પેરુના પ્લેયર્સ અને સ્પેનની પોલીસ વચ્ચે ઝપાઝપી

29 March, 2023 01:18 PM IST  |  Madrid | Gujarati Mid-day Correspondent

સ્પેનમાં કેટલાક દેશના ખેલાડીઓ સાથે રંગભેદના મુદ્દે અપમાન અને માનહાનિ થવાની કેટલીક ઘટનાઓ છેલ્લાં થોડાં વર્ષોમાં બની ગઈ છે

પેરુના પ્લેયર્સ અને સ્પેનની પોલીસ વચ્ચે ઝપાઝપી

સ્પેનના મૅડ્રિડ શહેરમાં મૉરોક્કો સામેની ફ્રેન્ડ્લી ફુટબૉલ મૅચ રમવા આવેલા પેરુ દેશના ફુટબોલર્સ અને સ્પૅનિશ પોલીસ વચ્ચે સોમવારે રાતે ધક્કામુક્કી અને ઝપાઝપી થઈ હતી, જેમાં પેરુના ગોલકીપર પેડ્રો ગૉલેસીએ એક પોલીસ અધિકારીને આંખ પર મારતાં તેને અટકમાં લેવાયો હતો, પરંતુ પછીથી તેને છોડી દેવામાં આવ્યો હતો.

પેરુના ખેલાડીઓ મૅડ્રિડની જે હોટેલમાં હતા એની બહાર તેમના ૩૦૦ ચાહકો ભેગા થયા હતા અને મોટે મોટેથી ગીત ગાઈ રહ્યા હતા. ફુટબોલર્સ પણ તેમની સાથે જોડાયા હતા અને ગીત ગાવા માંડ્યા હતા. જોકે પોલીસ અધિકારીઓ અચાનક ત્યાં આવ્યા અને એક અધિકારીએ પેરુના એક ખેલાડીને ધક્કો મારીને પાછળ ઊભા રહેવા કહ્યું હતું. એ પ્લેયરે અધિકારીને સામો ધક્કો માર્યો હતો અને તેના સાથીઓ પણ પોલીસના વર્તન બદલ ગુસ્સે ભરાયા હતા અને પોલીસ સાથે તેમની દલીલબાજી શરૂ થઈ હતી. જોતજોતામાં પ્લેયર્સ અને પોલીસ વચ્ચે ઝપાઝપી શરૂ થઈ ગઈ હતી.

સ્પેનમાં કેટલાક દેશના ખેલાડીઓ સાથે રંગભેદના મુદ્દે અપમાન અને માનહાનિ થવાની કેટલીક ઘટનાઓ છેલ્લાં થોડાં વર્ષોમાં બની ગઈ છે. મૅડ્રિડમાં પેરુ અને મૉરોક્કોના પ્લેયર્સ સાથે કોઈ ગેરવર્તન ન થાય એ માટે પોલીસનો પાકો બંદોબસ્ત રખાયો હતો.

sports news sports footpath morocco spain peru madrid