ન્યુઝ શોર્ટમાં : માનસી જોશીને મોદીનાં અભિનંદન, આજે ડબલ્સમાં જીતશે મેડલ

27 October, 2023 01:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પૅરા એશિયન ગેમ્સમાં પણ ભારત વિક્રમી ચંદ્રકો જીત્યું; પ્રજ્ઞાનાનંદને આર્યન ચોપડાએ જીતવા ન દીધો અને વધુ સમાચાર

માનસી જોશી

માનસી જોશીને મોદીનાં અભિનંદન, આજે ડબલ્સમાં જીતશે મેડલ

ચીનમાં દિવ્યાંગ ખેલાડીઓ માટેની પૅરા એશિયન ગેમ્સની બૅડ‍્મિન્ટનની સિંગલ્સમાં બુધવારે બ્રૉન્ઝ મેડલ જીતનાર માનસી ગિરીશચંદ્ર જોશીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યાં હતાં. આજે માનસી અને થુલાસીમથી મુરુગેસનની જોડી ડબલ્સની ફાઇનલ રમશે. સેમીમાં તેમણે ભારતની જ મનદીપ કૌર અને મનીશા રામદાસને ૨૧-૧૩, ૨૧-૧૨થી હરાવી હતી. મોદીએ માનસીને મોકલેલા સંદેશમાં જણાવ્યું હતું કે ‘આ ઉત્કૃષ્ટ સિદ્ધિ છે. ભારત આ સફળતાને અત્યંત રોમાંચ સાથે સેલિબ્રેટ કરી રહ્યું છે.’

પૅરા એશિયન ગેમ્સમાં પણ ભારત વિક્રમી ચંદ્રકો જીત્યું

ભારતે ચીનની મુખ્ય એશિયન ગેમ્સ પછી હવે દિવ્યાંગ ઍથ્લીટ‍્સ અને પ્લેયર્સ માટેની પૅરા એશિયન ગેમ્સમાં પણ મેડલ જીતવાનો પોતાનો વિક્રમ તોડ્યો છે. ભારતે પૅરા એશિયન ગેમ્સમાં ૧૮ ગોલ્ડ સહિત કુલ ૮૨ ચંદ્રક જીતી લીધા છે. ૨૦૧૮ની જકાર્તા એશિયન ગેમ્સમાં ભારત ૭૨ મેડલ જીત્યું હતું. આ વખતના ૮૨ ચંદ્રકમાં ૨૩ સિલ્વર મેડલ અને ૪૧ બ્રૉન્ઝ મેડલ સામેલ છે. ભારત તમામ દેશોમાં આઠમા નંબરે છે અને હજી બે દિવસ બાકી છે.

પ્રજ્ઞાનાનંદને આર્યન ચોપડાએ જીતવા ન દીધો

ચેસના ગ્રૅન્ડમાસ્ટર અને વર્લ્ડ કપના રનર-અપ આર. પ્રજ્ઞાનાનંદને બ્રિટનની ફિડે ગ્રૅન્ડ સ્વિસ ટુર્નામેન્ટમાં ભારતના જ આર્યન ચોપડાએ જીતવા નહોતો દીધો. આર્યને પ્રજ્ઞાનાનંદ સાથેની ગેમ ડ્રૉ કરાવી હતી. ભારતના બીજા સ્ટાર ખેલાડી ડી. ગુકેશે અઝરબૈજાનના રઉફ મામેદોવ સાથેની ગેમ ડ્રૉ કરાવી હતી, પરંતુ વિદિત ગુજરાતી હૉલેન્ડના ઇરવિન લામી સામે હારી ગયો હતો.

હાલાન્ડના પાંચ મૅચના દુકાળ પછી પ્રથમ ગોલ

નૉર્વેનો અર્લિંગ હાલાન્ડ ગોલ વિનાની પાંચ મૅચ બાદ બુધવારે ફરી ફૉર્મમાં આવ્યો હતો અને બે ગોલ કરીને મૅન્ચેસ્ટર સિટી ટીમને ચૅમ્પિયન્સ લીગમાં નૉકઆઉટ રાઉન્ડની લગોલગ લાવી દીધી હતી. સિટીએ ૩-૧થી યંગ બૉય્ઝની ટીમને પરાજિત કરી હતી. હાલાન્ડે ૬૭ અને ૮૩ મિનિટમાં ગોલ કર્યો હતો. તેણે આ ટુર્નામેન્ટની કુલ ૩૩ મૅચમાં ૩૭ ગોલ કર્યા છે. સિટી વતી તે બાવન ગોલ કરી ચૂક્યો છે. ગ્રુપ ‘જી’માં સિટીની ટીમ મોખરે છે.

સીઝનમાં ઍમ્બપ્પેના ૧૩ મૅચમાં ૧૩ ગોલ

ફ્રાન્સના ઍમ્બપ્પેએ બુધવારે ચૅમ્પિયન્સ લીગના મુકાબલામાં મૅચના ફર્સ્ટ હાફમાં અને કૉલો મુઆનીએ સેકન્ડ હાફમાં એક-એક ગોલ કરીને પૅરિસ સેન્ટ જર્મેઇન (પીએસજી)ને એસી મિલાન સામે વિજય અપાવ્યો હતો. પીએસજીની ૩-૦ની જીતમાં ત્રીજો ગોલ પીએસજીના લી કૅન્ગ-ઇને કર્યો હતો. ઍમ્બપ્પેએ આ સીઝનમાં પીએસજી અને ફ્રાન્સ વતી કુલ ૧૩ મૅચમાં ૧૩ ગોલ કર્યા છે. પીએસજીની ટીમ ન્યુ કૅસલ સામેના ૧-૪ના પરાજય બાદ બુધવારે કમબૅક સાથે ગ્રુપ ‘એફ’માં ટૉપ પર આવી ગઈ હતી.

ઑસ્ટ્રેલિયન બોર્ડને ટી૨૦ વર્લ્ડ કપના આયોજન છતાં ખોટ

ઑસ્ટ્રેલિયામાં ગયા વર્ષે મેન્સ ટી૨૦ વર્લ્ડ કપ યોજાયો હતો જેનાથી ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડને ૪૩ મિલ્યન ડૉલર (૩૫૮ કરોડ રૂપિયા)ની કમાણી થઈ હતી એમ છતાં આ બોર્ડે ૧૬.૯ મિલ્યન ડૉલર (૧૪૧ કરોડ રૂપિયા)ની ખોટ કરી છે. બોર્ડે ખોટના કારણમાં જણાવ્યું છે કે મીડિયા રાઇટ‍્સ દ્વારા ઓછી કમાણી થઈ હતી તેમ જ મૅચો દરમ્યાન પણ આવક ઓછી હતી. એ ઉપરાંત, કોવિડકાળ પછી પ્લેયર્સ તથા અધિકારીઓના પ્રવાસ પાછળનો ખર્ચ વધ્યો હતો તેમ જ બિગ બૅશમાં અને નવી ગ્રાસરૂટ ક્રિકેટ સિસ્ટમમાં રોકાણનું પ્રમાણ વધારાયું હતું.

sports sports news