03 September, 2026 12:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લક્ષ્ય સેન
૨૦૨૧માં વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં બ્રૉન્ઝ મેડલ જીતનાર ભારતના સ્ટાર બૅડ્મિન્ટન ખેલાડી લક્ષ્ય સેનનું આ વર્ષમાં નબળું ફૉર્મ જળવાઈ રહ્યું છે અને ફરી એક વાર તે ટુર્નામેન્ટમાંથી જલદી આઉટ થઈ ગયો છે. ગઈ કાલે ચાઇના માસ્ટર્સ ટુર્નામેન્ટમાં તે પહેલા જ રાઉન્ડમાં કૅનેડાના ખેલાડી વિક્ટર લાય સામે ૧૪-૨૧, ૭-૨૧ એમ સીધા સેટમાં હારીને બહાર થઈ ગયો હતો. વિક્ટર સામે એ સતત ત્રીજી મૅચમાં હારી ગયો હતો.
લક્ષ્ય સેન આ પહેલાં જપાન ઓપનમાં પણ પ્રથમ રાઉન્ડમાં બહાર થઈ ગયો હતો અને થોડા દિવસ પહેલાં ઘરઆંગણે વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં અને એ પહેલાં ઇન્ડોનેશિયા ઓપનમાં પણ રાઉન્ડ ઑફ ૩૨માં હારીને બહાર થઈ ગયો હતો.
જોકે ભારતનો અન્ય ખેલાડી કિદામ્બી શ્રીકાંત પ્રથમ રાઉન્ડમાં વિજય મેળવીને બીજા રાઉન્ડમાં પહોંચી ગયો હતો.