03 October, 2026 03:33 PM IST | Tokyo | Gujarati Mid-day Correspondent
સિલ્વર મેડલ સાથે ડાબેથી સંજય ભોગે, ધીરજ બોમ્માદેવરા, નીરજ ચૌહાણ અને ડાબેથી અંકિતા ભકત, ક્રિતી શર્મા, કુમકુમ મોહોડ ગોલ્ડ મેડલ સાથે.
એશિયન ગેમ્સ 2026માં ભારતીય ટીમે રિકર્વ તીરંદાજીની ત્રણેય ટીમ ઇવેન્ટ્સમાં મેડલ હાંસલ કર્યા, જે એશિયન ગેમ્સમાં ભારતનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ રિકર્વ ટીમ પ્રદર્શન છે. આ ઇવેન્ટમાં વક્ર આકારના ધનુષથી તીરંદાજી થાય છે. થોડા દિવસ પહેલાં ભારતે કમ્પાઉન્ડ તીરંજદાજીની ત્રણેય ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યા હતા.
એશિયન ગેમ્સના ઇતિહાસમાં પ્રથમ વખત ભારતે પહેલી વખત એક જ એશિયન ગેમ્સની ત્રણેય રિકર્વ ટીમ ઇવેન્ટ્સમાં મેડલ જીત્યા છે. વિમેન્સ ટીમે ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યો છે, જ્યારે મેન્સ ટીમ અને મિક્સ્ડ ટીમને સિલ્વર મેડલ મળ્યો છે.
૧૯૭૮થી રમાતી રિકર્વ તીરંદાજી વિમેન્સ ટીમ ઇવેન્ટ્સમાં સાઉથ કોરિયા છેલ્લા સતત ૭ વખત અને ઓવરઑલ ૧૦ વખતની ચૅમ્પિયન છે. આ ટીમ સામે ભારતની મહિલા ટીમે ૫-૩થી જીત નોંધાવીને આ ઇવેન્ટમાં પહેલો ગોલ્ડ જીત્યો હતો.
ત્યાર બાદ ૧૭ વર્ષની કુમકુમ મોહોડોએ ધીરજ બોમ્માદેવરા સાથે મળીને મિશ્ર રિકર્વ ટીમ સ્પર્ધામાં ચીન સામે ૩-૫થી હારીને સિલ્વર જીત્યો હતો. દિવસના અંતે ભારતની મેન્સ ટીમે સાઉથ કોરિયા સામે ૧-૫થી હારીને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.