31 August, 2024 08:16 AM IST | Paris | Gujarati Mid-day Correspondent
મોના અગરવાલ
પૅરિસ પૅરાલિમ્પિક્સમાં રાજસ્થાનના જયપુરની વતની ૩૬ વર્ષની મોના અગરવાલે શૂટિંગમાં ૧૦ મીટર ઍર પિસ્ટલ SH1માં ૨૨૮.૭ના સ્કોર સાથે બ્રૉન્ઝ મેડલ જીત્યો છે. આમ આ સ્પર્ધામાં રાજસ્થાનની બે દીકરીઓએ મેડલ મેળવ્યા છે, અવનિએ આ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
મોના અગરવાલને બે મોટી બહેનો છે અને ત્રીજી વાર તેની મમ્મી ગર્ભવતી હતી ત્યારે તેનો પરિવાર ત્રીજો દીકરો ઇચ્છતો હતો, પણ ૧૯૮૭માં ૮ નવેમ્બરે મોનાનો જન્મ થયો હતો. મોનાને નાનપણથી પોલિયો થયો હતો અને તેને વ્હીલચૅરમાં બેસવાનો વારો આવ્યો હતો. જોકે મોનાની નાનીએ તેને હિંમત આપી હતી અને જીવનમાં કંઈ પણ અસંભવ નથી એવું શીખવ્યું હતું. એક સામાન્ય વ્યક્તિ તરીકે તે જીવી શકતી નહીં હોવાથી તેણે ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હતો. તેણે ભાલાફેંક, શૉટપુટ, ડિસ્ક્સ થ્રો અને પાવર-લિફ્ટિંગમાં હાથ અજમાવ્યો હતો. જોકે ૨૦૨૧માં જયપુરની એકલવ્ય ઍકૅડેમીમાં તેણે શૂટિંગમાં ભાગ લીધો હતો. આ પછી તેણે આ ગેમ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
૨૦૨૩ના જુલાઈમાં તેણે ક્રોએશિયામાં આંતરરાષ્ટ્રીય ખેલોમાં પદાર્પણ કર્યું હતું અને ૨૦૨૪માં એપ્રિલ મહિનામાં કોરિયામાં પૅરા વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. નવી દિલ્હીમાં પૅરા શૂટિંગ વર્લ્ડ કપમાં ક્વૉલિફાય થઈને તેણે પૅરિસ જનારી ટીમમાં સ્થાન નિશ્ચિત કર્યું હતું.