કુસ્તીબાજ વિનેશ ફોગાટને કારણદર્શક નોટિસ, ૨૬ જૂન સુધી કોઈ સ્પર્ધામાં ભાગ નહીં લઈ શકે

10 May, 2026 08:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં બે મેડલ જીતનાર કુસ્તીબાજ વિનેશ ફોગાટને રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા (WFI)એ શનિવારે વિગતવાર કારણદર્શક નોટિસ મોકલી હતી. ફેડરેશનનો આરોપ છે કે ફોગાટે શિસ્તનું પાલન નથી કર્યું તથા ડોપિંગ-વિરોધી નિયમોનાં ઉલ્લંઘન કર્યાં છે.

વિનેશ ફોગાટ

વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં બે મેડલ જીતનાર કુસ્તીબાજ વિનેશ ફોગાટને રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા (WFI)એ શનિવારે વિગતવાર કારણદર્શક નોટિસ મોકલી હતી. ફેડરેશનનો આરોપ છે કે ફોગાટે શિસ્તનું પાલન નથી કર્યું તથા ડોપિંગ-વિરોધી નિયમોનાં ઉલ્લંઘન કર્યાં છે. આ નોટિસ તેના માટે એક આંચકા સમાન છે. ફેડરેશને નોટિસમાં આક્ષેપ કર્યો છે કે ફોગાટે ૨૦૨૪માં ગેરલાયક ઠરાવાતાં રિસાઈને નિવૃત્તિ જાહેર કરી દીધી હતી એનાથી વૈશ્વિક સ્તરે ભારતીય રેસલિંગની છાપ ખરડાઈ હતી. એ ઉપરાંત તેણે આંતરરાષ્ટ્રીય રેસલિંગ ફેડરેશનના નિયમોનો ભંગ પણ કર્યો હતો.

કોઈ પણ ઍથ્લીટે નિવૃત્તિમાંથી બહાર આવ્યા બાદ યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ (UWW)ના ડોપિંગ-વિરોધી નિયમો હેઠળ ૬ મહિનાનો નોટિસ-પિરિયડ પૂરો કરવો પડે, પરંતુ ફોગાટે હજી એ સમયગાળો પૂરો ન કર્યો હોવાથી તે ૨૬ જૂન સુધી ઘરઆંગણાની કોઈ પણ સ્પર્ધામાં ભાગ નહીં લઈ શકે.

૨૦૨૪ની પૅરિસ ઑલિમ્પિક્સમાં વિનેશને ગેરલાયક ઠરાવાતાં તે મેડલ નહોતી મેળવી શકી અને એ આઘાતમાં તેણે નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. જોકે તેણે ગયા વર્ષે ડિસેમ્બરમાં રિટાયરમેન્ટ પાછું ખેંચી લીધું હતું અને કહ્યું હતું કે તે ૨૦૨૮ની લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સમાં ભાગ લેવા તત્પર છે.

ઉત્તર પ્રદેશના ગોન્ડા શહેરમાં આજથી કુસ્તીની નૅશનલ ઓપન રૅન્કિંગ ઇવેન્ટ યોજાવાની છે અને ફોગાટ એમાં ભાગ લેવાની તૈયારી કરી રહી હતી, પણ હવે તેને નોટિસ મોકલવામાં આવી છે અને તે હજી દોઢ મહિનો સ્પર્ધાઓમાં ભાગ નહીં લઈ શકે એ જોતાં તેના માટે આ મોટો આંચકો કહી શકાય.

વિનેશે ૧૪ દિવસમાં આ નોટિસનો જવાબ આપવાનો છે.

૬ પીડિતોમાંની એક પોતે હોવાનું જાહેર કરી ધડાકો કર્યો હતો
વિનેશે ત્રીજી મેએ ૪.૨૧ મિનિટનો એક વિડિયો જાહેર કરીને મોટો ધડાકો કર્યો હતો. આ વિડિયોમાં તેણે કહ્યું હતું કે જાતીય સતામણીના મામલે ફરિયાદ નોંધાવનાર ૬ પીડિતોમાંની તે એક છે અને તેની જુબાની હાલમાં નોંધાઈ રહી છે. જેમની સામે તેણે જાતીય સતામણીનો કેસ કર્યો છે એ WFIનાં ભૂતપૂર્વ વડા બ્રિજ ભૂષણ શરણ સિંહના જ ગામમાં અને તેમની જ કૉલેજમાં વિનેશની કમબૅક ટુર્નામેન્ટ હોવાથી પક્ષપાતનો પણ ભય તેણે વ્યક્ત કર્યો હતો. તેણે વિડિયોમાં બ્રિજ ભૂષણને ગુંડો ગણાવ્યો હતો. 

vinesh phogat wrestling sports news sports news