29 July, 2026 04:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પાકિસ્તાન સામે ૨૪ વર્ષે વન-ડે સિરીઝ જીતી શ્રીલંકન મહિલાઓ
શ્રીલંકાની મહિલા ટીમે ૨૪ વર્ષમાં પાકિસ્તાનની મહિલા ટીમ સામે પ્રથમ દ્વિપક્ષીય વન-ડે સિરીઝ જીતી છે. પહેલી વન-ડે મૅચમાં પાકિસ્તાન પાંચ વિકેટે જીત્યું હતું અને ત્યાર બાદની બન્ને મૅચમાં યજમાન શ્રીલંકાએ ૮-૮ વિકેટની જીત સાથે સિરીઝમાં ૨-૧થી વિજય મેળવ્યો હતો. ૨૦૦૨માં શ્રીલંકા આ હરીફ સામે પહેલી સિરીઝમાં ૬-૦થી જીત્યું હતું. ત્યાર પછીની સતત ૪ સિરીઝમાં પાકિસ્તાન વિજેતા રહ્યું હતું. ૩૧ જુલાઈથી બન્ને ટીમ વચ્ચે ત્રણ T20 મૅચની સિરીઝ રમાશે.
ભારતીય મહિલા હૉકી ટીમની અનુભવી ગોલકીપર સવિતા પુનિયાએ મોટો ખુલાસો કર્યો છે. સવિતા પુનિયા કહે છે કે ‘અમારા ટ્રેઇનર ખૂબ કડક છે. તેઓ ફિટનેસ માટે ખૂબ જ ઉચ્ચ ધોરણો નક્કી કરે છે અને હંમેશાં કહે છે કે જો તમે કંઈક પ્રાપ્ત કરવા માગતા હો તો તમારે બલિદાન આપવા તૈયાર રહેવું પડશે.’
સવિતા પુનિયાએ વધુમાં કહ્યું કે ‘લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સ સુધી અમે અમારા ડાયટ- પ્લાનમાંથી મીઠાઈ, ચૉકલેટ એટલે કે ખાંડની સાથે જંક ફૂડને દૂર કર્યું છે. ન્યુ ઝીલૅન્ડમાં FIH નેશન્સ કપ જીત્યા પછી ટીમ માટે આયોજકોએ કેકનો ઑર્ડર કર્યો હતો, જોકે અમારા સંકલ્પને કારણે અમે એ ખાઈ શક્યા નહોતા. ટોક્યો ઑલિમ્પિક્સ પરથી ખેલાડીઓ હવે ફિટનેસ ધોરણો જાળવવા માટે સ્વ-પ્રેરિત છે અને તેમને દેખરેખ રાખવાની જરૂર નથી.’
US ઓપન મિક્સ્ડ ડબલ્સ ચૅમ્પિયનશિપ માટે ૧૬ ટીમોની પ્રારંભિક યાદીમાં બેલારુસની આર્યના સબાલેન્કા અને સર્બિયાના નોવાક જૉકોવિચની જોડી મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની છે.
વર્લ્ડ નંબર વન આર્યના સબાલેન્કાએ ૪ સિંગલ્સ ગ્રૅન્ડ સ્લૅમ અને વર્લ્ડ નંબર ફાઇવ નોવાક જૉકોવિચે ૨૪ સિંગલ્સ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીત્યાં છે. બન્ને પહેલી વખત સ્પર્ધાત્મક ટેનિસમાં એકસાથે રમતાં જોવા મળશે. ૨૫-૨૬ ઑગસ્ટે US ઓપન મિક્સ્ડ ડબલ્સ ચૅમ્પિયનશિપ રમાશે.