યુએસ ઓપનની ટ્રોફીથી વધુ નજીક પહોંચવાના જંગમાં ઊતરશે ચૅમ્પિયન પ્લેયર્સ સિનર, જૉકોવિચ અને અલ્કારાઝ

05 September, 2025 01:22 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

જૉકોવિચ ૫-૩ની લીડથી અલ્કારાઝ સામે દબદબો ધરાવે છે. જોકે ગ્રૅન્ડ સ્લૅમ ટુર્નામેન્ટમાં બન્ને એકબીજા સામે બે-બે વખત જીત્યા છે

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

ટેનિસ ગ્રૅન્ડ સ્લૅમ ટુર્નામેન્ટ યુએસ ઓપન 2025ની રસાકસી હવે એના અંતિમ તબક્કામાં આવી ગઈ છે. ૬ સપ્ટેમ્બરે ભારતીય સમય અનુસાર મોડી રાતે ૧૨.૩૦ વાગ્યે અને વહેલી સવારે ૪.૩૦ વાગ્યે મેન્સ સિંગલ્સની સેમી ફાઇનલ મૅચ રમાશે. સર્બિયાના નોવાક જૉકોવિચ અને સ્પેનના કાર્લોસ અલ્કારાઝ વચ્ચે પહેલી જ્યારે ઇટલીના ટેનિસ પ્લેયર જૅનિક સિનર અને કૅનેડાના ફેલિક્સ ઓગર-એલિયાસિમ વચ્ચે બીજી સેમી ફાઇનલ રમાશે. 

જૉકોવિચ ૫-૩ની લીડથી અલ્કારાઝ સામે દબદબો ધરાવે છે. જોકે ગ્રૅન્ડ સ્લૅમ ટુર્નામેન્ટમાં બન્ને એકબીજા સામે બે-બે વખત જીત્યા છે. ડિફેન્ડિંગ ચૅમ્પિયન સિનર ૪-૨થી ફેલિક્સ સામે સારો રેકૉર્ડ ધરાવે છે. બન્ને વચ્ચે પહેલી વખત ગ્રૅન્ડ ટુર્નામેન્ટમાં ટક્કર થશે.

વિમેન્સ સેમી ફાઇનલમાં કોણ પહોંચ્યું? 
યુએસ ઓપનની વિમેન્સ સેમી ફાઇનલમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન બેલારુસની આર્યના સબાલેન્કાની મૅચ અમેરિકાની જેસિકા પેગુલા સામે જ્યારે જપાનની નાઓમી ઓસાકાની મૅચ અમેરિકાની અમાન્ડા અનિસિમોવા સામે આયોજિત હતી. આ સમાચાર તમે વાંચી રહ્યા હશો ત્યાર સુધીમાં બન્ને મૅચની વિજેતા ફાઇનલ મૅચમાં સ્થાન મેળવી ચૂકી હશે, કારણ કે બન્ને મૅચ આજે ભારતીય સમય અનુસાર વહેલી સવારે અનુક્રમે ૪.૩૦ અને ૫.૪૦ વાગ્યે રમાવાની હતી.

tennis news united states of america novak djokovic international premier tennis league sports news sports