24 July, 2026 01:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગ્લાસગો કૉમનવેલ્થ ગેમ્સનો એક શિંગડાવાળો અશ્વ મૅસ્કૉટ ફિની.
સ્કૉટલૅન્ડના ગ્લાસગોમાં ૨૩ જુલાઈથી શરૂ થયેલી કૉમનવેલ્થ ગેમ્સની ૨૩મી આવૃત્તિ બે ઑગસ્ટ સુધી ચાલશે. ભારત સહિત ૭૪ દેશના આશરે ૩૦૦૦ ખેલાડીઓ ૧૦ રમતોમાં ૨૧૫ ગોલ્ડ મેડલ જીતવા માટે મેદાન પર ઊતરશે.
૩૨ વર્ષમાં સૌથી ઓછી રમતો સાથે કૉમનવેલ્થ ગેમ્સ રમાઈ રહી છે. છેલ્લે ૧૯૯૪માં કૅનેડાના વિક્ટોરિયામાં માત્ર ૧૦ રમતો સાથે ટુર્નામેન્ટ રમાઈ હતી. આ પહેલાં ૨૦૨૨માં ઇંગ્લૅન્ડના બર્મિગહમમાં યોજાયેલી કૉમનવેલ્થ ગેમ્સમાં ૨૦ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ વર્ષે ઓછી સુવિધા અને ઓછા બજેટને કારણે યજમાન દેશે રમતો ઓછી કરી દીધી છે.
ભારત માટે આ મોટો ફટકો છે. ભારતે ગઈ કૉમનવેલ્થ ગેમ્સમાં ટોટલ ૬૧ મેડલ જીત્યા હતા. જેમાંથી ૩૦ મેડલ જીત્યા હતા એવી ૬ રમતો આ કૉમનવેલ્થ ગેમ્સનો ભાગ નથી. એમાં કુસ્તી, બૅડ્મિન્ટન હૉકી, ટેબલ ટેનિસ, ક્રિકેટ અને સ્ક્વૉશનો સમાવેશ થાય છે.
કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રદર્શન કેવું રહ્યું છે ?
બ્રિટિશ રાજ હેઠળ રહેલા દેશો વચ્ચે ૧૯૩૦થી કૉમનવેલ્થ ગેમ્સ રમાઈ રહી છે. ભારત ૧૯૩૪થી ૧૮ આવૃત્તિમાં ભાગ લઈ ચૂક્યું છે. એમાં ભારતે ૨૦૩ મેડલ જીત્યા છે. સૌથી વધુ મેડલ જીતનાર દેશોમાં ઑસ્ટ્રેલિયા (૧૦૦૩ મેડલ), ઇંગ્લૅન્ડ (૭૭૩ મેડલ ) અને કૅનેડા (૫૧૦ મેડલ) બાદ ભારત ચોથા ક્રમે છે. ભારતે ૧૯૦ ગોલ્ડ, ૧૭૧ સિલ્વર અને ૫૬૪ બ્રૉન્ઝ મેડલ જીત્યા છે.