સેરેના નિવૃત્તિ વિશે હજી અસ્પષ્ટ!

31 August, 2022 02:54 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ન્યુ યૉર્કમાં યુએસ ઓપનના પ્રસંગે સેલિબ્રેટરી નાઇટ યોજાઈ હતી, જેમાં સેરેનાને ફેરવેલ આપવા જેવું જ સેલિબ્રેશન યોજાયું હતું

ન્યુ યૉર્કમાં સોમવારની સેરેનાની મૅચ દરમ્યાન સેરેના-ઓહાનિયનની પુત્રી ઑલિમ્પિયા પણ ડૅડી સાથે બેઠી હતી. દીકરીએ સેરેના જેવો જ ડ્રેસ તો પહેર્યો જ હતો, પરંતુ સેરેનાએ ૧૯૯૯માં પ્રથમ ગ્રૅન્ડ સ્લૅમ વિક્ટરી વખતે માથાનાં વાળમાં જે માળા પહેરી હતી એવી જ માળા સોમવારે તેની પુત્રીએ માથામાં ભરાવી હતી. તસવીર એ.પી./એ.એફ.પી

સેરેના વિલિયમ્સને સોમવારે ન્યુ યૉર્કના આર્થર ઍશ સ્ટેડિયમમાં યુએસ ઓપનના પ્રથમ રાઉન્ડની જીત પછી પૂછવામાં આવ્યું કે ‘શું ખરેખર તમારી આ છેલ્લી ટુર્નામેન્ટ છે?’ એના જવાબમાં સેરેનાએ હસતાં કહ્યું, ‘હું પોતે એ વિશે હજી સ્પષ્ટ નથી. હું સ્પષ્ટતા કરવાની જ નથી જેથી તમને બધાને વિચારતા રાખી શકું. જોકે દરેક બાબતનો અમુક સમય હોય છે. હું જીવનમાં બીજું ઘણું કરવા માગું છું.’

ન્યુ યૉર્કમાં યુએસ ઓપનના પ્રસંગે સેલિબ્રેટરી નાઇટ યોજાઈ હતી, જેમાં સેરેનાને ફેરવેલ આપવા જેવું જ સેલિબ્રેશન યોજાયું હતું. સેરેનાને ‘વિદાય’ આપવા તેની મોટી સિદ્ધિઓની વિડિયો-ક્લિપ્સ બતાવાઈ હતી. સેરેના ચળકતા હીરાજડિત ડ્રેસમાં આવી હતી. આ કાર્યક્રમમાં અમેરિકા તથા અન્ય કેટલાક દેશોના ફૅશન, ફિલ્મ, ટીવી, મ્યુઝિક ક્ષેત્રની તેમ જ રાજકીય ક્ષેત્રની હસ્તીઓએ હાજરી આપી હતી.

સેરેના ૬ વખત યુએસ ઓપનનું સિંગલ્સનું ટાઇટલ જીતી છે. તેની નજીકનાં કેટલાંક સૂત્રો પાસેથી બીબીસી સ્પોર્ટને જાણવા મળ્યું હતું કે ‘સેરેનાની આ છેલ્લી ટુર્નામેન્ટ છે. તે પોતાની ફૅમિલીમાં વધુ એક મેમ્બરને ઉમેરવા માગે છે. બીજી રીતે કહીએ તો તે અને તેનો પતિ ઍલેક્સિસ ઓહાનિયન બીજું સંતાન ઇચ્છે છે. સેરેના-ઓહાનિયનને ચાર વર્ષની એક પુત્રી છે જેનું નામ ઑલિમ્પિયા છે.’

 

sports news sports tennis news us open serena williams