨૫ રૂપિયા બંધ રહ્યો હતો. બૉમ્બે બુલિયનના પૃથ્વીરાજ કોઠારીએ કહ્યું હતું કે ‘આખા વર્ષમાં સૌથી વધુ સોનું ધનતેરસના દિવસે વેચાતું હોય છે, પણ ધનતેરસના દિવસે આ ભાવ ૩૨,૦૦૦ રૂપિયાને ટચ કરી દે એવી શક્યતા છે. એને કારણે લોકો ઓછું સોનું ખરીદશે. અંદાજે ૩૦ ટકા ઓછું સેલ થાય એવી શક્યતા છે.’

જોકે આ સામે એસએમસી કૉમ ટ્રેડના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર ડી. કે. અગ્રવાલે કહ્યું હતું કે ‘દર વર્ષે‍ ધનતેરસના દિવસે માગને કારણે સોનાના ભાવમાં ઉછાળો આવે જ છે અને તો પણ લોકો સોનું ખરીદે જ છે. જોકે આવનારા દિવસોમાં ઘટીને સોનું પાછું ૧૦ ગ્રામના ૩૦,૦૦૦ રૂપિયા સુધી પહોંચી જશે.’

આ બાબતે ગીતાંજલિ ગ્રુપના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર મેહુલ ચોકસીએ કહ્યું હતું કે ‘ઇન્ડિયામાં સોનું ખરીદનારને કદી ઊંચા ભાવ નડતા નથી. અમને આ ધનતેરસે ૧૦ ટકા વધુ સેલ થશે એવું જણાઈ રહ્યું છે.’

પી. પી. જ્વેલર્સના ડિરેક્ટર પવન ગુપ્તાએ કહ્યું હતું કે ‘રવિવારે ધનતેરસના દિવસે સોનાના ભાવમાં વધારો થતો હોવા છતાં અમને સારા ધંધાની આશા છે. સોનાનાં ઘરેણાં તેમ જ સોના-ચાંદીના સિક્કાની ખરીદીમાં લોકો હવે ક્વૉલિટી કૉન્શ્યસ થઈ ગયા હોવાથી હૉલમાર્કવાળી જ્વેલરી લેવાનું વધુ પસંદ કરે છે.’

દુનિયામાં સૌથી વધુ સોનું આપણો દેશ ઇમ્ર્પોટ કરે છે. ગયા વર્ષે‍ ૯૬૯ ટન સોનું આયાત કરવામાં આવ્યું હતું, જે આ વર્ષે‍ ૭૫૦થી ૮૦૦ ટન આયાત થવાની વકી છે.  

તહેવારોની ખરીદીને પગલે સોના-ચાંદીના ભાવ વધ્યા

તહેવારોની ખરીદીને કારણે ગઈ કાલે

સોના-ચાંદીના ભાવમાં વૃદ્ધિ થઈ હતી. ૯૯.૫ ટચ ૧૦ ગ્રામ સોનાના ભાવ ૪૨૦ રૂપિયા વધીને ૩૧,૬૨૦ રૂપિયા અને ૯૯.૯ ટચના ભાવ ૪૨૦ રૂપિયા વધીને ૩૧,૭૫૫ રૂપિયા બંધ રહ્યા હતા. દિલ્હીમાં સોનાના ભાવ ૩૨,૦૦૦ રૂપિયાને ક્રૉસ કરી ગયા હતા. ચાંદીના ભાવ કિલોદીઠ ૯૫૦ રૂપિયા વધીને ૬૧,૨૪૦ રૂપિયા બંધ રહ્યા હતા.