આજે મધરાતથી શરૂ થાય છે ફુટબૉલના મહાકુંભમાં ૪૮ ટીમોનો જંગ જોરદાર

11 June, 2026 12:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પહેલી વાર ત્રણ દેશ અમેરિકા, કૅનેડા અને મેક્સિકો કરી રહ્યા છે યજમાની : બ્રાઝિલ રેકૉર્ડ ૨૩મી વખત વર્લ્ડ કપ રમશે, પાંચ વખતની આ ચૅમ્પિયન ટીમનો દિવંગત પ્લેયર પેલે ટુર્નામેન્ટનો સૌથી સફળ ખેલાડી. ભારતમાં આ વર્લ્ડ કપનો પળેપળનો આનંદ માણવા ઉજાગરા કરવા પડશે...

FIFA ટ્રોફી

અમેરિકા, કૅનેડા અને મેક્સિકોમાં આયોજિત ફુટબૉલ વર્લ્ડ કપ આજે મધરાત પછી શરૂ થશે. ભારતીય સમય અનુસાર ૧૨ જૂનની શરૂઆતમાં ૧૨.૩૦ વાગ્યે મેક્સિકો સિટીમાં યજમાન દેશ મેક્સિકો અને સાઉથ આફ્રિકાની ટક્કર સાથે ૪૮ ટીમો વચ્ચે ૩૯ દિવસોમાં રમાનારી ૧૦૪ મૅચનો રોમાંચ શરૂ થશે. ત્રણેય દેશોમાં અલગ-અલગ ઓપનિંગ સેરેમની યોજાશે અને ૨૦ જુલાઈએ ન્યુ જર્સીમાં ફાઇનલમાં શાનદાર હાફ-ટાઇમ શો પણ જોવા મળશે.

ભારતીય સમય અનુસાર નવા દિવસની શરૂઆતમાં ૧૨.૩૦, ૩.૩૦ અને સવારે ૬.૩૦, ૭.૩૦ વાગ્યે મૅચો શરૂ થશે. ભારતીય ફૅન્સ ઝી નેટવર્ક પર આ વર્લ્ડ કપનો આનંદ માણી શકશે. વર્લ્ડ કપનાં ૯૬ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વાર ત્રણ દેશ એકસાથે યજમાની કરી રહ્યા છે. અગાઉ ૨૦૦૨માં એકથી વધુ યજમાન દેશ જપાન અને સાઉથ કોરિયાએ વર્લ્ડ કપની યજમાની કરી હતી. 
મેક્સિકો ત્રીજી વખત વર્લ્ડ કપની યજમાની કરનાર પ્રથમ દેશ બનશે. અહીં વર્ષ ૧૯૭૦ અને ૧૯૮૬માં પણ વર્લ્ડ કપ રમાયો હતો. અમેરિકાને વર્ષ ૧૯૯૪ બાદ બીજી વખત યજમાની મળી છે, જ્યારે કૅનેડા પ્રથમ વખત યજમાની કરી રહ્યું છે. અમેરિકાનાં ૧૧, મેક્સિકોનાં ૩ અને કૅનેડાનાં બે સહિત ૧૬ સ્ટેડિયમમાં ફુટબૉલની રસાકસી જોવા મળશે.

આ વખતે વર્લ્ડ કપમાં પ્રથમ વાર ૩૨ને બદલે ૪૮ ટીમ ભાગ લઈ રહી છે. એથી ફૉર્મેટમાં પણ મોટા બદલાવ કરવામાં આવ્યા છે. તમામ ટીમોને ૪-૪નાં ૧૨ ગ્રુપમાં વિભાજિત કરી છે. એક ગ્રુપમાં ટીમ સામસામે એક-એક મૅચ રમશે. દરેક ગ્રુપની ટૉપ-ટૂ ટીમ સાથે ૧૨ ગ્રુપોમાં ત્રીજા ક્રમાંક પર રહેનારી ૮ બેસ્ટ ટીમ નૉકઆઉટમાં પહોંચશે. ૨૮ જૂન બાદ ૩૨ ટીમો વચ્ચે નૉકઆઉટ મૅચો રમાશે.

રેકૉર્ડ ૧૨૪૮ ખેલાડીઓ ફુટબૉલના વર્લ્ડ કપનો ભાગ બનશે 
૪૮ ટીમોની ઓછામાં ઓછી ૨૬ સભ્યોની સ્ક્વૉડને કારણે રેકૉર્ડ ૧૨૪૮ ખેલાડીઓ ફુટબૉલના મહાકુંભનો ભાગ બનશે. એમાંથી માત્ર ૩૫૭ ખેલાડીઓ અગાઉ વર્લ્ડ કપનો ભાગ રહ્યા છે. ૮૯૧ ખેલાડીઓ પહેલી વખત વર્લ્ડ કપનો અનુભવ કરશે. બાવીસ ખેલાડીઓ એવા છે જે વર્લ્ડ કપમાં અગાઉ ચૅમ્પિયન બની ચૂક્યા છે. બાવીસ ખેલાડીઓની ઉંમર વીસથી ઓછી છે અને ૭ ખેલાડીઓની ઉંમર ૪૦ વર્ષથી વધુ છે. 

