હૉકીમાં ભારત મોડું જાગ્યું, જપાનને ૮-૦થી કચડ્યું

28 January, 2023 06:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારતીય ટીમ પેનલ્ટી કૉર્નરને ગોલમાં પરિવર્તિત કરવાની કચાશને કારણે જ સેમી ફાઇનલ સુધી ન પહોંચી શકી, પણ ૨૬ જાન્યુઆરીએ આ ટીમે આઠમાંથી પાંચ ગોલ પેનલ્ટી કૉર્નર દ્વારા જ કર્યા હતા

હૉકીમાં ભારત મોડું જાગ્યું, જપાનને ૮-૦થી કચડ્યું

ભારતની મેન્સ હૉકી ટીમ ઘરઆંગણે રમાતા વર્લ્ડ કપના નૉકઆઉટ રાઉન્ડમાંથી વહેલી આઉટ થઈ ગઈ, પરંતુ ગુરુવારે હરમનપ્રીત સિંહના સુકાનમાં ભારતીય ટીમે એશિયન ચૅમ્પિયન જપાનને ૮-૦થી કચડીને દેશના હૉકીપ્રેમીઓની નિરાશાને થોડી ઓછી કરવાનો પ્રયાસ જરૂર કર્યો. બીજું, ભારત હવે આ વખતે ખરાબમાં ખરાબ ૧૨મા સ્થાને પહોંચશે. બીજી રીતે કહીએ તો ૧૩મા સ્થાનની શરમજનક સ્થિતિમાં ભારત નહીં મુકાય. વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારતનો સૌથી ખરાબ દેખાવ ૧૯૮૬માં હતો, જ્યારે ભારત ૧૨મા નંબરે રહ્યું હતું.

ભારતીય ટીમ પેનલ્ટી કૉર્નરને ગોલમાં પરિવર્તિત કરવાની કચાશને કારણે જ સેમી ફાઇનલ સુધી ન પહોંચી શકી, પણ ૨૬ જાન્યુઆરીએ આ ટીમે આઠમાંથી પાંચ ગોલ પેનલ્ટી કૉર્નર દ્વારા જ કર્યા હતા. પેનલ્ટી કૉર્નરને ગોલમાં ફેરવવાનો ૫/૧૧નો કન્વર્ઝન રેટ આ વખતની ટુર્નામેન્ટમાં ભારત માટે બેસ્ટ હતો. અભિષેક (૩૬મી, ૪૪મી મિનિટ), હરમનપ્રીત (૪૬મી, ૫૯મી મિનિટ), વિવેક સાગર (૪૦મી મિનિટ), મનપ્રીત સિંહ (૫૯મી મિનિટ) અને સુખજિત સિંહ (૬૦મી મિનિટ) તેમ જ મનદીપ સિંહના ગોલની મદદથી ભારતે યાદગાર વિજય મેળવ્યો હતો.

જાણે સૂતેલો સિંહ ઓચિંતો જાગીને આક્રમણ કરે એવી સ્થિતિ ભારતીય ટીમની હતી, જેણે જપાન પર શરૂઆતથી સંરક્ષણ દીવાલ મજબૂત રાખી હતી અને મૅચના મધ્ય ભાગમાં ત્રાટકવાનું શરૂ કરીને એક પછી એક આઠ ગોલ કર્યા હતા. આ મૅચ ૯થી ૧૬ સુધીના સ્થાન માટેની હતી. હવે ભારત આજે (સાંજે ૭.૦૦ વાગ્યાથી) સાઉથ આફ્રિકા સામે ૯થી ૧૨ સુધીના સ્થાન માટેની મૅચમાં રમશે.

8-0

આર્જેન્ટિનાએ પણ ચિલીને ૯થી ૧૬ સુધીના સ્થાન માટેની મૅચમાં ચિલીને આટલા માર્જિનથી હરાવ્યું હતું. સાઉથ આફ્રિકાનો મલેશિયા સામે ૬-૩થી અને વેલ્સનો ફ્રાન્સ સામે પેનલ્ટી શૂટઆઉટમાં ૨-૧થી વિજય થયો હતો.

ભારતીય ટીમને મેન્ટલ કન્ડિશનિંગ કોચ વહેલા વર્લ્ડ કપની શરૂઆત પહેલાં જ અપાવવા જોઈતા હતા. એવું ન થયું એ મારી ભૂલ હતી. વર્લ્ડ કપ ઘરઆંગણે હતો એટલે એમાં અપેક્ષાનું વધુ પ્રેશર રહેવાનું હતું અને એને માટે શરૂઆતથી તેમનું મનોબળ મજબૂત હોવું જરૂરી હતું. - ગ્રેહામ રીડ (ભારતીય ટીમના હેડ-કોચ)

sports news hockey