News In Shorts : ડી. ગુકેશ ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયનને હરાવીને જીત્યો ટાઇટલ

11 April, 2023 10:44 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બન્ને ફાઇનલિસ્ટે સપ્ટેમ્બરની ગ્રૅન્ડ ફિનાલેમાં સ્થાન મેળવ્યું છે.

ડી. ગુકેશ

ડી. ગુકેશ ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયનને હરાવીને જીત્યો ટાઇટલ

ભારતનો ટીનેજ ચેસ ખેલાડી ડી. ગુકેશ રવિવારે રાતે બર્લિનમાં રૅપિડ ચેસના ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન ઉઝબેકિસ્તાનના નૉડિરબેક અબ્દુસત્તોરોવને ફાઇનલમાં હરાવીને વર્લ્ડ ચેસ આર્માગેડૉન એશિયા ઍન્ડ ઓસનિયા ચૅમ્પિયનશિપનો ચૅમ્પિયન બન્યો હતો. જોકે બન્ને ફાઇનલિસ્ટે સપ્ટેમ્બરની ગ્રૅન્ડ ફિનાલેમાં સ્થાન મેળવ્યું છે. ૧૬ વર્ષનો ગુકેશ એવી હરીફાઈ જીત્યો છે જેમાં રશિયાના ભૂતપૂર્વ વિશ્વવિજેતા વ્લાદિમીર ક્રૅમ્નિક, વિદિત ગુજરાતી તથા કાર્તિકેયન મુરલી (બન્ને ભારતના) પણ રમ્યા હતા.

બીસીસીઆઇના હોદ્દેદારને ૮૨ હજાર રૂપિયા ડેઇલી અલાવન્સ

ક્રિકેટજગતની સૌથી શ્રીમંત બીસીસીઆઇના પ્રત્યેક હોદ્દેદારને વિદેશી પ્રવાસમાં વિમાનની ફર્સ્ટ-ક્લાસની ટિકિટ મળશે અને તેમને રોજનું ૧૦૦૦ ડૉલર (અંદાજે ૮૨,૦૦૦ રૂપિયા)નું અલાવન્સ આપવામાં આવશે. આ ભથ્થું ૭ વર્ષે વધારાયું છે. પી.ટી.આઇ.ના અહેવાલ મુજબ બોર્ડના ટોચના હોદ્દેદારોને ભારતમાં કોઈ શહેરમાં મીટિંગ માટે જવાનું હોય તો બિઝનેસ ક્લાસની ટિકિટ મળશે અને રોજના ૪૦,૦૦૦ રૂપિયાનું ભથ્થું અપાશે. નૅશનલ ક્રિકેટ ટીમ (મેન્સ અને વિમેન્સ)ના હેડ-કોચ પસંદ કરતી ક્રિકેટ ઍડ્વાઇઝરી કમિટીના ત્રણમાંના દરેક મેમ્બરને મીટિંગ્સ માટે ૩.૫૦ લાખ રૂપિયા આપવામાં આવશે.

માના પટેલને એશિયન ગેમ્સ માટે ક્વૉલિફાય થવું છે

અમદાવાદમાં રહેતી અને ટોક્યો ઑલિમ્પિક્સમાં ક્વૉલિફાય થનાર ભારતની સૌપ્રથમ મહિલા સ્વિમર માના પટેલને આ વર્ષે એશિયન ગેમ્સ માટે ક્વૉલિફાય થઈને ૧૭ વર્ષથી ભારતને મળી રહેલી નિષ્ફળતાનો અંત લાવવો છે. છેલ્લે શિખા ટંડને ૨૦૦૬ની દોહા એશિયન ગેમ્સમાં ભાગ લીધો હતો. માના પટેલે ક્વૉલિફિકેશન રાઉન્ડમાં સફળ થવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

sports news sports cricket news board of control for cricket in india chess