25 July, 2025 07:00 AM IST | London | Gujarati Mid-day Correspondent
વીનસ વિલિયમ્સ
૪૫ વર્ષની ઉંમર અને માર્ચ ૨૦૨૪ બાદ ટેનિસ કોર્ટમાં કમબૅક કરીને અમેરિકન ટેનિસ ખેલાડી વીનસ વિલિયમ્સે કમાલ કરી દીધી હતી. પોતાની જાતને અને બીજાઓને ક્યારેય હાર ન માનવાના સ્પષ્ટ સંદેશો આપવાના દૃઢ નિર્ધાર સાથે કમબૅક કરનાર વીનસે વૉશિંગ્ટનમાં મંગળવારે ડીસી ઓપનના પહેલા રાઉન્ડમાં બાવીસ વર્ષની હરીફ ખેલાડી પૅટોન સ્ટર્ન્સને સીધા સેટમાં ૬-૩, ૬-૪થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. આ જીત સાથે ભૂતપૂર્વ નંબર વન ખેલાડી વીનસ ટેનિસમાં સિંગલ્સ મૅચ જીતનાર બીજા નંબરની સૌથી મોટી ઉંમરની ખેલાડી બની છે. સૌથી મોટી ઉંમરનો રેકૉર્ડ લેન્જડ માર્ટિના નવરાતિલોવાના નામે છે. માર્ટિનાએ ૨૦૦૪માં ૪૭ વર્ષની ઉંમરે સિંગલ્સ મૅચમાં વિજય મેળવ્યો હતો. સિંગલ્સમાં વીનસે ઑલમોસ્ટ બે વર્ષ બાદ જીત મેળવી હતી.
વીનસની હરીફ તેનાથી ૨૩ વર્ષ નાની હતી અને જ્યારે તેનો જન્મ થયો ત્યાર સુધીમાં તો વીનસે ચાર-ચાર ગ્રૅન્ડ સ્લૅમ જીતી લીધાં હતાં.