07 September, 2023 12:29 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
સર્બિયાનો વર્લ્ડ નંબર-ટૂ નોવાક જૉકોવિચ
ન્યુ યૉર્કની યુએસ ઓપનમાં મંગળવારે સર્બિયાનો વર્લ્ડ નંબર-ટૂ નોવાક જૉકોવિચ ૪૭મી ગ્રૅન્ડ સ્લૅમ સેમી ફાઇનલમાં પહોંચ્યો હતો. યુએસ ઓપનમાં આ તેની ૧૩મી સેમી ફાઇનલ છે. વર્તમાન સ્પર્ધામાં તે અને નંબર-વન સ્પેનના કાર્લોસ અલ્કારાઝ વચ્ચે ટક્કર થવાની સંભાવના વધી છે.
૨૩ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતી ચૂકેલા જૉકોવિચે મંગળવારે ન્યુ યૉર્કની અસહ્ય ગરમી અને ભેજવાળા હવામાન વચ્ચે ક્વૉર્ટર ફાઇનલમાં ટેલર ફ્રિટ્ઝને સ્ટ્રેઇટ સેટમાં ૬-૧, ૬-૪, ૬-૪થી હરાવ્યો હતો.
વિમેન્સમાં અમેરિકાની ૧૯ વર્ષની ટીનેજર કોકો ગૉફે ક્વૉર્ટરમાં યેલેના ઑસ્ટાપેન્કોને ૬-૦, ૬-૨થી હરાવી હતી. તે પોતાના જ દેશની યુએસ ઓપનની સેમીમાં પહોંચેલી સેરેના વિલિયમ્સ પછીની પ્રથમ અમેરિકન મહિલા ટીનેજર છે. સેરેના ૨૦૦૧માં ટીનેજ વયે સેમીમાં પહોંચી હતી. હવે સેમીમાં કોકોનો મુકાબલો ફ્રેન્ચ ઓપનની રનર-અપ કૅરોલિના મુહોવા સાથે થશે.
ખેલાડીઓને રાહત, છત હવેથી અડધી બંધ રખાશે
ન્યુ યૉર્કમાં મંગળવારે યુએસ ઓપન માટેના આર્થર ઍશ સ્ટેડિયમમાં અસહ્ય ગરમી વખતે છત અડધી બંધ કરાઈ હતી. એ દિવસે ૩૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન હતું. સ્ટેડિયમના સત્તાવાળાઓએ હવેથી ખૂબ ગરમીમાં છત અડધી બંધ કરવાની પદ્ધતિ અપનાવી છે, જેથી ઓછો સૂર્યપ્રકાશ આવે અને ટેનિસ કોર્ટ પર છાંયડો પણ રહે.
- એ.એફ.પી.