સિંધુ સિંગાપોરમાં સમ્રાજ્ઞી, પણ સેલિબ્રેશન માટે સમય નથી

18 July, 2022 01:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચીની હરીફને ફાઇનલમાં હરાવ્યા પછી કહ્યું, ‘એક દિવસ ફૅમિલી સાથે માણ્યા પછી કૉમનવેલ્થ ગેમ્સની તૈયારીમાં બિઝી થઈ જઈશ’

પી. વી. સિંધુ

ઑલિમ્પિક્સના બે મેડલ જીતી ચૂકેલી પી. વી. સિંધુએ ગઈ કાલે સિંગાપોર ઓપન સુપર-૫૦૦ ટ્રોફીની રસાકસીભરી ફાઇનલમાં ચીનની વૉન્ગ ઝી યિને ૨૧-૯, ૧૧-૨૧, ૨૧-૧૫થી હરાવીને ટ્રોફી જીતી લીધી હતી. ૨૭ વર્ષની હૈદરાબાદી સિંધુએ એશિયન ગોલ્ડ મેડલિસ્ટ બાવીસ વર્ષની વોન્ગને આ પહેલાં આ વર્ષની ઑલ ઇંગ્લૅન્ડ ચૅમ્પિયનશિપમાં પણ હરાવી હતી. એ સાથે સિંધુ આ સીઝનમાં સૈયદ મોદી ઇન્ટરનૅશનલ અને સ્વિસ ઓપન પછીનું ત્રીજું ટાઇટલ જીતી છે.

આ પહેલાંની બે ટુર્નામેન્ટમાં ક્વૉર્ટર ફાઇનલમાં અને સેમી ફાઇનલમાં હારી જનાર ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન સિંધુએ સિંગાપોરમાં સમ્રાજ્ઞી બનીને રાહતનો શ્વાસ લીધો છે અને હવે તે આગામી ઇવેન્ટ્સ માટેની તૈયારી પર ધ્યાન આપવા માગે છે. તેણે પત્રકારોને કહ્યું કે ‘હું ઘણા વખતે સિંગાપોર આવી છું અને ચૅમ્પિયન બની એનો મને બેહદ આનંદ છે. મને અહીં સપોર્ટ કરનાર તમામ ચાહકોની હું આભારી છું. હું આ જોશ અને જુસ્સો આગામી ટુર્નામેન્ટ્સમાં જાળવી રાખીશ. જોકે સિંગાપોરની જીતનું સેલિબ્રેશન કરવા મારી પાસે સમય જ નથી. ઇન્ડોનેશિયા અને મલેશિયા પછી હવે સિંગાપોરનો પ્રવાસ કર્યો. ઇંગ્લૅન્ડની કૉમનવેલ્થ ગેમ્સ શરૂ થવાને માંડ અઠવાડિયું બાકી છે. એકાદ દિવસનો બ્રેક લઈશ, ઘરે જઈને આરામ કરીશ, ફૅમિલી સાથે બહુમૂલ્ય સમય વિતાવીશ અને પછી કૉમનવેલ્થ ગેમ્સ માટેની પ્રૅક્ટિસ શરૂ કરીશ. હું એમાં મેડલ જીતવા મક્કમ છું.’

સિંધુ અગાઉ કૉમનવેલ્થમાં સિલ્વર તથા બ્રૉન્ઝ મેડલ ઉપરાંત ટીમ-ગોલ્ડ જીતી ચૂકી છે. જોકે આ વખતે તે સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીતવા માટે ફેવરિટ છે.

સિંગાપોરમાં આ પહેલાં ૨૦૧૭માં ભારતીયોમાં બી. સાઈ પ્રણીત પુરુષોનું ટાઇટલ જીત્યો હતો. સાઇના નેહવાલ ૨૦૧૦માં વિમેન્સ સિંગલ્સ જીતી હતી.

સિંધુને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રમતગમત ખાતાના પ્રધાન અનુરાગ ઠાકુરે પી. વી.  સિંધુને સિંગાપોરમાં ચૅમ્પિયન બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

sports sports news pv sindhu p.v. sindhu