News In Shorts:વિદિત ગુજરાતીએ વર્લ્ડ ચૅમ્પિયન કાર્લસનને હરાવ્યો

23 February, 2023 02:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નાશિકમાં રહેતા જાણીતા ચેસ ખેલાડી વિદિત સંતોષ ગુજરાતીએ પ્રો ચેસ લીગ ઑનલાઇન મૅચમાં વર્લ્ડ ચૅમ્પિયન મૅગ્નસ કાર્લસનને હરાવીને સનસનાટી મચાવી દીધી છે.

વિદિત સંતોષ

વિદિત ગુજરાતીએ વર્લ્ડ ચૅમ્પિયન કાર્લસનને હરાવ્યો

નાશિકમાં રહેતા જાણીતા ચેસ ખેલાડી વિદિત સંતોષ ગુજરાતીએ પ્રો ચેસ લીગ ઑનલાઇન મૅચમાં વર્લ્ડ ચૅમ્પિયન મૅગ્નસ કાર્લસનને હરાવીને સનસનાટી મચાવી દીધી છે. વિશ્વમાં ૨૧મી રૅન્ક ધરાવતા ગ્રૅન્ડમાસ્ટર વિદિત છેલ્લા એક વર્ષમાં નૉર્વેના આ વિશ્વવિજેતાને હરાવનાર ચોથો ભારતીય બન્યો છે. આ પહેલાં, આર. પ્રજ્ઞાનાનંદ, ડી. ગુકેશ અને અર્જુન ઐરીગૈસીએ કાર્લસનને હરાવ્યો હતો. વિદિત વર્તમાન ઑનલાઇન ટુર્નામેન્ટમાં ઇન્ડિયન યોગીસ ટીમનો મેમ્બર છે અને તેની ટીમમાં વૈશાલી, રોનક અને ઍરોન્યકનો સમાવેશ છે. વિદિતે કહ્યું કે ‘કાર્લસનની ગણના ગ્રેટેસ્ટ ઑફ ઑલ ટાઇમ (જી.ઓ.એ.ટી) તરીકે થાય છે અને તેને હરાવીને હું અદ્ભુત આનંદ માણી રહ્યો છું.’

ભંગાર વેચનારાની પુત્રી તીરંદાજીના વર્લ્ડ કપની ટીમમાં
કલકત્તામાં ભંગારનો ધંધો કરતા રાજકુમાર નામના માણસની પુત્રી અદિતિને ગરીબાઈના સંઘર્ષનો સામનો કરીને તેમ જ કોવિડકાળમાં કોરોના વાઇરસની બીમારીમાંથી મુક્ત થયા બાદ અને તાજેતરના વંટોળમાં પણ મહા મુસીબતોનો સામનો કર્યા બાદ હવે સારો સમય જોવા મળી રહ્યો છે. આઇએસસીની પરીક્ષામાં ૯૭ ટકા માર્ક્સ લાવનાર અદિતિનો તીરંદાજીના આગામી વર્લ્ડ કપ, વર્લ્ડ ચૅમ્પિયનશિપ અને એશિયન ગેમ્સ માટેની ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

નિવૃત્ત ફિન્ચ રમશે દોહાની લેજન્ડ્સ લીગ ક્રિકેટમાં
તાજેતરમાં ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લેનાર ઑસ્ટ્રેલિયાનો ટી૨૦ વર્લ્ડ કપ વિજેતા ઍરોન ફિન્ચ દોહાની લેજન્ડ્સ લીગ ક્રિકેટ (એલએલસી)માં રમશે. આ ટુર્નામેન્ટ માટે નક્કી થયેલા ફિન્ચ ઉપરાંતના ખેલાડીઓમાં ઇયોન મૉર્ગન, ઇરફાન પઠાણ, શોએબ અખ્તર, ક્રિસ ગેઇલ, એસ. શ્રીસાન્ત, અબ્દુલ રઝાક અને ઇસુરુ ઉદાનાનો સમાવેશ છે.

ખેલકૂદપ્રધાન પણ ઍક્શનમાં


સ્પોર્ટ્સ મિનિસ્ટર અનુરાગ સિંહ ઠાકુર ગઈ કાલે બૅન્ગલોરમાં સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાના મલ્ટિપર્પઝ ઇન્ડોર હૉલના ઉદ્ઘાટન સમારોહ વખતે વૉલીબૉલ રમ્યા હતા.  પી.ટી.આઇ.

sports news chess nashik