સુપ્રીમ કોર્ટમાં અદાણી પાવરના કેસની અચાનક જ સુનાવણીથી કરોડોનો ફાયદો

17 August, 2019 11:44 AM IST  | 

સુપ્રીમ કોર્ટમાં અદાણી પાવરના કેસની અચાનક જ સુનાવણીથી કરોડોનો ફાયદો

દેશના ટોચના ઍડ્વોકેટ એવા દુષ્યંત દવેએ અદાણી જૂથની બે કંપનીઓના કેસની વેકેશન બેંચ સમક્ષ અચાનક જ કરવામાં આવેલી સુનાવણી સામે સવાલો ઉઠાવતો એક પત્ર ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટના દરેક ન્યાયાધીશને મોકલ્યો છે. આ આઠ પાનાના પત્રમાં ઍડવોકેટ દવે સ્પષ્ટ જણાવે છે કે પોતે કેસની કાયદેસરતા અંગે કે, કોર્ટે આપેલા ચુકાદા અંગે કોઈ પક્ષ રજૂ કરતા નથી પણ જે રીતે કોર્ટમાં કેસની સુનાવણી કરવામાં આવે છે તેના નિયમો છે તેનું છડેચોક ઉલ્લંઘન થયું છે તેની સામે વાંધો ઉઠાવે છે.

દુષ્યંત દવેએ જે બે કેસની સુનાવણીની વાત ઉઠાવી છે તેમાંનો એક કેસ અદાણી પાવરના મુન્દ્રા પ્લાન્ટ સામે ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (જીએમડીસી) અને ગુજરાત એનર્જી રેગ્યુલેટરી કમિશનનો છે. આ કેસની વિગત અનુસાર અદાણીના પાવર પ્લાન્ટને કોલસો આપવામાં જીએમડીસી નિષ્ફળ ગઈ હતી જેના કારણે અદાણી જૂથે પોતાનો વીજળી પૂરી પાડવાનો કરાર ચાલુ રાખવા માટે ખોટ સહન કરી વિદેશથી કોલસાની આયાત કરવી પડી હતી. કંપનીએ ૨૦૦૯માં વીજળીનો કરાર કોલસો નહીં મળતો હોવાથી રદ કર્યો હતો અને ગુજરાત સરકારને દંડ પેટે રૂ. ૧૦૦ કરોડ જમા કરાવી આપ્યા હતા. આ પછી અદાણી મુન્દ્રા પાવર પ્લાન્ટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી વર્ષ ૨૦૦૯થી પ્લાન્ટ ચાલુ રાખી, ખોટ સહન કરીને ગુજરાતને વીજળી આપી તેનું વળતર મેળવવા કેસ કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે તા. ૨૩ મે ૨૦૧૯ના રોજ સુનાવણી (વેકેશન બેંચમાં) પૂર્ણ કરી તા.૨ જુલાઈ ૨૦૧૯ના રોજ પોતાનો ચુકાદો કંપનીની તરફેણમાં કરી ગુજરાત એનર્જી રેગ્યુલેટરી કમિશનને વળતર ચૂકવવા આદેશ કર્યો હતો. પ્રાથમિક અંદાજ અનુસાર અદાણી જૂથને લગભગ રૂ. ૬૫૦૦ કરોડનું વળતર ચૂકવવું પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે.

દુષ્યંત દવેએ કેટલી રકમનો કોર્પોરેટ જગતને ફાયદો થશે એનો ફોડ પોતાના પત્રમાં નથી કર્યો પણ સવાલ ઉઠાવતા લખ્યું છે કે, યોગ્ય પ્રક્રિયા વગર જ સુપ્રીમ કોર્ટના પોતાના નિયમોનું ઉલ્લંઘન કરી આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી છે. પરિણામે માત્ર જાહેર હિત જ નહીં પણ જાહેર કરની આવક અને સુપ્રીમ કોર્ટના ન્યાયતંત્રના વહીવટ સામે પણ જોખમ ઊભું થયું છે. એક મોટા કોર્પોરેટ જૂથનો, રાબેતા મુજબ ચાલતો કેસ વેકેશન દરમ્યાન સુપ્રીમ કોર્ટે જે મગરૂરીથી સાંભળ્યો છે તે પણ વિચલિત કરે તેવી બાબત છે. ઍડવોકેટ દવે વધુમાં સવાલ ઉઠાવે છે કે કોર્ટ રજિસ્ટ્રીએ શું ચીફ જસ્ટિસની આ અંગે મંજૂરી લીધી હતી કે માત્ર પોતાની રીતે જ કેસ જસ્ટિસ મિશ્રાની બેંચને સોંપી દીધો હતો. આ પછી જણાવે છે કે જસ્ટિસ મિશ્રાની બેંચ સમક્ષ આવા કેસની સુનાવણી થવાની નહોતી, કારણ કે સરકારી એજન્સી સામેની અપીલના કેસ કોર્ટ રોસ્ટર અનુસાર જસ્ટિસ એ. કે. સીકરી સમક્ષ જ જવાનો હતો તો આ કેસ જસ્ટિસ મિશ્રા પાસે પહોંચ્યો કેવી રીતે? આ અંગે યોગ્ય તપાસ કરવાની માગણી દુષ્યંત દવેએ પોતાના પત્રમાં કરી છે.

gujarati mid-day business news