04 May, 2024 09:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ઇન્ડિયન સુપર લીગ (ISL) ફુટબૉલ ટુર્નામેન્ટમાં આજે કલકત્તામાં રમાનારા ફાઇનલ જંગમાં મુંબઈ સિટી ફુટબૉલ ક્લબનો સામનો મોહન બાગાન સુપર જાયન્ટ્સ સામે થશે. સેમી ફાઇનલમાં મુંબઈએ ગોવાને અને મોહન બાગાને ઑડિશાની ટીમને માત આપી હતી. ત્રણ વર્ષ પહેલાં આ મેદાનમાં રમાયેલી ફાઇનલમાં મુંબઈએ મોહન બાગાનને ૨-૧થી માત આપી હતી. એ સમયે કોવિડ પ્રોટોકૉલને લીધે પ્રેક્ષકો વગર એ ફાઇનલ રમાઈ હતી, પણ આજે આશરે ૬૨,૦૦૦ ચાહકોના સપોર્ટ વચ્ચે મોહન બાગાન એ હારનો બદલો લેવા ઉત્સુક હશે.
ટીમ ઇન્ડિયાને હટાવીને ઑસ્ટ્રેલિયા બન્યું ટેસ્ટમાં નંબર વન
ગઈ કાલે જાહેર થયેલાં રૅન્કિંગ્સમાં વન-ડે અને T20 ફૉર્મેટમાં ભારતીય ટીમે તેમની બાદશાહત જાળવી રાખી છે, પણ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયન ટીમ ફરી નંબર વન પર પહોંચી ગઈ છે. ૨૦૨૦-’૨૧ના વર્ષનાં પરિણામને ગણતરીમાંથી કાઢીને મે ૨૦૨૧ બાદનાં પરિણામને જ ગણતરીમાં લેવાતાં થયેલા અપડેટમાં ભારત (૧૨૦ પૉઇન્ટ)ને હટાવીને ઑસ્ટ્રેલિયા (૧૨૪ પૉઇન્ટ) નંબર વન બન્યું છે. ૧૦૯ પૉઇન્ટ સાથે ઇંગ્લૅન્ડ ત્રીજા અને સાઉથ આફ્રિકા (૧૦૩ પૉઇન્ટ) ચોથા નંબરે છે.
વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત ઑસ્ટ્રેલિયા સામે હરી ગયું હતું, પણ રૅન્કિંગ્સમાં તેમની સામે ત્રણને બદલે ૬ પૉઇન્ટની લીડ મેળવીને એણે ટૉપનું સ્થાન જાળવી રાખ્યું હતું. સાઉથ આફ્રિકા ત્રીજા નંબરે છે. T20માં ઑસ્ટ્રેલિયા ઇંગ્લૅન્ડને હટાવીને બીજા નંબરે પહોંચી ગયું છે, પણ ભારતે એની સામે ૭ પૉઇન્ટની લીડ સાથે નંબર વનનું સ્થાન જાળવી રાખ્યું છે.
T20 વર્લ્ડ કપમાં જયરામન મદનગોપાલ અને નીતિન મેનન ભારતીય અમ્પાયર
ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ગઈ કાલે આવતા મહિને અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝમાં રમાનારા T20 વર્લ્ડ કપના અમ્પાયર્સ અને રેફરીનાં નામની જાહેરાત કરી હતી. કુલ ૫૫ મૅચો માટે જાહેર થયેલા ૨૦ અમ્પાયર્સમાં બે ભારતીયો નીતિન મેનન અને જયરામન મદનગોપાલનો સમાવેશ છે. મદનગોપાલ આ સાથે પહેલી વાર ICC સિનિયર મેન્સ ટુર્નામેન્ટમાં અમ્પાયરિંગ કરશે.
૬ રેફરીઓમાં રંજન મદુગલે, ડેવિડ બૂન, જેફ ક્રૉ, ઍન્ડ્રુ પાયક્રૉફ્ટ અને રિચી રિચર્ડસન સાથે ભારતીય જાવાગલ શ્રીનાથનો પણ સમાવેશ છે.