ચાઇના માસ્ટર્સ સુપર 750માંથી પી.વી. સિંધુ અને આયુષ શેટ્ટી જેવા સ્ટાર્સે નામ પાછું ખેંચ્યું

26 August, 2026 04:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચાઇના માસ્ટર્સ સુપર 750 ટુર્નામેન્ટમાંથી પી.વી. સિંધુ અને આયુષ શેટ્ટીએ પોતાનાં નામ પાછાં ખેંચ્યાં છે. વર્લ્ડ બૅડમિન્ટન ચૅમ્પિયનશિપ બાદ આગામી એશિયન ગેમ્સ માટે ફિટ રહેવાના હેતુથી બન્નેએ આ નિર્ણય લીધો છે.

પી.વી. સિંધુ અને આયુષ શેટ્ટી

૧ સપ્ટેમ્બરથી શરૂ થતી ચાઇના માસ્ટર્સ સુપર 750 ટુર્નામેન્ટ વિશે મોટી અપડેટ સામે આવી છે. ટૉચના ભારતીય શટલર પી.વી. સિંધુ અને આયુષ શેટ્ટીએ આ ટુર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચ્યું છે. 
દિલ્હીમાં શારીરિક રીતે મુશ્કેલ વર્લ્ડ બૅડ્‍મિન્ટન ચૅમ્પિયનશિપમાં હાલમાં જ ભાગ લીધો હોવાથી બન્નેએ આગામી એશિયન ગેમ્સ માટે ફિટ રહેવા આ નિર્ણય કર્યો છે. ભારતીય શટલર્સ માલવિકા બંસોડ અને આકર્ષી કશ્યપે પણ આ ટુર્નામેન્ટમાં ન રમવાનો નિર્ણય લીધો છે. 
ચાઇના માસ્ટર્સ સુપર 750 ટુર્નામેન્ટમાં ભારત તરફથી મેન્સ સિંગલ્સમાં લક્ષ્ય સેન અને કિદામ્બી શ્રીકાંત, વિમેન્સ સિંગલ્સમાં ઉન્નતિ હૂડા, દેવિકા સિહાગ અને તન્વી શર્મા રમશે. સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની સાથે હરિહરન અમસાકરુનન અને એમ.આર. અર્જુન મેન્સ ડબલ્સમાં ભાગ લેશે. મિક્સ્ડ ડબલ્સમાં ધ્રુવ કપિલા અને તનિષા ક્રાસ્ટો, રોહન કપૂર અને રુત્વિકા શિવાની સાથે ભારતનું પ્રતિનિધિત્વ કરશે. વિમેન્સ ડબલ્સમાં ભારતની કોઈ જોડી રમશે નહીં.

pv sindhu badminton news world badminton championships asian games sports news sports