News In Shorts : મહારાષ્ટ્રન આયર્નમૅન ટીમ પ્રીમિયર હૅન્ડબૉલ લીગમાં ચૅમ્પિયન

26 June, 2023 11:51 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે ઉત્તર પ્રદેશની ગોલ્ડન ઇગલ્સ ટીમ સામે મહારાષ્ટ્રની ટીમે ૩૮-૨૪થી રોમાંચક વિજય મેળવ્યો

અંકિત અને જલાલ કિયાની

મહારાષ્ટ્રન આયર્નમૅન ટીમ પ્રીમિયર હૅન્ડબૉલ લીગમાં ચૅમ્પિયન

પુરુષોની સૌપ્રથમ પ્રીમિયર હૅન્ડબૉલ લીગ (પીએચએલ)માં ગઈ કાલે મહારાષ્ટ્ર આયર્નમૅન ટીમે ફાઇનલ જીતીને આ સૌપ્રથમ સ્પર્ધા જીતીને ભારતીય હૅન્ડબૉલના ઇતિહાસમાં પોતાનું નામ અંકિત કરાવ્યું હતું. ગઈ કાલે ઉત્તર પ્રદેશની ગોલ્ડન ઇગલ્સ ટીમ સામે મહારાષ્ટ્રની ટીમે ૩૮-૨૪થી રોમાંચક વિજય મેળવ્યો એ સાથે એ જીતને ચૅમ્પિયન ટીમના ખેલાડી અંકિતે ચાહકો સામે સેલિબ્રેટ કરી હતી. જલાલ કિયાની નું પણ આ વિજયમાં મોટું યોગદાન હતું. ઇગોર આ ટીમનો કૅપ્ટન હતો અને તેણે તેમ જ મનજિતે પણ મહત્ત્વનો ફાળો આપ્યો હતો.

જશ મોદી યુથ વર્લ્ડ ટેબલ ટેનિસમાં બ્રૉન્ઝ જીત્યો

પેરુના લિમા શહેરમાં વર્લ્ડ ટેબલ ટેનિસ (ડબ્લ્યુટીટી) યુથ સ્ટાર કન્ટેન્ડર ચૅમ્પિયનશિપમાં મુંબઈનો યંગ સ્ટાર જશ મોદી અન્ડર-19 બૉય્‍સ ડબલ્સમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો છે. તેની અને નેધરલૅન્ડ્સના રેમી ચૅમ્બેટ-વેઇલની જોડીએ ક્વૉર્ટર ફાઇનલમાં સિમોન બેલિક-સૅમ્યુઅલ ઍર્પસને ૩-૧થી હરાવ્યા હતા. જોકે સેમી ફાઇનલમાં જશ-રેમીનો મિગ્વેલ પૅન્ટોયા અને ડેનિયલ બર્ઝોસા સામે ૦-૩થી પરાજય થયો હતો. છેવટે પૅન્ટોયા-બર્ઝોસાનો ફાઇનલમાં ૨-૩થી પરાજય થતાં તેમણે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો, જ્યારે તેમને હરાવનાર થિમ્બૉલ્ટ પૉરેટ-ક્વેક આઇઝૅકને ગોલ્ડ મેડલ મળ્યો હતો. ભારતમાં જશ મોદીનો તેના વર્ગમાં ત્રીજો રૅન્ક છે અને તે ઇન્ડિયન યુથ બૉય્‍સ ટીમનો મેમ્બર છે. 

વર્લ્ડ ટેબલ ટેનિસમાં સુતીર્થ-અહિકા ફાઇનલમાં

ટ્યુનિસની વર્લ્ડ ટેબલ ટેનિસ (ડબ્લ્યુટીટી) કન્ટેન્ડર ટુર્નામેન્ટમાં ભારતની વિમેન્સ ડબલ્સ જોડી સુતીર્થ મુખરજી અને અહિકા મુખરજી ફાઇનલમાં પહોંચી ગઈ હતી. તેમણે સેમીમાં કોરિયાની શિન યુબિન અને જેઑન જિહિને ૩-૨ (૭-૧૧, ૧૧-૯, ૧૧-૯, ૭-૧૧, ૧૧-૯)થી હરાવી હતી. જોકે સેમીમાં મનિકા, સાથિયાનનો અને માનવ ઠક્કર અને માનુષ શાહનો પરાજય થયો હતો.

સ્પેશ્યલ ઑલિમ્પિક્સ વર્લ્ડ ગેમ્સમાં ભારતના ૧૫૦-પ્લસ મેડલ

બર્લિનમાં માનસિક રીતે અક્ષમ ખેલાડીઓ માટેની સ્પેશ્યલ ઑલિમ્પિક્સ વર્લ્ડ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ કુલ ૧૫૭ મેડલ જીત્યા છે; જેમાં ૬૬ ગોલ્ડ, ૫૦ સિલ્વર અને ૪૧ બ્રૉન્ઝ છે. ગઈ કાલે રોલર સ્કેટિંગમાં ભારતીય ખેલાડીઓ બે ગોલ્ડ જીત્યા હતા. હવે ભારતને ઍથ્લેટિક્સ, લૉન ટેનિસ અને સાઇક્લિંગમાં મેડલ જીતવાનો મોકો છે.

sports sports news tennis news international olympic committee