02 October, 2026 06:59 PM IST | Tokyo | Gujarati Mid-day Correspondent
એશિયન ગેમ્સમાં પાકિસ્તાનને ૪-૩થી હરાવ્યું ભારતીય મેન્સ હૉકી ટીમે
એશિયન ગેમ્સ 2026ની મેન્સ હૉકીની સેમી-ફાઇનલમાં પાકિસ્તાનને ૪-૩થી હરાવીને ભારતે ગોલ્ડ મેડલ મૅચમાં સ્થાન નિશ્ચિત કર્યું છે. એશિયન ગેમ્સની હૉકીની ફાઇનલમાં ભારતની આ બારમી અને ૨૦૨૨માં ગોલ્ડ મેડલ જીત્યા પછી સતત બીજી હાજરી હશે.
આ જીત સાથે ભારતે પાકિસ્તાન સામેના પોતાના અજેય અભિયાનને ૨૧ મૅચ સુધી લંબાવ્યું છે જેમાં ૧૯ જીત અને બે ડ્રૉનો સમાવેશ થાય છે. છેલ્લે ભારતને આ કટ્ટર હરીફ સામે ફેબ્રુઆરી ૨૦૧૬માં સાઉથ એશિયન ગેમ્સમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
૧૯૯૮ પછી આ પ્રથમ વખત છે જ્યારે ભારતીય પુરુષ અને મહિલા બન્ને હૉકી ટીમો એશિયન ગેમ્સની ફાઇનલમાં પહોંચી છે. આજે બે ઑક્ટોબરે બપોરે ૩.૩૦ વાગ્યાથી બન્ને ટીમ ફાઇનલ મૅચ રમવા ઊતરશે. પુરુષ ટીમ મલેશિયા સામે અને મહિલા ટીમ ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચીન સામે ટકરાશે.