News in Shorts : અમને પૂછ્યા વગર સાઉદી કેમ ગયો? : મેસી સસ્પેન્ડ કરાયો

04 May, 2023 10:52 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પરિણામે મેસીને બે અઠવાડિયાં માટે સસ્પેન્ડ કરાયો છે જે દરમ્યાન તે કોઈ મૅચ નહીં રમી શકે

લિયોનેલ મેસી

અમને પૂછ્યા વગર સાઉદી કેમ ગયો? : મેસી સસ્પેન્ડ કરાયો

કતાર વર્લ્ડ કપનો સુપરસ્ટાર ફુટબોલર આર્જેન્ટિનાનો લિયોનેલ મેસી પ્રોફેશનલ ટુર્નામેન્ટોમાં પૅરિસ સેન્ટ-જર્મેઇન (પીએસજી) વતી રમે છે અને અત્યારે તે ફ્રાન્સની લીગ-વન સ્પર્ધામાં રમી રહ્યો હોવાથી તેણે સોમવારે ઓચિંતાં સાઉદી અરેબિયાના પ્રવાસે જતાં પહેલાં પીએસજીના માલિકોની પરવાનગી લેવી જોઈતી હતી, પણ તેણે એવું નહોતું કર્યું. પરિણામે મેસીને બે અઠવાડિયાં માટે સસ્પેન્ડ કરાયો છે જે દરમ્યાન તે કોઈ મૅચ નહીં રમી શકે, પ્રૅક્ટિસમાં પણ ભાગ નહીં લઈ શકે અને બે સપ્તાહનો પગાર પણ તેને નહીં મળે. મેસી ટુરિઝમ ઍમ્બેસેડર તરીકેની એક જાહેરખબરના શૂટિંગ સહિતના કામ માટે સાઉદી ગયો હતો. મેસીના પ્રવાસના આગલા દિવસે તેની પીએસજી ટીમનો લૉરિયેન્ટ સામે ૧-૩થી પરાજય થયો હતો.

હું અને ચેતેશ્વર પુજારા એકમેક પાસેથી ઘણું શીખીશું : સ્ટીવ સ્મિથ

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે જૂનમાં લંડનના ઓવલમાં ટેસ્ટના વર્લ્ડ કપની જે ફાઇનલ રમાવાની છે એમાં ચેતેશ્વર પુજારા અને સ્ટીવ સ્મિથ હરીફ તરીકે રમશે, પરંતુ એ પહેલાં આ બન્ને બૅટર ઇંગ્લૅન્ડની સસેક્સ કાઉન્ટી ટીમમાં એકમેકના સાથી તરીકે રમશે અને એ વિશે સસેક્સના કૅપ્ટન પુજારાએ સ્મિથની ડ્રેસિંગ-રૂમમાં પોતે રાહ જોઈ રહ્યો હોવાનું બે દિવસ પહેલાં કહ્યું ત્યાર બાદ સ્મિથે પોતાના આ કાઉન્ટી ડેબ્યુ વિશે કહ્યું કે ‘આઇપીએલમાં મને એક જ ટીમમાં હરીફ ઇન્ટરનૅશનલ પ્લેયર્સ સાથે રમવાનો મોકો મળ્યો અને હવે મને કાઉન્ટીમાં પુજારા સાથે રમવાની તક મળી રહી છે. જે દિવસે મને લાગશે કે હું વધુ સારું નથી રમી શકવાનો અને વધુ કંઈ શીખવું પણ નથી તો એ દિવસે હું રમવાનું છોડી દઈશ. હું પુજારા સાથે એક જ ટીમમાં રમવા ખૂબ ઉત્સુક છું. મેં તેને મારી સામે ઘણા રન બનાવતો જોયો છે, પણ હવે તેની સાથે તેની કૅપ્ટન્સીમાં રમીશ. અમે એકમેક પાસેથી ઘણું શીખીશું.’

sports sports news indian cricket team cricket news test cricket lionel messi psg cheteshwar pujara steve smith