ગુલવીર સિંહ કૉમનવેલ્થ ગેમ્સમાં ૧૦,૦૦૦ મીટરની રેસમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય ઍથ્લીટ બન્યો

30 July, 2026 03:04 PM IST  |  Glasgow | Gujarati Mid-day Correspondent

પાણી ભરેલા ટ્રૅક પર ૨૭ મિનિટ અને ૪૯.૭૮ સેકન્ડમાં રેસ પૂરી કરીને જીત્યો સિલ્વર મેડલ, માત્ર ૦.૮૫ સેકન્ડથી ગોલ્ડ ચૂકી ગયો

ગુલવીર સિંહ

સ્કૉટલૅન્ડના ગ્લાસગોમાં ચાલી રહેલી કૉમનવેલ્થ ગેમ્સ 2026માં મંગળવારે રાત્રે ભારતીય ઍથ્લીટ અને આર્મીમૅન ગુલીવર સિંહે સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો હતો. ઉત્તર પ્રદેશના ૨૮ વર્ષના ગુલવીર સિંહે પુરુષોની ૧૦,૦૦૦ મીટરની રેસમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ સાથે કૉમનવેલ્થ ગેમ્સમાં ૧૦,૦૦૦ મીટર રેસમાં મેડલ જીતનાર તે પ્રથમ ભારતીય ઍથ્લીટ બની ગયો હતો. 
વરસાદ તેમ જ ભીના ટ્રૅક વચ્ચે યોજાયેલી આ રેસમાં ગુલીવર પ્રથમ ૩૦૦૦ મીટર સુધી ત્રીજા ક્રમાંકે હતો, પણ ૫૦૦૦ મીટરની અડધી રેસ સુધીમાં તે સરકીને છઠ્ઠા ક્રમાંકે ધકેલાઈ ગયો હતો. ૭૦૦૦ મીટર સુધીમાં સંઘર્ષ કરીને પાંચમા ક્રમાંકે પહોચ્યો હતો અને ત્યારે એવું લાગતું હતું કે મેડલથી વંચિત રહી જશે, પણ ગુલવીરે ત્યાર બાદ જોર લગાવ્યું હતું અને છેલ્લા બે ખેલાડીઓને ઓવરટેક કરીને બીજા સ્થાને પહોંચીને રેસ પૂરી કરી હતી. ઑસ્ટ્રેલિયાના રૉબિન્સને ૨૭ મિનિટ અને ૪૮.૯૩ સેકન્ડમાં રેસ પૂરી કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો, આમ માત્ર ૦.૮૫ સેકન્ડથી ગુલવીર ગોલ્ડ ચૂકી ગયો હતો.

ગુલવીર સિંહના અન્ય કારનામા પર એક નજર

એશિયન ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ 2025માં ૫૦૦૦ અને ૧૦,૦૦૦ મીટર સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ 2022માં ૧૦,૦૦૦ મીટર રેસમાં બ્રૉન્ઝ મેડલ
એશિયન ચૅમ્પિયનશિપ 2023માં ૫૦૦૦ મીટર રેસમાં બ્રૉન્ઝ મેડલ
૧૦,૦૦૦ મીટરમાં ૨૭ મિનિટ અને ૦.૨૨ સેકન્ડનો નૅશનલ રેકૉર્ડ
૫૦૦૦ મીટર (ઇન્ડોર)માં ૧૨ મિનિટનો ઍશિયન રેકૉર્ડ
એક કલાકથી ઓછા સમયમાં (૫૯.૪૨ મિનિટ) હાફ મૅરથૉન પૂરી કરનાર પ્રથમ ભારતીય

sports news sports commonwealth games glasgow scotland united kingdom