14 June, 2023 02:25 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ભુવનેશ્વરમાં સોમવારે સુનીલ છેત્રીએ ગોલ કર્યા પછી બૉલને જર્સીમાં ભરાવીને વીઆઇપી સ્ટૅન્ડમાં ઊભેલી પ્રેગ્નન્ટ પત્નીને પ્રેમભર્યો સંકેત આપ્યો હતો.
ભારતે સોમવારે ભુવનેશ્વરમાં કલિન્ગા સ્ટેડિયમમાં ઇન્ટરકૉન્ટિનેન્ટલ કપમાં વાનુઆટુને ૧-૦થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ મૅચ-વિનિંગ ગોલ ભારતના કૅપ્ટન સુનીલ છેત્રીએ ૮૦મી મિનિટે કર્યો હતો અને ગોલ કર્યા પછી તેણે બૉલને પોતાની જર્સીમાં ભરાવ્યો હતો અને સ્ટેડિયમમાં ઊભી રહીને તાળીઓથી તેના આ ગોલને સેલિબ્રેટ કરી રહેલી ગર્ભવતી પત્ની સોનમને સમર્પિત કર્યો હતો. એ સાથે, છેત્રીએ સોનમ પ્રેગ્નન્ટ હોવાની આડકતરી જાહેરાત પણ કરી દીધી હતી. છેત્રીએ મૅચ પછી કહ્યું કે ‘સોનમે મને કહેલું કે આવી કોઈ અનોખી સ્ટાઇલમાં તેની પ્રેગ્નન્સીની જાહેરાત કરજે. તેની ઇચ્છાને માન આપીને મેં તેને અને અમારા આવનારા ચાઇલ્ડને આ ગોલ સમર્પિત કર્યો છે. આવું જાહેરમાં કરવા પાછળનો મારો હેતુ એ હતો કે અમને બન્નેને તેમ જ અમારા આવનારા બાળકને અસંખ્ય લોકોના આશીર્વાદ અને શુભેચ્છા મળે.’
રોનાલ્ડો, મેસી પછી સુનીલ છેત્રી છે ત્રીજા નંબરે
છેત્રીનો આ ૮૬મો ઇન્ટરનૅશનલ ગોલ હતો. વર્તમાન ફુટબૉલ ખેલાડીઓમાં જેમના નામે સૌથી વધુ ઇન્ટરનૅશનલ ગોલ છે એમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (૧૯૮ મૅચમાં ૧૨૨ ગોલ) અને મેસી (૧૭૪ મૅચમાં ૧૦૨ ગોલ) પછી સુનીલ છેત્રી (૧૩૫ મૅચમાં ૮૬ ગોલ) ત્રીજા નંબર પર છે. યુએઈનો અલી મબખૌત (૧૦૯ મૅચમાં ૮૧ ગોલ) ચોથા નંબરે છે.