વિશ્વસ્પર્ધામાં ભારતીય મહિલા બૉક્સર્સનો મુક્કાનો ‘ચોક્કો’

24 March, 2023 01:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચારેય મુક્કાબાજો પહોંચી ગઈ ફાઇનલમાં ઃ નિખત, નીતુ, લવલીના અને સ્વીટી ગોલ્ડ અથવા સિલ્વર જીતવાની તૈયારીમાં

લવલીના બોર્ગોહેઇન, સ્વીટી બૂરા

પાટનગર દિલ્હીમાં ગઈ કાલે વિમેન્સ વર્લ્ડ ચૅમ્પિયનશિપ્સની સેમી ફાઇનલમાં ભારતની નિખત ઝરીન અને નીતુ ઘંઘાસ પોતપોતાના વર્ગની ફાઇનલમાં પહોંચી ગઈ હતી. ત્યાર પછી લવલીના બોર્ગોહેઇન અને સ્વીટી બૂરાએ પણ પોતપોતાના વર્ગની સેમી ફાઇનલ જીતીને ફાઇનલમાં એન્ટ્રી કરી હતી.

ગયા વખતની વિશ્વસ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનાર નિખતે ૫૦ કિલો વર્ગમાં રિયો ઑલિમ્પિક્સની બ્રૉન્ઝ મેડલિસ્ટ કોલમ્બિયાની ઇન્ગ્રિટ વૅલેન્સિયા પર શરૂઆતથી છેક સુધી હાવી થઈને તેને ૫-૦થી હરાવી હતી. નીતુનો કઝાખસ્તાનની આલુઆ બાલ્કીબેકોવા સામે ૫-૨થી વિજય થયો હતો.

નીતુએ કઝાખસ્તાનની આલુઆને નમાવી હતી

નિખતની સ્પીડ કારગત ​નીવડી

દિલ્હીમાં ગઈ કાલની સેમી ફાઇનલમાં ભારતની ડિફેન્ડિંગ વર્લ્ડ ચૅમ્પિયન નિખત ઝરીને ઑલિમ્પિક્સની મેડલિસ્ટ ઇન્ગ્રિટને વિનિંગ પંચ માર્યો 

નિખતે મુક્કો મારવાની ઝડપ અને યુક્તિને કારણે પોતાના પર વૅલેન્સિયાને કોઈ પણ તબક્કે અંકુશ નહોતો લેવા દીધો. તેને હરાવતાં નિખત હવે ટાઇટલ ડિફેન્ડ કરવાથી એક ડગલું દૂર છે. નીતુ અને આલુઆએ શરૂઆતથી છેક સુધી એકમેકને મોં પર તેમ જ ખભા પર ઘણા પંચ માર્યા હતા, પરંતુ એકંદરે નીતુએ તેના પર પ્રભુત્વ જમાવ્યું હતું અને મોટા તફાવતથી જીત મેળવી હતી.

લવલીનાએ ચીની હરીફને હરાવી

૭૫ કિલો વર્ગની સેમી ફાઇનલમાં ભારતની લવલીના બોર્ગોહેઇને ચીનની લિ કિઆનને પરાસ્ત કરી હતી, જ્યારે ભારતની ચોથી બૉક્સર સ્વીટી બૂરાએ ઑસ્ટ્રેલિયાની એમ્મા ગ્રીનટ્રીને પરાજિત કરીને ફાઇનલમાં એન્ટ્રી કરી હતી.ભારતની ચારેય બૉક્સર હવે ગોલ્ડ મેડલ અથવા સિલ્વર મેડલ જીતશે.

sports sports news boxing