23 April, 2023 10:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આર્ચરી વર્લ્ડ કપમાં જ્યોતિ વેન્નમ જીતી બે ગોલ્ડ
આર્ચરી વર્લ્ડ કપમાં જ્યોતિ વેન્નમ જીતી બે ગોલ્ડ
ટર્કીમાં ચાલતા તીરંદાજીના વર્લ્ડ કપમાં ભારતે બે ગોલ્ડ જીત્યા હતા. કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમ કૅટેગરીમાં ભારતની જ્યોતિ સુરેખા વેન્નમ અને એના પાર્ટનર ઓજસ દેવતળેએ ચાઇનીઝ તાઇપેઈના ચેન યી સુઆન અને ચેન શીએ-લુનને ૧૫૯-૧૫૪થી હરાવ્યા હતા. ત્યાર બાદ વ્યક્તિગત કમ્પાઉન્ડ સ્પર્ધામાં જ્યોતિએ ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન સારા લોપેઝને ૧૫૯-૧૫૪થી હરાવી હતી. અગાઉ આ જ ખેલાડી સામે વર્ષ ૨૦૨૧માં જ્યોતિ વર્લ્ડ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં હારી ગઈ હતી. આમ તેણે અગાઉની હારનો હિસાબ ચૂકતે કર્યો હતો.
હૈદરાબાદમાં શરૂ થઈ વધુ એક ગોપીચંદ ઍકૅડેમી
હૈદરાબાદના ગચ્ચીબાઉલી વિસ્તારમાં ગઈ કાલે એક નવી કોટક પુલેલા ગોપીચંદ બૅડ્મિન્ટન ઍકૅડેમી શરૂ થઈ હતી. હૈદરાબાદમાં પહેલાંથી જ એક ગોપીચંદ ઍકૅડેમી હતી. નવું વર્લ્ડ ક્લાસ સેન્ટર ઊગતી પ્રતિભાઓને પ્લૅટફૉર્મ પૂરું પાડશે. આ સેન્ટરમાં ૬ ઍરકન્ડિશન બૅડ્મિન્ટન કોર્ટ છે. એ ઉપરાંત સ્પોર્ટ્સ સાયન્સ, ફિઝિયોથેરપિસ્ટ , કન્ડિશનિંગ ઍન્ડ સ્ટેન્ગ્થ કોચ પણ હશે. આર્થિક રીતે નબળા કોચ અને ખેલાડીઓ માટે ફેલોશિપ કાર્યક્રમ પણ હશે.
મૅડ્રિડ ઓપનમાં નહીં રમે નોવાક જૉકોવિચ
ફિટનેસની સમસ્યાને કારણે સ્પેનમાં રમાનારી મૅડ્રિડ ઓપનમાં નોવાક જૉકોવિચ નહીં રમી શકે. કયા કારણથી તે નહીં રમે એ વિશે જૉકોવિચે ખુલાસો કર્યો નથી, પરંતુ તાજેતરમાં તેણે કોણીની સમસ્યાને લઈને વાત કરી હતી. જોકે તેણે એ વાતને બહુ મહત્ત્વ આપ્યું નહોતું.