News In Short : જૉકોવિચે પોતાને હરાવનાર ટીનેજરને બિરદાવ્યો

08 November, 2022 01:48 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આ ટુર્નામેન્ટ જીતનાર તે બૉરિસ બેકર પછીનો સૌથી યુવાન ખેલાડી છે

જૉકોવિચે પોતાને હરાવનાર ટીનેજરને બિરદાવ્યો

જૉકોવિચે પોતાને હરાવનાર ટીનેજરને બિરદાવ્યો

ડેન્માર્કના ૧૯ વર્ષના ટેનિસ ખેલાડી હૉલ્ગર રૂને રવિવારે ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન અને ૨૧ ગ્રૅન્ડ સ્લૅમ જીતી ચૂકેલા ડિફેન્ડિંગ ચૅમ્પિયન સર્બિયાના નોવાક જૉકોવિચને પૅરિસમાં પૅરિસ માસ્ટર્સની ફાઇનલમાં ૩-૬, ૬-૩, ૭-૫થી હરાવીને પ્રથમ એટીપી માસ્ટર્સ ટાઇટલ જીતી લીધું હતું. આ ટુર્નામેન્ટ જીતનાર તે બૉરિસ બેકર પછીનો સૌથી યુવાન ખેલાડી છે. બેકરે ૧૯૮૬માં આ સિદ્ધિ મેળવી હતી. રૂન આ જીત સાથે ટૉપ-ટેન રૅન્કિંગ્સમાં આવી જશે. જૉકોવિચે હાર્યા પછી રૂનને અભિનંદન આપતાં કહ્યું કે ‘તેં મને હરાવ્યો એટલે હું ખુશ તો ન જ કહેવાઉં, પરંતુ તારી પર્સનાલિટી જોઈને અને ટેનિસની રમત પ્રત્યે તારી જે નિષ્ઠા છે એ નિહાળીને તને શાબાશી આપવાનું મન થાય છે. તેં મને હરાવવા કલાકો સુધી પ્રૅક્ટિસ કરી હશે અને એનું ફળ તને મળ્યું.’

પ્રો કબડ્ડીમાં પ્રતીક દહિયાએ ગુજરાત જાયન્ટ્સને અપાવી જીત

બૅન્ગલોરમાં રવિવારે પ્રતીક દહિયાએ ગુજરાત જાયન્ટ્સને પ્રો કબડ્ડીમાં લીગ મૅચમાં બૅન્ગલુરુ બુલ્સ સામે રોમાંચક જીત અપાવી હતી. ગુજરાતનો ૪૬-૪૪થી વિજય થયો હતો. દહિયાએ કુલ ૧૬ પૉઇન્ટ મેળવ્યા હતા. બીજા મુકાબલામાં તામિલ થલૈવાસે પૉઇન્ટ્સ-ટેબલની મોખરાની ટીમ પુણેરી પલ્ટનને ૩૫-૩૪થી હરાવીને આ વિજેતા ટીમ ત્રીજા નંબરે આવી ગઈ હતી.

સાલહે લિવરપુલને હોમ ગ્રાઉન્ડ બહારની પહેલી જીત અપાવી

ઇજિપ્તના મોહમ્મદ સાલહે રવિવારે લંડનના ટૉટનમ હૉટ્સપર સ્ટેડિયમમાં ટૉટનમ સામેની ઇંગ્લિશ પ્રીમિયર લીગની મૅચમાં બે ગોલ કરીને લિવરપુલને રોમાંચક વિજય અપાવ્યો હતો. સાલહે ૧૧મી અને ૪૦મી મિનિટે ગોલ કર્યો હતો. ટૉટનમના હૅરી કેને ૭૦મી મિનિટે જે ગોલ કર્યો એ ટૉટનમનો એકમાત્ર ગોલ હતો અને લિવરપુલે છેક સુધી ડિફેન્સિવ ખેલાડીઓની મજબૂત જાળ બિછાવી રાખતાં ટૉટનમની ટીમ બીજો એકેય ગોલ નહોતી કરી શકી અને લિવરપુલનો ૨-૧થી વિજય થયો હતો. સાલહ ગઈ સીઝનમાં સૌથી વધુ ગોલ બદલ ગોલ્ડન બૂટનો અવૉર્ડ જીત્યો હતો.

sports news sports tennis news novak djokovic