વર્લ્ડ કપ ચૅમ્પિયન ટીમ
બ્રાઝિલ (પાંચ વખત) : ૧૯૫૮, ૧૯૬૨ , ૧૯૭૦, ૧૯૯૪, ૨૦૦૨
જર્મની (ચાર વખત) : ૧૯૫૪, ૧૯૭૪, ૧૯૯૦, ૨૦૧૪
ઇટલી (ચાર વખત) : ૧૯૩૪, ૧૯૩૮, ૧૯૮૨, ૨૦૦૬
આર્જેન્ટિના (3 વખત) : ૧૯૭૮, ૧૯૮૬, ૨૦૨૨
ફ્રાન્સ (બે વખત) : ૧૯૯૮, ૨૦૧૮
ઉરુગ્વે (બે વખત) : ૧૯૩૦, ૧૯૫૦ 
ઇંગ્લૅન્ડ (એક વખત) : ૧૯૬૬
સ્પેન (એક વખત) : ૨૦૧૦

સૌથી વધુ વખત રનર-અપ રહેનારી ટીમો
જર્મની (ચાર વખત) : ૧૯૬૬, ૧૯૮૨, ૧૯૮૬, ૨૦૦૨
આર્જેન્ટિના (૩ વખત) : ૧૯૩૦, ૧૯૯૦, ૨૦૧૪
નેધરલૅન્ડ્સ (૩ વખત) : ૧૯૭૪, ૧૯૭૮, ૨૦૧૦
બ્રાઝિલ, ઇટલી, ફ્રાન્સ, હંગરી, ચેક રિપબ્લિક : બે વખત
સ્વીડન, ક્રોએશિયા : ૧ વખત

સૌથી વધુ વર્લ્ડ કપ જીતનાર બ્રાઝિલ ૨૪ વર્ષથી ચૅમ્પિયન બન્યું નથી

વર્લ્ડ કપમાં સૌથી વધુ પાંચ વખત બ્રાઝિલની ટીમ વર્લ્ડ ચૅમ્પિયન બની છે. જોકે વર્ષ ૨૦૦૨ બાદ આ ટીમ ફાઇનલ સુધી પણ પહોંચી શકી નથી. બ્રાઝિલના દિવંગત ફુટબૉલર પેલે વર્લ્ડ કપના સૌથી સફળ ખેલાડી છે. તેમણે ત્રણ વખત એટલે કે વર્ષ ૧૯૫૮, ૧૯૬૨ અને ૧૯૭૦માં વર્લ્ડ કપ ટ્રોફી ઉપાડી હતી. ૧૭ વર્ષની ઉંમરે વર્લ્ડ કપમાં ગોલ ફટકારનાર પેલે સૌથી યંગેસ્ટ ખેલાડી છે. તેમણે આ ટુર્નામેન્ટમાં ૧૨ ગોલ કર્યા છે.

25.8
આટલી ઍવરેજ ઉંમરને કારણે આઇવરી કોસ્ટ આ વર્લ્ડ કપની સૌથી યંગેસ્ટ ટીમ છે

30.4
આટલી ઍવરેજ ઉંમર સાથે પનામા આ વર્લ્ડ કપની સૌથી ઓલ્ડેસ્ટ ટીમ છે

૪૮ ટીમોને ૧૨ ગ્રુપમાં વહેંચવામાં આવી

ગ્રુપ – A

મેક્સિકો, સાઉથ આફ્રિકા, સાઉથ કોરિયા, ચેક રિપબ્લિક

ગ્રુપ- B

કૅનેડા, બોસ્નિયા-હર્ઝેગોવિના, કતર, સ્વિટ્ઝરલૅન્ડ

ગ્રુપ- C

બ્રાઝિલ, મોરોક્કો, હૈતી, સ્કૉટલૅન્ડ

ગ્રુપ- D

અમેરિકા, પૅરાગ્વે, ઑસ્ટ્રેલિયા, ટર્કી

ગ્રુપ- E

જર્મની, કુરાકાઓ, આઇવરી કોસ્ટ, ઇક્વાડોર

ગ્રુપ- F

નેધરલૅન્ડ્સ, જપાન, સ્વીડન, ટ્યુનિશિયા

ગ્રુપ - G

બેલ્જિયમ, ઇજિપ્ત, ઈરાન, ન્યુ ઝીલૅન્ડ

ગ્રુપ-H

સ્પેન, કૅપ વર્ડે, સાઉદી અરેબિયા, ઉરુગ્વે

ગ્રુપ- I

ફ્રાન્સ, સેનેગલ, ઇરાક, નોર્વે

ગ્રૂપ- J

આર્જેન્ટિના, અલ્જીરિયા, ઑસ્ટ્રિયા, જૉર્ડન

ગ્રુપ- K

પોર્ટુગલ, કોંગો, ઉઝબેકિસ્તાન, કોલંબિયા

ગ્રુપ- L

ઇંગ્લૅન્ડ, ક્રોએશિયા, ઘાના, પનામા

 

fifa world cup united states of america mexico canada football sports news