સેરેનાને પહેલા જ મુકાબલામાં રાડુકાનુએ હરાવી દીધી

18 August, 2022 12:15 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ટેનિસ-લેજન્ડ હવે ‘નિવૃત્તિ’ પહેલાં ફક્ત યુએસ ઓપન રમશે

સેરેના વિલિયમ્સ

ઇંગ્લૅન્ડની નંબર-વન ટેનિસ ખેલાડી અને ૨૦૨૧માં યુએસ ઓપન જીતેલી ૧૯ વર્ષની એમ્મા રાડુકાનુએ મંગળવારે સિનસિનાટી ખાતેની વેસ્ટર્ન ઍન્ડ સધર્ન ઓપન ટુર્નામેન્ટમાં ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન અને આ મહિને શરૂ થનારી યુએસ ઓપન રમીને સંભવિત નિવૃત્તિ લેનારી ૪૦ વર્ષની સેરેના વિલિયમ્સને ૬-૪, ૬-૦થી હરાવીને તેની ફેરવેલ પહેલાંનો સમયગાળો બગાડ્યો હતો. સેરેના-રાડુકાનુ પહેલી જ વખત સામસામે આવ્યાં હતાં અને એમાં રાડુકાનુએ સ્ટ્રેઇટ સેટથી આસાન વિજય મેળવ્યો હતો. સેરેનાની યુએસ ઓપન પહેલાંની આ છેલ્લી વિમેન્સ ટેનિસ અસોસિએશન (ડબ્લ્યુટીએ) ટુર્નામેન્ટ હતી અને એમાં તેણે વહેલી એક્ઝિટ લેવી પડી.

એ પહેલાં, ઑલિમ્પિક્સની ગોલ્ડ મેડલિસ્ટ બેલિન્ડા બેન્ચિચને બેલ્જિયમની સૉરાના કર્સ્ટેએ ૬-૨, ૩-૭, ૬-૪થી હરાવીને અપસેટ સરજ્યો હતો. અન્ય એક મૅચમાં ચાર ગ્રૅન્ડ સ્લૅમ જીતેલી જપાનની નાઓમી ઓસાકાનો ચીનની શુઆઇ ઝાન્ગ સામે ૬-૪, ૭-૫થી વિજય થયો હતો.

સેરેનાની મૅચ દરમ્યાન તેનો પતિ ઍલેક્સિસ ઓહાનિયન અને તેમની પુત્રી ઍલેક્સિસ ઑલિમ્પિયા ઓહાનિયન જુનિયર ખૂબ નિરાશ જણાયાં હતાં.

સેરેના બની મોટી બહેન વીનસ માટે ઇન્વેસ્ટર

સેરેનાની મોટી બહેન અને અમેરિકાની જાણીતી ટેનિસ ખેલાડી વીનસ વિલિયમ્સ બે વર્ષથી હૅપી વાઇકિંગ નામની વનસ્પતિ-આધારિત સુપરફૂડ પ્રોટીન અને ન્યુટ્રિશન કંપની ચલાવે છે અને સેરેનાએ એમાં મોટા પ્રમાણમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. આ કંપનીના ડેવલપમેન્ટ માટે સેરેના ઉપરાંત બીજા કેટલાક ઍથ્લીટોએ પણ પૈસા રોક્યા છે.

સેરેના માટે ઓસાકા તાળી મારતાં અટકી ગઈ!

જપાનની ટોચની ટેનિસ ખેલાડી નાઓમી ઓસાકા ટેનિસ-લેજન્ડ સેરેના વિલિયમ્સને પોતાનો આદર્શ માને છે અને તેની સામે કેટલીક મૅચો રમી પણ છે, પરંતુ મંગળવારે તે જ્યારે સિનસિનાટીમાં સેરેનાની રાડુકાનુ સામેની મૅચ જોઈ રહી હતી ત્યારે તેણે સેરેનાને શાનદાર કરીઅર બદલ અભિનંદન આપવાના સંકેત સાથે ખૂબ તાળી પાડી હતી, પરંતુ (વાઇરલ થયેલા એક વિડિયો મુજબ) ઓસાકા થોડી વાર તાળી પાડ્યા પછી અચાનક જ અટકી ગઈ હતી અને પોતાની જગ્યા પર પાછળની તરફ સૂઈ ગઈ હતી. ૨૦૧૮માં યુએસ ઓપનની ફાઇનલમાં ઓસાકાએ સેરેનાને જેમાં હરાવી હતી એ ફાઇનલમાં સેરેનાની અમ્પાયર સાથે ખૂબ દલીલો થઈ હતી.

sports sports news serena williams tennis news