પી. વી. સિંધુનો ૪.૬૦ લાખનો દંડ માફ થયો

06 March, 2026 10:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑલ ઇંગ્લૅન્ડ બૅડ્‍મિન્ટન ટુર્નામેન્ટમાંથી ખસી જવા છતાં પી. વી. સિંધુનો ૪.૬૦ લાખનો દંડ માફ થયો

પી. વી. સિંધુ

ભારતની બૅડ્‍મિન્ટન સ્ટાર પી. વી. સિંધુએ ઑલ ઇંગ્લૅન્ડ બૅડ્‍મિન્ટન ટુર્નામેન્ટ વિશે મહત્ત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. દુબઈ ઇન્ટરનૅશનલ ઍૅરપોર્ટ પર યુદ્ધની સ્થિતિને કારણે વણસેલી સ્થિતિમાં તે ઑલ ઇંગ્લૅન્ડ બૅડ્‍મિન્ટન ચૅમ્પિયનશિપ રમવા બર્મિંગહૅમ પહોંચી શકી નહોતી. તેને ટુર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને ભારત પાછા આવવાની ફરજ પડી હતી. જો કોઈ ખેલાડી ટોચના સ્તરની ટુર્નામેન્ટમાંથી ખસી જાય છે ત્યારે બૅડ્‍મિન્ટન વર્લ્ડ ફેડરેશન (BWF) તેને દંડ ફટકારે છે. પી. વી. સિંધુએ ખુલાસો કર્યો હતો કે ‘જ્યારે તમે આવી ટુર્નામેન્ટ ચૂકી જાઓ છો ત્યારે એ ૫૦૦૦ અમેરિકન ડૉલર એટલે કે ૪.૬૦ લાખ રૂપિયાનો દંડ ફટકારે છે. મેં BWFને મારી પરિસ્થિતિ સમજાવી અને તેઓ દંડ માફ કરવા સંમત થયા. તેઓ સમજી ગયા કે જ્યારે તમે યુદ્ધની સ્થિતિમાં ફસાયેલા હો ત્યારે તમે કંઈ કરી શકતા નથી.’

પી. વી. સિંધુએ અફસોસ વ્યક્ત કર્યો હતો કે જો તેણે બાકી ભારતીય શટલરોની જેમ થોડી વહેલી ફ્લાઇટ લીધી હોત તો તે ટુર્નામેન્ટ રમી શકી હોત. 

ઑલ ઇંગ્લૅન્ડ ઓપનની ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચ્યો લક્ષ્ય સેન

ઑલ ઇંગ્લૅન્ડ ઓપન બૅડ્‍મિન્ટન ચૅમ્પિયનશિપમાં હવે ભારતીયોની નજર લક્ષ્ય સેન પર ટકેલી છે. ગઈ કાલે ૨૯મા ક્રમના હૉન્ગકૉન્ગના પ્લેયર ઍન્ગસ એનજી કા લૉન્ગને ૨૧-૧૯, ૨૧-૨૩, ૨૧-૧૦થી હરાવીને વિશ્વનો બારમા ક્રમનો પ્લેયર લક્ષ્ય સેન ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચ્યો છે. પહેલા રાઉન્ડમાં તેણે નંબર વન ચીનના પ્લેયર શી યુકીને માત આપી હતી.

pv sindhu badminton news sports sports news lakshya sen